Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

રાજકોટના એક સફળ ઉદ્યોગપતિ અને સમાજ ઉપયોગી કાર્યો માટે જાણીતા વિજયભાઇ સોરઠીયાની વસમી વિદાયથી મિત્રો, શુભેચ્છકો, સગાઓ, પરિવારજનો સહિત કોઇ શોકમાં ગરકાવ

બીઝનેસ કનેકટ ઇન્ડીયાના ફાઉન્ડર મેમ્બર હતાઃ ગૌપ્રેમી તથા રકતદાન કરવાના આગ્રહી પણ હતા : સમાજને કઇ રીતે ઉપયોગી થવું એ તેમનો જીવનમંત્ર હતોઃ રાજકોટે એક સફળ ઉદ્યોગકાર ગુમાવ્યો

રાજકોટ તા. ૯ :.. સંસારમાં જે વ્યકિત જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત જ હોય છે પરંતુ કોઇનું અકાળે મૃત્યુ થઇ જાય તો તે માત્ર પરિવારને જ નહી પરંતુ તેમની સાથે જોડાયેલાં તમામ લોકોને આંચકો અને શોક આપતું હોય છે. આવો જ એક બનાવ ગઇકાલે અહીં બનવા પામ્યો જેમાં એક આશાસ્પદ ઉદ્યોગપતિ અને એક પરોપકારી વ્યકિતનો ભોગ લેવાયો અને સૌ કોઇ સ્તબ્ધ રહી ગયા.

ગઇકાલે વહેલી સવારે અત્રેની બીઆરટીએસ રૂટ ઉપર પુરપાટ જતી કારે ઠોકર મારતાં અહીંના કે કે પાર્કમાં રહેતા વિજયભાઇ ચનાભાઇ સોરઠીયા (ઉ.વ.૪૩) નું મૃત્યુ થતાં માત્ર પરિવારજનો જ નહીં પરંતુ તેમના સગા, સબંધીઓ, મિત્રો, શુભેચ્છકો સહિત સૌ કોઇ શોકના દરિયામાં ગરકાવ થઇ ગયા છે. પરિવારના મોભીના આકસ્મિક મોતથી તેમના પત્ની તથા બે પુત્રીના આસુ સુકાતા નથી. વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં રાજ કુલીંગ નામની પેઢી ધરાવતાં વિજયભાઇ પોતાના ઉમદા સ્વભાવને કારણે સમાજ તથા વેપારી આલમમાં જબરી લોકપ્રિયતા ધરાવતાં હતાં.

સંઘર્ષ વડે ઉદ્યોગપતિમાં સ્થાન પામેલાં વિજયભાઇ સોરઠીયા પોતાના અત્યંત મળતાવડા, પરોપકારી, પ્રમાણિક, નિષ્ઠાવાન અને સમાજ ઉપયોગી કાર્યો કરવા માટે જાણીતા હતાં. તેઓ બહોળું મિત્ર વર્તુળ પણ ધરાવતાં હતાં. વેપારીઓની સંસ્થા બિઝનેસ કોન્ટેકટ ઇન્ડીયાના તેઓ ફાઉન્ડર મેમ્બર હતાં. આ સંસ્થાએ પણ પોતાના એક સક્રિય સાથી ગુમાવ્યા છે. આ સંસ્થાને ઉચે લઇ જવામાં તેઓનો સિહફાળો રહ્યો હતો. આ સંસ્થાને એક મોટી ખોટ પડી છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી. પી. વૈશ્ણવે જણાવ્યું છે કે વિજયભાઇ એક ઉમદા માણસ હતા અને સૌ કોઇને ઉપયોગી થવુ એ તેમનો જીવનમંત્ર હતો. રાજકોટે એક સારા ઉદ્યોગપતિ અને એક સારી વ્યકિત ગુમાવી છે જેની ખોટ કદી નહી પુરાય.

મોર્નીગ વોકના અને સાયકલીંગના શોખીન એવા વિજયભાઇ ગૌ-પ્રેમી અને રકતદાન કરી સૌ કોઇને ઉપયોગી બનવાનો હરહંમેશ પ્રયાસ કરતા હતાં. સદાય હસતા અને હસાવતા તથા દીર્ઘદ્રષ્ટા એવા વિજયભાઇએ સમાજને એકતામાં અનેકતાના પાઠ પણ શીખડાવ્યા હતાં. ગઇકાલે તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તેમને અશ્રુભીની શ્રધ્ધાંજલી પાઠવી હતી.

(3:04 pm IST)