Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

રૂપાણી સરકારના યશસ્વી શાસનના પાંચ વર્ષ પૂર્ણ, વિકાસની યાત્રા અવિરત જારીઃ રાજુભાઈ ધ્રુવ

આદિજાતિની વધુ વસ્તી ધરાવતા ૧૪ જિલ્લાઓમાં ત્રિવેણી સંગમ યોજના અમલીઃ 'સૌનો સાથ સૌનો વિકાસ'ના સૂત્રને સાર્થક કર્યુ

રાજકોટઃ ૭ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની આગેવાન વાળી ભાજપ સરકારના સફળતા પૂર્વક ૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આજે સફળતાપૂર્વક ૫ વર્ષ પૂર્ણ કરી ૫વર્ષ દરમિયાન રાજ્યનો સર્વાંગી વિકાસ કરવા બદલ સૌરાષ્ટ્રના ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ દ્વારા સરકારનો આભાર માની અભિનંદન પાઠવવામાં આવ્યા છે.  ઉલ્લેખનિય છે કે આ સાથે છેલ્લા દોઢ વર્ષથી દેશમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે આ સમય દરમિયાન પણ રાજ્યની જનતાની આરોગ્યની ચિંતા દિવસ અને રાત સતત કરી રાજ્ય સરકાર દ્વારા ગુજરાત નો અવિરત સર્વાંગી વિકાસ કરવામાં આવ્યો તે પણ એક નોંધનીય બાબત છે.

કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ લોકડાઉન સમય દરમિયાન ગુજરાત રાજ્યની સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને ધ્યાનમાં રાખી અનેક નિર્ણયો કરવામાં આવ્યા છે. જેમાં નિઃશુલ્ક રાશન આપી લોકોને ભૂખ્યા સૂવું ન પડે તેની કાળજી રાખવામાં આવી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ અન્ન ઉત્સવ પ્રસંગે કેન્દ્રની યોજના પ્રમાણે ગરીબોને દિવાળી સુધી મફત અનાજ મળતું જ રહેવાનું છે તે વાતની બાહેંધરી આપી હતી. આ સાથે વડાપ્રધાને લોકોને પૂરતું અનાજ પહોંચતું રહે છે તે માટે રૂપાણી સરકારની પ્રસંશા પણ કરી હતી.

આ સરકારે આદિજાતિની વધુ વસ્તી ધરાવતા રાજ્યના  ૧૪ જિલ્લાઓમાં પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થી અને તેમના પરિવાર માટે અમલી બનાવેલી ત્રિવેણી સંગમ યોજના અન્ય રાજ્યો માટે પણ આદર્શ સમાન અને અનુકરણીય બની છે. રાજ્યની સવા છ કરોડની વસ્તી પૈકી  કોઈ ભૂખ્યું  ન  રહે  તે માટેનું સફળ આયોજન તો વિજયભાઈ રૂપાણીની સરકાર જ કરી શકે -નિષ્ઠા અને પ્રમાણિક અને માત્ર સત્તા નહિ પરંતુ સેવા માટે કામ કરતા ભાજપની સરકાર કરી શકે.અન્નને મહત્વ આપવાનો ઉજ્જવળ ઇતિહાસ ધરાવતા ગુજરાતમાં આવી જ સરકાર કરી શકે. પ્રજાલક્ષી અને કલ્યાણકારી સરકાર આને કહેવાય.

વિજયભાઈ રૂપાણીએ પાંચ વર્ષના સત્તાના સમયમાં કરેલી કામગીરી જ આ વાતનો જીવંત પુરાવો છે. અન્ન મોરચે તેમણે અસરકારક કામગીરી કરી છે એટલું જ નહિ પણ સમગ્ર દેશમાં એક મોડલ રજૂ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં હતા ત્યારે તેમણે  જે વિઝન આપ્યું હતું તે પૂર્ણ કરવાની દિશામાં એક પછી એક પગલાં ભર્યા છે. આત્મનિર્ભર ગુજરાતમાં કોઈને ભૂખનું દુઃખ સહન કરવું ન પડે તેવી વ્યવસ્થાએ રામરાજ્ય જેવા સુશાસનના ભાગ રૂપેજ છે. આ બાબતને  મોટાભાગના  નિષ્ણાતો પણ સ્વીકારે છે.વિજયભાઈએ સત્તાપર આવતાની સાથેજ ભાજપના 'સબકા સાથ સબકા વિકાસ'ના સૂત્રને તો સાર્થક કર્યુ જ છે, સાથોસાથ સંગઠન સાથે પક્ષના શિસ્તબધ્ધ સૈનિકની જેમ જરા પણ  અહમ રાખ્યા વગર સરળતા અને સાદગી સાથે સતત કામ કર્યું છે. કોરોનાની બીજી લહેર વખતે ગુજરાત ભાજપ દ્વારા કવોરેન્ટાઇન થયેલા લોકો માટે તમામ સ્તરે જે ટિફિન યોજના અમલી બનાવેલી તેમાં પણ ચાવી રૂપ ભૂમિકા ભજવી કાર્યકરોનો વિશ્વાસ સંપાદન કર્યો છે. આવી  અનેક યોજનાઓ દ્વારા લોકોના આશીર્વાદ પણ મેળવ્યા  હોવાનું અંતમાં જણાવાયું છે. ભાજપ પ્રવકતા શ્રી રાજુભાઈ ધ્રુવ દ્વારા રૂપાણી સરકારને અભિનંદન પાઠવાયા હતા.(

(3:10 pm IST)