Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

દિપક ચંદારાણાના સટ્ટામાં અલ્લાઉદ્દીન સુત્રધાર : ગ્રાહકોના ફોન ઉપાડવા, કપાત કરવા, વેપાર સોફટવેરમાં નાંખવા માણસો રાખ્યા'તા

સીઆઇડી ક્રાઇમની ટીમે યુનિવર્સિટી રોડ જલારામ-૨માં સિલ્વર નેસ્ટમાં ત્રીજા માળે ૩૦૨માં દરોડોઃ દિપક ચંદારાણાના બનેવી સહિત પાંચ પન્ટર પકડાયાઃ ૨૬ મોબાઇલ, બે લેપટોપ, એક ટેબલેટ, પ્રિન્ટર, એલઇડી, રાઉટર, સેટઅપબોકસ, વોઇસ રેકોર્ડર સહિતનો મુદ્દામાલ કબ્જે : એક માણસ તો સટ્ટાનો ભાવ જણાવવા માટે રાખ્યો'તોઃ દિપકના બનેવી કિશોર ચેતલિયાને ગ્રાહકોના ફોન ઉપાડવાના કામના મહિને ૨૦ હજાર કમિશન પેટે મળતાં: લેપટોપમાં અનેકના સાંકેતિક નામનો અને ભાવ-તાલ મળ્યાઃ મોબાઇલમાં ગ્રાહકોના નામ-નંબર મળ્યા : દિપકનો ભાણેજ મુંબઇનો પ્રેમલ રાયચુરા સટ્ટાનો વેપાર કિંગ્સ નામના સોફટવેરમાં એડ કરવાનું કામ સંભાળતો'તો

રાજકોટ તા. ૯: શહેરના યુનિવર્સિટી રોડ પર જલારામ-૨ શેરી નં. ૫માં આવેલા સિલ્વર નેસ્ટ એપાર્ટમેન્ટના ત્રીજા માળે મકાન નં. ૩૦૨માં ઓસ્ટ્રેલિયા-બાંગ્લાદેશના ટી-૨૦ મેચની ક્રિકેટ ટુર્નામેન્ટના લાઇવ પ્રસારણ પણ સેશન્સ ઓવર, લંબી પારી અને મેચના હારજીતના ભાવ મોબાઇલ ફોન પર આપી સટ્ટો રમાડવામાં આવતો હોવાની બાતમી ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના સી.આઇ. સેલને મળતાં દરોડો પાડી દિપક ચંદારાણાના બનેવી સહિત પાંચને પકડી લઇ રૂ. ૩,૬૨,૯૮૫નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. દિપક ચંદારાણા આ સટ્ટો રમાડતો હોવાનું અને સુત્રધાર અલ્લાઉદ્દીન હોવાનું ખુલતાં વધુ તપાસ થઇ રહી છે. જે પાંચ પકડાયા છે તે ગ્રાહકોના ફોન ઉપાડવા, કપાત કરવી, થયેલો વેપાર સોફટવેરમાં નાંખવો એ સહિતના કામો કરતાં હતાં અને તેના બદલામાં દર મહિને તેને ૨૦ થી ૨૫ હજાર રૂપિયા અપાતાં હતાં. દિપક અને અલ્લાઉદ્દીન પકડાયા બાદ સટ્ટાખોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ થશે કે કેમ? એ આ બંને પકડાયા બાદ બહાર આવશે.

સીઆઇડી ક્રાઇમની ટીમે કિશોર ગોકુલદાસ ચિતલીયા (રહે.એ-૨૦૨, સદ્દગુરૂ સાનિધ્ય, સત્યાસાઇ રોડ રાજકોટ), જીજ્ઞેશ નાનુભાઇ વાજા (રહે. જલારામ-૨, અમિધારા એપાર્ટમ્ેન્ટ, મોડર્ન ફાસ્ટફૂડની પાછળ યુનિવર્સિટી રોડ), અર્જુન ઉર્ફ સન્ની રાજેશભાઇ પોપટ (રહે. રાધેકૃષ્ણ એપાર્ટમેન્ટ બી-બ્લોક નં. ૧૦૯, લક્ષ્મીવાડી ૯-એ મિલપરા રોડ), પ્રેમલ દિનેશભાઇ રાયચુરા (રહે.હાલ મામા દિપકભાઇ દિનેશભાઇ ચંદારાણાના ઘરે હિન્દદીપ, જલારામ-૨, આફ્રિકા કોલોની, મુળ ડી-૨૨ સાફલ્ય બિલ્ડીંગ ટાકી રોડ, ચેતનબાર નજીક આંબેડકરનગર નાલા સોપરા ઇસ્ટ થાને મહારાષ્ટ્ર)ને પકડી લઇરૂ. ૨,૦૮,૦૦૦ના ૨૬ મોબાઇલ, રૂ. ૩૫ હજારના બ લેપટોપ, રૂ. ૮ હજારનું એક ટેબલેટ, રૂ. ૫૦૦૦નું પ્રિન્ટર, રૂ. ૧૦ હજારનું એલઇડી, રૂ. ૩૫૦ના ૭ ચાર્જર રૂ. ૨૦૦ના લેપટોપ ચાર્જર, બે રિમોટ, વાઇફાઇ રાઉટર, સેટઅપ બોકસ, ઇલેકટ્રીક બોર્ડ, વોઇસ રેકોર્ડર, એન્ડ્રોઇડ બોકસ, બે વાહન, બે ચાવી તેમજ અંગજડતીમાંથી મળેલા રૂ. ૧૭૩૩૫ રોકડા મળી કુલ રૂ. ૩,૬૨,૯૮૫નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સીઆઇડી ક્રાઇમના પીઆઇ જે. એસ. કંડોરીયા, પીએસઆઇ એન. એ. રાયમા, સીઆઇ સેલના કિરણભાઇ, જીતેન્દ્રસિંહ સહિતના રાજકોટ ખાતે વોચમાં હતાં ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે સિલ્વર નેસ્ટ એપાર્ટમેન્ટમાં દિપક દિનેશભાઇ ચંદારાણાના મકાન નં. ૩૦૨માં ત્રીજા માળે ઓસ્ટ્રેલિયા-બાંગ્લાદેશના ટી-૨૦ મેચ વચ્ચે સટ્ટો રમાઇ રહ્યો છે. આ બાતમીને આધારે દરોડો પાડવામાં આવતાં એક શખ્સે દરવાજો ખોલ્યો હતો. પીઆઇ કંડોરીયાએ દિપક ચંદારાણા વિશે પુછતાં દરવાજો ખોલનારે પોતાનું નામ કિશોર ચિતલીયા હોવાનું અને દિપકભાઇ પોતાના શેઠ હોવાનું તેમજ તે બહાર હોવાનું કહ્યું હતું.

મકાન અંદર હોલમાં જોતાં ચાર શખ્સો ખરુશીઓમાં બેઠેલા અને વચ્ચે ટેબલ પર લેપટોપ, મોબાઇલ ફોન રાખેલા તેમજ ક્રિકેટ સટ્ટાના ભાવતાલ આપતાં જોવા મળ્યા હતાં. દરોડો પાડ્યો ત્યારે બાંગ્લાદેશનો દાવ ચાલુ હતો અને ૧૪ ઓવરમાં પાંચ વિકેટે ૬૯ રન થયા હતાં. ક્રિકેટ સટ્ટાના ભાવો ટેબલ પર રાખેલા મોબાઇલ ફોનમાં આપવામાં આવી રહ્યા હતાં. કિશોર ચિતલીયાને તે અહિ શું પ્રવૃતિ કરે છે? તેમ પુછાતાં તેણે કહેલું કે દિપક ચંદારાણા મારા સાળા છે અને તે આ સટ્ટો ચલાવે છે. પોતે ગ્રાહકોના ફોન ઉપાડવાનું કામ કરે છે અને તેના કમિશન પેટે મહિને રૂ. ૨૦ હજાર મળે છે.

ખુરશીમાં બેઠેલા શખ્સને પુછતાં પોતે જીજ્ઞેશ વાજા હોવાનું અને આ સટ્ટામાં પોતે ગ્રાહકોના સોદા કાપવાનું કામ કરતો હોવાનું તેમજ આ કામ માટે રૂ. ૧૩૦૦૦ મહિને મળતાં હોવાનું તેમજ ગ્રાહકો કોણ કોણ છે? તે અંગે દિપક ચંદારાણા જાણતા હોવાનું કહ્યું હતું.

ત્રીજા શખ્સે પોતાનું નામ અર્જુન ઉર્ફ સન્ની પોપટ કહ્યું હતું. તેણે પોતે ગ્રાહકોના સોદા ઉપાડવાનું અને કપાતનું એમ બંને કામ કરતો હોવાનું તેમજ વેબસઇાટ પર સટ્ટાકીય ભાવ જોવાનું કામ કરતો હોવાનું કહ્યું હતું. તેની પાસેના ટેબલેટ પર અલગ અલગ ગ્રાહકોના કોડ નંબર સાથેની આઇડી મળી હતી. આવી ૧૮ જેટલી આઇડી અને કોડ નંબર હતાં. આ આઇડી દિપક ચંદારાણાએ ફોન કરી પાડવાનું કહ્યાનું તેણે કબુલ્યું હતું.

ચોથા શખ્સે પોતાનું નામ પ્રેમલ રાયચુરા હોવાનું અને દિપક ચંદારાણા પોતાના મામા થતાં હોવાનું અને પોતે મુંબઇનો હોવાનું તેમજ હાલ મામાના ઘરે રહેતો હોવાનું કબુલ્યું હતું. તેણે પોતે ક્રિકેટ સટ્ટાનો વેપાર થયો હોય તેને કિંગ્સ નામના સોફટવેરમાં નાખવાનું પોતે કામ કરતો હોવાનું કહ્યું હતું. તેની સામે પડેલા લેપટોપમાં અલગ અલગ કોડ નંબર સાથે છ ટૂકા નામો બેલેન્સ, કોડ, સહિતની વ્ગિતો જોવા મળી હતી. પાંચમા શખ્સે પોતાનું નામ હિરેન સેજપાલ હોવાનું અને પોતે ગ્રાહકો સટ્ટો રમવા ભાવ પુછે તો ફોન પર તેની માહિતી આપવાનું કામ કરતો હોવાનું કહ્યું હતું. તેની પાસેના ફોનમાં ગ્રાહકોની વિગતના ટુંકા નામ, મોબાઇલ નંબરો મળ્યા હતાં. આ ગ્રાહકોને પોતે નહિ પણ દિપક ચંદારાણા ઓળખે છે તેમ તેણે કહ્યું હતું.  પોલીસે પાંચેયની ધરપકડ કરી હતી. તેમજ વિશેષ પુછતાછ થતાં દિપક ચંદારાણા સાથે રાજકોટના અલ્લાઉદ્દીનનું પણ સુત્રધાર તરીકે નામ સામે આવતાં જે પાંચ રૂમમાંથી મળ્યા તેની ધરપકડ કરી દિપક અને અલ્લાઉદ્દીન સામે ગુનો નોંધ્યો હતો. દિપક અને અલ્લાઉદ્દીન પકડાયા બાદ મોટો પર્દાફાશ થશે કે કેમ તે સમય આવ્યે ખબર પડી શકે. સીઆઇડી ક્રાઇમના આ દરોડાને પગલે રાજકોટ પોલીસને દોડધામ થઇ પડી હતી.

(3:25 pm IST)