Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

છેવાડાના ગામો સુધી પુરતી સુવિધા પહોંચાડવા જીલ્લા તંત્ર કટિબધ્ધઃ ભુપત બોદર

શાખાધિકારી બેઠક સંબોધતા જીલ્લા પંચાયત પ્રમુખ

રાજકોટ તા. ૦૯: જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત ખાતે તમામ શાખાધિકારીઓની બેઠક તા. ૬ ઓગસ્ટના ર૦ર૧ના રોજ યોજાઇ હતી જેમાં કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઇ દાફડા જિલ્લા પંચાયતના સદસ્ય વિરલભાઇ પનારા, મુકેશભાઇ તોગડીયા તેમજ ધર્મેન્દ્રભાઇ ટીલાળા, રાજેશભાઇ ચાવડા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, હિસાબી અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રોગ્રામ ઓફિસર ખેતીવાડી અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર પ્રતિનિધિ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં ભુપતભાઇ બોદરે ઉપસ્થિત શાખાધિકારીઓને જિલ્લા પંચાયતની રાજકોટ જિલ્લામાં આવેલ તમામ મિલકત વિષે માહિતી પુરી પાડવા તેમજ જિલ્લા પંચાયતની તમામ શાખાઓ દ્વારા થયેલ વૃક્ષારોપણ કાર્યક્રમની માહિતી પુરી પાડવા જણાવેલ હતું. આ ઉપરાંત તમામ શાખાધિકારીઓએ મુલાકાત માટેના સમયના બોર્ડ મુકાવવા અને કામ નિકાલની સમયમર્યાદા નકકી કરવા ખાસ માર્ગદર્શન પુરૃં પાડવામાં આવેલ હતું અને ''ઝીરો પેન્ડસી''ના ધોરણે જ કામ થવું જોઇએ તેવો ભારપૂર્વક આગ્રહ પ્રમુખ શ્રી બોદરે કરેલ હતો. પ્રજાના પ્રશ્નો એપ્લિકેશનમાં આવેલ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે શાખાવાઇઝ સંકલન કરવા જરૂરી માર્ગદર્શન પુરૃં પાડેલ હતું.

અંતમાં પ્રમુખ ભુપતભાઇ બોદરે જણાવેલ હતું કે ગુજરાતની વણથંભી વિકાસયાત્રામાં અવિરતપણે સમર્પિત રહી ''પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુખે દુઃખી'' વિચાર ધરાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં અનેક લોકકલ્યાણકારી અને જનસુખાકારી નિર્ણયોનું અમલીકરણ કરાવવામાં આવ્યું છે ત્યારે રાજકોટ જિલ્લામાં વિકાસ કાર્યોને વેગવંતા બનાવવા માટે અને જિલ્લાના તમામ ગામોમાં કોઇપણ પ્રાથમિક માળખાકીય અને આંતરમાળખાકીય સુવિધાથી વંચિત ના રહી જાય તે માટે આપણે સહુએ કટિબદ્ધ બનવાનું છે.

(3:05 pm IST)