Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

સૂત્રેજા પરિવાર દ્વારા મફત ટીફીન સેવા ગામડેથી આવતા દર્દીઓ માટે શરૂ કરેલી ટીફીન સેવા હવે કાયમી બની ગઇ છેઃ અત્યાર સુધીમાં બે લાખથી વધુ ટીફીનો અપાયા છેઃ કરસનભાઇ સૂત્રેજા

રાજકોટ, તા.૯: રાજકોટવાસીઓમાં માનવતા ભારોભમાર પડી છે. આજે અહીં એક મેર પરિવારની વાત કરવી છે. જે વર્ષોથી રાજકોટની જુદી જુદી હોસ્પિટલોમાં દર્દીઓને જરૂરિયાત મુજબનું ટીફીન વિના મુલ્યે પહોંચાડે છે અત્યાર સુધીમાં તેઓએ બે લાખથી વધુ ટીફીન દ્વારા દર્દીઓના પેટ ઠાર્યા છે.

આ સેેવા કરે છે, કરશનભાઇ નથુભાઇ સૂત્રેજા કેશોદ તાલુકાના સૂત્રેજ ગામના વતની કરશનભાઇ કહે છે કે, અમે રાજકોટ સ્થાય થયા એટલે ગામડાના અનેક દર્દીઓ અમારી પાસે આવતા તેઓને જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર માટે વ્યવસ્થા કરીએ. સાથોસાથ તેમના ભોજન માટે ટીફીન પણ પહોંચાડીએ આ રીતે ૧૯૮૭થી અમે ટીફીન સેવા શરૂ કરી છે.

આ ટીફીન સેવા શરૂ કરી તેનો રેકર્ડ પણ અમે રાખીએ છીએ.

અમારો હેતુ તો ગામડાના જરૂરિયાતવાળા દર્દીને યોગ્ય માર્ગદર્શન મળે, યોગ્ય સારવાર મળે એ જ હતો. પરંતુ ધીમે ધીમે ટીફીન સેવાનો લાભ લેનારાઓની સંખ્યા વધવા લાગી. આ માટે અમે કોઇ પાસે હાથ લાંબો કરતા નથી. પરંતુ જેમને અમારી આ સેવા યોગ્ય લાગે તેઓ પોત પોતાની રીતે તેલ, બાજરો, ઘઉં વગેરેનો જથ્થો પહોંચાડતો રહે છે. દાન-દાતા મળતા જ રહે છે.

રાજકોટમાં જલારામ હોસ્પિટલ, દોશી હોસ્પિટલ, સીનર્જી હોસ્પિટલ, ક્રાઇસ્ટ હોસ્પિટલ વગેરે હોસ્પિટલોના દર્દીઓને અમારૂ ટીફીન બંને સમય નિઃશુલ્ક અમે મોકલીએ છીએ.

આ માટે કાલાવડ રોડ પર બાલાજી ચોક પાસે અમારૂ રસોડુ ચાલે છે, જે વિરમભાઇ સંભાળે છે.

કોરોનાની બીજી લહેરમાં જયારે બહુ જ ખતરનાક સ્થિતિ હતી, ત્યારે અમારે ૨૦૦ થી વધુ ટીફીન મોકલવા પડતા હતા. લોકડાઉનમાં અમને એક દાતાએ મારૂતિવાન આપી હતી તેના દ્વારા ટીફીન પહોંચાડતા હતાં.

સવારના ટીફીનમાં રોટલી, દાળ, ભાત, શાક અને છાશ હોય છે. જયારે સાંજના ટીફીનમાં બાજરાનો રોટલો, ખીચડી, શાક તેમજ દર્દીની જરૂરિયાત મુજબ છાશ કે દૂધ પણ પહોંચાડીએ છીએ. એમ જણાવતા કરશનભાઇએ કહયું કે અમે રકતદાન કેમ્પ પણ યોજીએ છીએ અને પાંચેક વર્ષ એબ્યુલન્સ સેવા પણ ચલાવી હતી.

કરસનભાઇ સૂત્રેજાએ કહયું કે, કાલાવડ રોડ પરથી પસાર થતા પોલીસ કે મેડિકલ સ્ટાફ પણ ઘણીવાર અમારે ત્યાં જમી જાય છે.કરસનભાઇ સૂત્રેજાએ ભાવુક થઇને કહયું હતુ કે, હું જીવુ છું, ત્યાં સુધી તો આ ટીફીન સેવા ચાલુ જ રહેશે. એક દિવસ પણ બંધ નહીં થાય.

આમ, એક પરિવાર દ્વારા જ આ ટિફિન સેવા ચલાવવામાં આવે છે. (હેમેન ભટ્ટ)

(3:10 pm IST)