Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

એક તરફ 'મહિલા દિન'ની ઉજવણી...બીજી તરફ 'દીન મહિલા'ની પ્રેરક કહાની

૮મી માર્ચનો દિવસ વિશ્વ મહિલા દિવસ તરીકે દુનિયાભરમાં ઉજવાય છે. આજના યુગમાં મહિલાઓ પણ દરેક ક્ષેત્રમાં પુરૂષ સમોવડી સાબિત થઇ રહી છે. સરકાર પણ મહિલાઓને વેપાર, નોકરી, ગૃહઉદ્યોગ સહિતના ક્ષેત્રોમાં આગળ વધવા પ્રોત્સાહિત કરે છે. આજે રાજકોટ શહેરમાં ઠેક-ઠેકાણે 'મહિલા દિન'ની ઉજવણી અંતર્ગત અનેક કાર્યક્રમોના આયોજનો થયા છે. આવા કાર્યક્રમોમાં સમાજમાં માન-મોભા ધરાવતી મહિલા શ્રેષ્ઠીઓએ એકઠા થઇ ભાષણ, પ્રવચન અને બીજી ગોષ્ઠીઓ કરી હશે...પણ બીજી તરફ એક 'દીન' એટલે કે અત્યંત 'ગરીબ' મહિલા કે જેને વિશ્વ મહિલા દિવસ શું છે? તેની આજે ઉજવણી થઇ રહી છે તે બાબતની લગરીકેય જાણ નથી. એના માટે તો 'ઉજવણી' ત્યારે જ થાય જ્યારે ઉઠતાંની સાથે પેટનો ખાડો પુરવા માટે કંઇક મળી જાય. પ્લાસ્ટીકની બોટલો, કચરો વીણીની ગુજરાન ચલાવતી એક મહિલા શહેરના કોટેચા ચોક નજીકના માર્ગ પર રોડ ડિવાઇડર પર સવારે જોવા મળી હતી. વહેલી સવારે ઉઠીને જ તેણે ઠેકઠેકાણે દોડધામ કરીને પ્લાસ્ટીકની ખાલી બોટલો સહિતનો ભંગારમાં આપીને બૈ પૈસા મેળવી શકાય એટલો કચરો એકઠો કરી લીધો હતો. એ પછી તેણે બિસ્કીટ સહિતનો નાસ્તો ખરીદી રોડ પર જ કોથળા મુકીને પેટનો ખાડો પુરવાનું શરૂ કર્યુ હતું. દેખાવે ભલે 'દીન-ગરીબ' લાગતી હોય આ મહિલા, પણ રોજે-રોજનું કમાઇને પેટ ભરવાની બાબતમાં તે કદાપી 'દીન-ગરીબ' નથી. તેના માટે તો રોજ પેટ ભરવાના પૈસા મહેનતથી મળી જાય એ જ ઉજવણી.

કિલક - કહાની તસ્વીર - અહેવાલ અશોક બગથરીયા

(3:54 pm IST)