Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

સ્ત્રી અત્યાચારના કેસમાં કંપની સેક્રેટરીની આગોતરા જામીન અરજીને સેસન્સ અદાલતે ફગાવી દીધી

તપાસનીસ અધિકારી વિરૂધ્ધ ખાતાકીય તપાસ કરવાનો આદેશ

રાજકોટ તા. ૯: સેશન્સ અદાલત દ્વારા સ્ત્રી અત્યાચારના ગુન્હામાં કંપની સેક્રેટરી આગોતરા જામીન અરજી નામંજુર કરવાનો સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

સેશન્સ અદાલત દ્વારા તપાસનીશ અધિકારીએ પોતાની ફરજમાં ગંભીર ચુક અને બેદરકારી દાખવેલ હોય તપાસનીશ અધિકારી વિરૂધ્ધ ખાતાકીય તપાસ ધરવા અંગે પોલીસ કમિશ્નરશ્રીને લેખીત યાદી મોકલવામાં પોલીસ બેડામાં ચકચાર જાગેલ છે.

રાજકોટ મુકામે રહેતા ખુશ્બુ વિજયભાઇ ઠકકર તરફથી તેના પતિ અને સાસરીયા પક્ષના સભ્યો વિરૂધ્ધ અસહય શારીરીક અને માનસીક ત્રાસ અને દહેજની માંગણી તેમજ સાસરીયા પક્ષના સભ્યોએ તેણીને તથા સગીર પુત્રને પીયરમાં મુકી ગયેલા અને ત્યારબાદ તેડી ગયેલ નથી, તેમજ સ્ત્રીધનની ચીજ-વસ્તુઓ, દાગલીનાઓ સાસરીયા પક્ષના સભ્યોએ રાખી લીધેલા છે, અને સ્ત્રીધનની ચીજ-વસ્તુઓનો સાસરીયા પક્ષના સભ્યો અંગત ઉપયોગ કરી રહ્યા છે, જે અરજીના અનુસંધભાને પતિ તથા સાસરીયા પક્ષના સભ્યોને બોલાવેલ જેમાં પતિ તથા સાસરીયા પક્ષના સભ્યો દ્વારા હાજર થઇ જવાબ રજુ કરવા માટે સમય માંગેલો, ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશનમાં હાજર થયેલ નહીં અને તપાસનીશ અધિકારીએ અવારઅનવાર ફોન કરવા છતાં હાજર થયલ નહીં.

ફરીયાદી દ્વારા કરવામાં આવેલ ઉપરોકત અરજી અનુસંધાને અમદાવાદના મેમનગર વિસ્તારમાં ગુરૂકુળ રોડ ઉપર આવેલ ૧૦૦ સનવિલા રો હાઉસમાં રહેતા વિજયભાઇ દિપકભાઇ ઠકકર દ્વારા સેશન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી કરીને તેઓના પત્ની ખુશ્બુબેન વિજયભાઇ ઠકકર દ્વારા કરવામાં આવેલ અરજીના કામે આગોતરા જામીન પર મુકત કરવા રજુઆતો કરેલ હતી. તેમજ સદર આગોતરા જામીન અરજીનો તપાસનીશ અધિકારીશ્રી દ્વારા વિરોધ કરેલ તેમજ મુળ ફરીયાદી ખુશ્બુબેન દ્વારા પણ આગોતરા જામીન અરજીનો વિરોધ કરવામાં આવેલ હતો.

પક્ષકારોની રજુઆતો તથા તપાસનીશ અધિકારીશ્રીનો રીપોર્ટ તથા પક્ષકારોએ રજુ કરેલ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં લઇને રાજકોટના એડી. સેશન્સ જજ શ્રી એવા નિર્ણય ઉપર આવેલ કે ખુશ્બુબેનને તેઓના લગ્ન જીવન દરમ્યાન પ્રસંગોપાત ચડાવવામાં આવેલ ધરેણા ખુશ્બુબેનને આપવાનો વિજયભાઇ દ્વારા તેઓના જવાબમાં સ્પષ્ટ ઇન્કાર કરેલ છે. તેમજ મહત્વના ડોકયુમેન્ટ પણ ખુશ્બુબેનને આપવાનો ઇન્કાર કરેલ છે. તેમજ આરોપી વિરૂધ્ધ ઇ.પી.કો. કલમ-૪૯૮(ક), તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ-૩ તથા ૪ મુજબનો પ્રથમ દર્શનીય આક્ષેપ કરવામાં આવેલ હોવાનું જણાઇ આવે છે, જેથી આરોપીની પોલીસ કસ્ટડીમાં તપાસ ઇન્ટ્રોગેશન કર્યા વગર અસરકારક તપાસ થઇ શકે તેમ નથી. તેથી આગોતરા જામીન મંજુર કરવા વ્યાજબી જણાતું નથી.

તદઉપરાંત ગુજરાત હાઇકોર્ટના ચુકાદા અનુસાર અરજીનો વિરોધ કરતું સોગંદનામું તપાસનીશ અધિકારીએ કરેલ નથી, માત્ર એકદમ ટુંકમાં રીપોર્ટ કરેલ છે. આરોપીનો ગુન્હાહીત ભુતકાળ જણાવેલ નથી જે વિગતો આધારે અદાલત દ્વારા અસરકારક નિર્ણય કરી શકે તેથી તપાસનીશ અધિકારીશ્રીએ કાયદેસરની ફરજ બજાવેલ નથી. ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી તથા ચુક કરેલ છે જેથી તપાસનીશ અધિકારી વિરૂધ્ધ જરૂરી પગલા લેવા ઉપરી અીધકારીને જાણ કરવી જરૂરી જણાઇ છે, જેથી તપાસનીશ અધિકારી વિરૂધ્ધ ખાતાકીય તપાસ કરી પરીણામની ૩૦ દિવસમાં અદાલતને જાણ કરવા હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં મુળ ફરીયાદી તરફે એડવોકેટ દરજજે લલિતસિંહ જે. શાહી, કૃણાલ એલ. શાહી, ભુવનેશ એલ. શાહી, ચંન્દ્રકાંત એમ. દક્ષીણી, યોગેશ બારોટ, સુરેશ ફળદુ, હીતેષ ગોહેલ, મનીષ ગુરૃંજ, નિશાંત જોષી તથા દેવેન ગઢવી રોકાયેલ હતા.

(3:02 pm IST)