Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

નવી ઘાંચીવાડના મુકેશભાઇ દાવેરાનું નાકના મસાનું ઓપરેશન કરાવ્યા બાદ મોતઃ બેદરકારીનો આક્ષેપ

ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું: અન્ય ત્રણ બનાવમાં બેભાન હાલતમાં રૈયાધારમાં ધીરૂભાઇ, ન્યુ સાગરમાં અનિતાબેન અને વૃધ્ધાશ્રમમાં દિવાળીબેનનું મોત

રાજકોટ તા. ૯: જીલ્લા ગાર્ડન પાસે નવી ઘાંચીવાડ-૧/૭ના ખુણે રહેતાં મુકેશભાઇ કલ્યાણજીભાઇ દાવેરા (ઉ.વ.૪૩) નાકના મસાના ઓપરેશન માટે યુનિવર્સિટી રોડ પર આવેલી શાંતિ હોસ્પિટલમાં દાખલ થયા બાદ ઓપરેશન કરાયા પછી અચાનક તબિયત બગડતાં શ્વાસ લેવામાં તકલીફ થવા માંડતાં બેભાન થઇ ગયા હતાં અને મોત નિપજ્યું હતું. બનાવમાં તબિબની બેદરકારીનો આક્ષેપ પરિવારજનોએ કરતાં મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે પોલીસે ખસેડ્યો હતો.

મૃત્યુ પામનાર મુકેશભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં તથા મજુરી કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે. મૃતકના સ્વજનોએ જણાવ્યું હતું કે મુકેશભાઇને નાકમાં મસા હોઇ તેના ઓપરેશન માટે સોમવારે સવારે હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. બપોરે ઓપરેશન થઇ ગયું હતું. એનેસ્થેસીયાની અસર ઓછી થયા બાદ સાંજે પાંચેક વાગ્યે તેઓ ભાનમાં આવ્યા હતાં. એ પછી ત્રણેક કલાક બધા સાથે વાતો કરી હતી.

ત્યારબાદ અચાનક નાકમાંથી લોહી ચાલુ થઇ ગયા હતાં અને લોહી ફેફસામાં જતું રહેતાં શ્વાસ લેવામાં તકલીફ થઇ ગઇ હતી. એ પછી તેમને આઇસીયુમાં લઇ જવાયા હતાં અને મોત નિપજ્યું હતું. બેદરકારીને કારણે આમ થયાની અમને શંકા હોઇ અમે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. એ-ડિવીઝનના એએસઆઇ એસ.વી. પાદરીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય બનાવોમાં બેભાન હાલતમાં ત્રણ વ્યકિતના મોત નિપજ્યા હતાં. જેમાં  રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતાં ધીરૂભાઇ ખુશાલભાઇ સોલંકી (ઉ.વ.૬૦) ઘરે લોહીની ઉલ્ટી થયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. મૃતકને સંતાનમાં ત્રણ પુત્ર અને ત્રણ પુત્રી છે. પોતે છુટક કામ કરતાં હતાં.

બીજા બનાવમાં કોઠારીયા રોડ ન્યુ સાગર સોસાયટી-૮માં રહેતાં અનિતાબેન કિશોરભાઇ રાઠોડ (ઉ.વ.૪૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરતાં એએસઆઇ સુભાષભાઇ ડાંગરે જરૂરી કાર્યવાહી કરી હતી.

ત્રીજા બનાવમાં ગોંડલ રોડ પર સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં રહેતાં દિવાળીબેન નાથાલાલ ધાનક (ઉ.વ.૭૦) બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

(11:23 am IST)