Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

'દૂર્ગાશકિત ભરોસા કેન્દ્ર'નું લોકાર્પણ-'સંભાળ યોજના'નો અંજલીબેન વિજયભાઇ રૂપાણીના હસ્તે શુભારંભઃ મહિલાઓનું ખાસ સન્માન કરાયું

શહેર પોલીસની મહિલાઓની સુરક્ષા માટે વધુ એક પહેલઃ ૧૬ સ્થળોએ સુરક્ષાલક્ષી માહિતી અને તાલિમ અપાશે : હત્યાના ગુનાઓમાં સાહેદ બનેલા બે મહિલાની હિમ્મતને બીરદાવાઇઃ કાઠીયાવાડ બાલાશ્રમના ઉર્વશીબેન દેસાઇનું પણ સન્માનઃ સાત મહિલા પોલીસ અધિકારી-કર્મચારીને ખાસ કામગીરી માટે એવોર્ડ અપાયાઃ મહિલા કર્મચારીઓએ બૂલેટ હંકારી, કરાટેના તરકબ રજૂ કર્યાઃ દૂર્ગાશકિત ટીમના કાર્યક્રમે જમાવટ કરીઃ રેન્જ આઇજી સંદિપસિંઘ, કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, રૂરલ એસપી બલરામ મીણા, પ્રદેશ ભાજપ અગ્રણી નતીન ભારદ્વાજ, સાંસદ-ધારાસભ્યો-આગેવાનોની ઉપસ્થિતી

રાજકોટ તા. ૯: ગઇકાલે વિશ્વભરમાં ઉજવાયેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે પણ શહેરની મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી. આજે પોલીસ હેડકવાર્ટર ખાતે મહિલા દિવસની ઉજવણી સાથે મહિલાઓ માટેની ખાસ પોલીસ ચોકી 'દૂર્ગાશકિત ભરોસા કેન્દ્ર'નું લોકાર્પણ અને વરિષ્ઠ મહિલા નાગરિકોની દેખરેખ માટેની 'સંભાળ યોજના'નો શુભારંભ શ્રીમતિ અંજલીબેન રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ પદે સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, અરવિંદભાઇ રૈયાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

મહિલાઓ જાહેર સ્થળોએ સલામત-સુરક્ષીત રહી શકે તે માટે દૂર્ગાશકિત ભરોસા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. શહેરમાં જે બજારો, શાક માર્કેટ,  મોલ સહિતના એવા સ્થળો કે જ્યાં મહિલાઓની રોજબરોજ વધુ ભીડ રહેતી હોઇ તેવા ૧૬ જેટલા સ્થળોએ ભરોસા કેન્દ્ર ઉભા કરાયા છે. આ સ્થળોએ મહિલાઓને સુરક્ષીતા અને સલામતિ અંગે સમજ અપાશે તેમજ ઓચિંતી મુશ્કેલી આવી પડે તો શું કરવું? પોલીસની સુરક્ષિતા એપનો ઉપયોગ કઇ રીતે કરવો એ સહિતની માહિતી અપાશે. ભરોસા કેન્દ્રમાંથી તુરત જ મહિલાઓને મદદ મળશે.

આ ઉપરાંત શહેરમાં એકલા રહેતાં ૩૦૦ વૃધ્ધ મહિલાઓની સારસંભાળ માટે સંભાળ યોજના શરૂ કરાઇ છે. તે અંતર્ગત દૂર્ગાશકિત ટીમની બહેનો સતત આ વૃધ્ધો પર નજર રાખી તેમની રૂબરૂ મુલાકાત લઇ પૃછા કરશે. તેમજ તેમને જરૂરી સંપર્ક માટેના નંબરો અપાશે જેથી તેઓ ગમે ત્યારે પોલીસની મદદ મેળવી શકશે.

જોઇન્ટ પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદે સ્વાગત વિધી કરી હતી. એ પછી પાવર ઓફ વૂમન પરફોર્મન્સ મહિલાઓ દ્વારા રજૂ થયું હતું. જેમાં કરાટે, સળગતી રીંગમાંથી પસાર થવું, બૂલેટ પર પેટ્રોલીંગ સહિતના કરબતો રજૂ કરાયા હતાં. ત્યારબાદ સિવિલિયન મહિલાઓમાં કેપ્ટન નિધી અઢીયા રાજકોટની પ્રથમ મહિલા પાઇલોટ, પર્યાવરણ નિષ્ણાંત નિતાબેન પટેલ તથા ડો. બબીતા હપાણીના સન્માન કરાયા હતાં. આ ઉપરાંત તાજેતરમાં હોસ્પિટલ ચોકમાં થયેલી હત્યાની ઘટનામાં સાહેદ તરીકે જુબાની આપનાર દાહોદના મહિલા અને અન્ય એક હત્યાની ઘટનામાં સાહેદ બનેલા રૂપાબેન કોઠારીનું પણ ખાસ સન્માન કરાયું હતું. શ્રી કાઠીયાવાડ બાલાશ્રમના ઉર્વશીબેન દેસાઇનું પણ ખાસ સન્માન કરાયું હતું. તેમજ સાત મહિલા પોલીસ કર્મચારીઓ ઉષાબા ઝાલા, રમાબેન વાઘેલા, મનિષબેન પાણદા, પ્રિતીબા ગોહિલ, ગાયત્રીબા ગોહિલ, હીરલબેન ભટ્ટ, વર્ષાબેન ગોંડલીયા, આરતીબેન પારધી, જે. આર. સરવૈયા અને વનીતાબેન બોરીચાના પણ સન્માન થયા હતાં.

માર્શલ આર્ટ એને સેલ્ફ ડિફેન્સના કરતબો મહિલાઓએ સાત મિનીટ સુધી રજૂ કરી ઉપસ્થિત સોૈને અચંબિત કરી દીધા હતાં. ત્યારબાદ વિશીષ્ટ કામગીરી બદલ મહિલા પોલીસ કર્મચારીઓને એવોર્ડ એનાયત કરાયા હતાં.

ત્યારબાદ ભારત દેશની વિરાંગનાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. એ પછી કલેકટરશ્રી રેમ્યા મોહને ઉદ્દબોધન કર્યુ હતું. ત્યારબાદ એકે ૪૭, પિસ્તલ સહિતના હથીયારો ખોલીને ફરીથી જોડવાનું કામ મહિલા પોલીસ કર્મચારીઓએ રજુ કર્યુ હતું. ત્યારબાદ સાંસદ મોહનભાઇ કુંડારીયાએ મહિલા દિવસ અને મહિલાઓના ઉધ્ધાર સહિતની બાબતે સંબોધન કર્યુ હતું. ત્યારબાદ દૂર્ગાશકિત ટીમના વિડીયોનું નિદર્શન કરાયું હતું. મહિલા ચોકીનું ઉદ્દઘાટન અને સાયબર બૂકલેટની ત્રીજી આવૃતિનું વિમોચન પણ કરાયું હતું. ત્યારબાદ શ્રીમતિ અંજલીબેન વિજયભાઇ રૂપાણીએ ઉદ્દબોધન કર્યુ હતું.

પાવર ઓફ વુમન પરર્ફોમન્સ દિનેશ મોદી અને દૂર્ગા શકિતના મહિલા લોકરક્ષક તાલિમાર્થીઓએ, માર્શલ આર્ટ થાન્કમ બાસુજીતસિંઘ, વૈશાલી, પીએસઆઇ એચ. જે. બરવાડીયા અને દૂર્ગા શકિતની ટીમ, લોકરક્ષક તાલિમાર્થી બહેનો અને નિલોક પરમાર, તેજસ સહિતે રજૂ કર્યુ હતું. હથીયાર નિર્દશનમાં પીએસઆઇ બી. જે. કડછા, એએઅસાઇ કે. આર. ચોટલીયા, સાધનાબેન ડાંગર, મિતલબેન છૈયા અને શાહિન શાહમદાર સામેલ થયા હતાં. છેલ્લે મહાનુભાવનો સન્માન કરવામાં આવ્યા બાદ ડીસીપી પ્રવિણકુમાર મીણાએ આભારવિધી કરી હતી. પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. રેન્જ આઇજી સંદિપસિંઘ, પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ,  રૂરલ એસપી બલરામ મીણા, ડીસીપી પ્રવિણકુમાર મીણા, તમામ એસીપીશ્રીઓ, તમામ પીઆઇશ્રીઓ, મહિલા પીઆઇ, મહિલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમની તસ્વીરી ઝલક નજરે પડે છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેજસ શિશાંગીયા અને સહાયક મેઘા શાહએ પોતાની આગવી શૈલીમાં કર્યુ હતું. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:06 pm IST)