Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

પીડીયુ મેડિકલ કોલેજના તબિબોની હડતાલનો છઠ્ઠો દિવસઃ કોરોના વોરિયર્સના સન્માન પત્રો પરત કર્યા

તંત્રવાહકો ટસના મસ થતાં નથીઃ બોન્ડેડ તબિબો સાથે છાત્રો, રેસિડેન્ટ ડોકટર્સ જોડાયા બાદ હવે એમબીબીએસનો પણ ટેકો

પીડીયુ મેડિકલ કોલેજ ખાતે કોરોના વોરિયર તરીકે અપાયેલા સન્માન પત્રો આજે તબિબોએ પરત આપ્યા હતાં અને રામધૂન બોલાવી હતી (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૯: શહેરની પીડીયુ મેડિકલ કોલેજના ૪૮ સિનીયર તબિબોને બોન્ડ મામલે થયેલા અન્યાયને પગલે શરૂ થયેલી હડતાલનો આજે છઠ્ઠો દિવસ છે. રાજ્યભરની સરકારી મેડિકલ કોલેજના બોન્ડેડ તબિબો હડતાલ પર છે. જેમાં તેમને પ્રથમ, બીજા અને ત્રીજા વર્ષના તબિબી છાત્રો તથા રેસિડેન્ટ ડોકટર્સનો પણ ટેકો મળ્યો છે. તો હવે એમબીબીએસ તરફથી પણ ટેકો જાહેર કરાયો છે. આજે રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના તબિબોએ પોતાને કોવિડ-૧૯ વખતે કરેલી કામગીરી બદલ અપાયેલા સન્માન પત્રો પરત કર્યા છે. તંત્રવાહકોએ શનિવારે હડતાલ સમાપ્ત કરી લેવા અને બાદમાં ચર્ચા શરૂ કરવા કહેણ મોકલ્યું હતું. પરંતુ બોન્ડેડ તબિબોએ પહેલા પ્રશ્નનો નિવેડો આવે પછી જ હડતાલ સમાપ્ત થશે એ વાતને વળગી રહી હડતાલ ચાલુ રાખી છે.

પીડીયુ મેડિકલ કોલેજના ૪૮ તબિબો કે જેણે છેલ્લા વર્ષનો અભ્યાસ પુરો કરી લીધો છે તેઓ બોન્ડ મામલે અન્યાય થયાની લાગણી સાથે હડતાલ પર ઉતર્યા છે. તેમણે અભ્યાસ પુરો કર્યો એ વખતે જ કોરોનાની બીજી લહેર આવી હતી. તે વખતે સરકારે જાહેર કર્યુ હતું કે આ તબિબો સરકારી હોસ્પિટલમાં જ નિમણુંક મેળવશે તો તેમનો જે બોન્ડ છે તેની ફરજનો કાળ ૧:૨ એટલે કે એક મહિનો કામ કરે તો બે મહિના ગણાશે. આ રીતે અગિયાર મહિનાના કરાર પર નિમણુંક થઇ હતી. પરંતુ ગત ૧૨ એપ્રિલના આ પરિપત્ર બાદ ૩૧મી જુલાઇએ નવો પરિપત્ર આવી ગયો હતો. જેમાં આ તમામ તબિબોની બદલી અલગ અલગ ગામડાઓમાં કરી નાંખવામાં આવી હતી. તેમજ બોન્ડનો સમય પણ ૧:૧ જ ગણી નાંખ્યો હતો. આ અન્યાય સામે હડતાલ શરૂ થઇ છે.

શનિવારે તો ૨૯ તબિબોને નામ જોગ લિસ્ટ બહાર પાડી પીજી હોસ્ટેલ ખાલી કરવા આદેશ થયો હતો. જો કે તેમને હોસ્ટેલમાં રહેવા દેવામાં આવ્યા છે. બોન્ડને કારણે ઉભી થયેલી મુશિબતનો ઉકેલ નહિ આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવામાં આવશે તેવું જણાવાયું છે.

(1:25 pm IST)