Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

બહેનની બહેનપણીને અજય દૂધરેજીયાએ લવલફરામાં ફસાવી વારંવાર દેહ અભડાવ્યો

મંછાનગરના ૨૧ વર્ષના શખ્સને બી-ડિવીઝન પોલીસે ચોટીલાના રાજપરાથી પકડી લીધોઃ બળાત્કાર-પોકસો હેઠળ કાર્યવાહી

રાજકોટ તા. ૯: જુના માર્કેટ યાર્ડ પાસે મંછાનગર-૮માં રહેતાં મુળ ચોટીલાના રાજપરાના અજય ભૂપતભાઇ દુધરેજીયા નામના ૨૧ વર્ષના શખ્સ વિરૂધ્ધ તેની જ બહેનની સગીર વયની બહેનપણીને લવલફરામાં ફસાવી અવાર-નવાર દેહ અભડાવતાં બી-ડિવીઝન પોલીસ સુધી મામલો પહોંચતા બળાત્કાર-પોકસોની કલમો હેઠળ ગુનો નોંધી તેને તેના વતનથી પકડી લીધો છે.

બનાવ અંગે પોલીસે સગીરાના માતાની ફરિયાદ પરથી અજય સામે આઇપીસી ૩૭૬ (૨) એન, ૫૦૬ (૨) તથા પોકસો હેઠળ કાર્યવાહી કરી છે. ફરિયાદમાં જણાવાયું છે કે તા. ૧ના રોજ પતિ બહારગામ હતાં ત્યારે પોતે અને પુત્રી કામે ગયા એ વખતે પુત્રીએ વાત કરી હતી કે અજય દૂધરેજીયા તેને બ્લેકમેઇલ કરે છે. આથી ઘરે જઇ વધુ વાત કરવાનું કહેતાં તેણીએ ઘરે આવ્યા બાદ જણાવ્યું હતું કે એકાદ વર્ષથી તેને અને અજયને પ્રેમસંબંધ હતો. પોતે ઘરે એકલી હોઇ ત્યારે અજય આવીને બળજબરીથી શરીર સંબંધ બાંધી લેતો હતો. પોતે ના પાડે તો મારી નાંખવાની અને બદનામ કરવાની ધમકી આપતો હતો. ગત ૨૮મીએ પણ ફરીથી બળજબરી કરી લીધી હતી.

દિકરીની આ વાત સાંભળી માતાએ પતિ સહિતને વાત કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવતા ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ બી. બી. કોડીયાતર, વિરમભાઇ ધગલ, રશ્મીનભાઇ પટેલ, સલિમભાઇ, મનોજભાઇ સહિતે ગુનો નોંધી તપાસ શરૂ કરતાં આરોપી તેના વતન ચોટીલાના રાજપરા ગામે જતો રહ્યાની માહિતી મળતાં ત્યાંથી દબોચી લીધો હતો. તે ઇમિટેશનનું કામ કરે છે. તેના પિતા હયાત નથી. માતા સહિતના પરિવારજનો સાથે તે રહે છે.

(11:24 am IST)