News of Thursday, 8th March 2018

'કલાકો સુધી મોબાઇલમાં શું વાતો કરો છો?'...વાલીઓનો ઠપકો મળતાં'ગાઢ મિત્રતા' ધરાવતી બે બાળાએ ઘર છોડ્યું!

અબાલ-વૃધ્ધ સોૈ કોઇ મંડ્યા રહે છે...ઇન્ટરનેટ અને ફોનનું વળગણ આજની પેઢીને કયાં દોરી જશે? : શહેરના એક વિસ્તારમાં રહેતી બે સગીરા બહેનપણીના ઘરે જવાનું કહી ૪ દિવસ પહેલા ગાયબ થઇ ગઇ'તીઃ ગઢડા તરફથી પત્તો મળ્યો

રાજકોટ તા. ૮: આધુનિક યુગમાં મોબાઇલ ફોન અને ઇન્ટરનેટનું વળગણ એટલી હદે ઘર કરી ગયું છે કે અબાલ વૃધ્ધ સોૈ કોઇને તેનું વળગણ થઇ ગયું છે. ઉપયોગી એવી આ સુવિધા ઘણીવખત અવળા માર્ગે પણ ચડાવી દેતી હોય છે. શહેરના એક વિસ્તારમાં રહેતી ૧૬-૧૬ વર્ષની બે બાળા મોબાઇલ ફોન પર વાતો કરવામાં એટલી હદે આગળ વધી ગઇ કે તેની ગાઢ મિત્રતાની ચર્ચાઓ થવા માંડી. બંનેના વાલીઓએ આવનારી અણધારી મુશિબતના એંધાણ જોતાં બંનેને ફોન પર કલાકોના કલાકો સુધી શું વાતો કરો છો? તેવું પુછી ઠપકો આપતાં આ બંને બાળાને માઠુ લાગી ગયું હતું અને ઘર છોડીને નીકળી ગઇ હતી. વાલીઓએ ઘરમેળે શોધખોળ બાદ પોલીસની મદદ લીધી હતી. પાંચ દિવસ પહેલા ગૂમ થયેલી આ બંને છોકરીઓ ગઢડા નજીકથી હેમખેમ મળી આવતાં પોલીસે તેને રાજકોટ વાલીઓ સુધી પહોંચાડી હતી. 'ફોન' થકી એક બીજા સાથે ખાસ મેત્રીમાં બંધાયેલી આ બાળાઓ સામાન્ય ઠપકો સહન ન કરી શકી અને ઘર છોડી ગઇ ત્યારે આગળ જતાં શું થશે? આ સવાલ સોૈ કોઇ વાલીઓને વિચારતા કરી મુકે તેવો છે.

પોલીસે તાજેતરમાં 'ઓપરેશન મુશ્કાન' હેઠળ ગુમ થયેલી અને અપહૃત બાળકો-વ્યકિતઓને શોધી કાઢવા આયોજન કર્યુ હતું. જે અંતર્ગત બોટાદના ગઢડા પોલીસ મથક હેઠળના એક બસ સ્ટેશનમાંથી રાજકોટથી પાંચ દિવસ પહેલા ગૂમ થયેલી ૧૬-૧૬ વર્ષની બે બાળાને શોધી કાઢી તેના વાલીઓ સુધી પહોંચાડવામાં આવી હતી. બસ સ્ટેશનમાં એકલી બેઠેલી બાળાઓને સ્થાનિક પોલીસે નામ-સરનામા પુછતાં પહેલા તો બંનેએ ગોળ-ગોળ વાતો કરી હતી. પણ બાદમાં મહિલા પોલીસને સાથે રાખી શાંતિપૂર્વક માહિતી મેળવવા પ્રયાસ થતાં આ બંનેએ પોતે રાજકોટથી નીકળી ગયાનું જણાવતાં ત્યાંની પોલીસે રાજકોટ પોલીસનો સંપર્ક કરી બંનેને તેના વાલી સુધી પહોંચાડી હતી.

આ બાળાઓ શા માટે ઘરેથી નીકળી ગઇ હતી? તે સવાલનો ચોંકાવનારો જવાબ સામે આવ્યો હતો. બંનેની ઉમર ૧૬-૧૬ વર્ષની છે. પડોશમાં હોવાથી બંને એક બીજાના સંપર્કમાં હોઇ અને બંને વચ્ચે બહેનપણું હોય એ સ્વાભાવિક છે. પરંતુ આ સખીઓ વચ્ચેની મિત્રતા મોબાઇલ ફોનને કારણે વધુને વધુ ગાઢ બની ગઇ હતી. બંને કલાકો સુધી અને મોડી રાત્રે પણ ફોન પર એક બીજા સાથે સતત વાતો કરતી રહેતી હતી અને ચેટીંગ કરતી રહેતી હતી.  વાલીઓને ખબર પડતાં બંનેને 'તમે બે'ય આટલી-આટલી વાર શું વાતો કરો છો?' તેમ પુછી ઠપકો આપવામાં આવ્યો હતો. બસ આ જ વાત બંનેને હાડોહાડ લાગી ગઇ હતી અને એક-બીજા સાથે ચર્ચા કર્યા બાદ બંને બાળા પાંચ દિવસ પહેલા એક બાળાની ઘરે સાથે જમ્યા બાદ ત્રીજી બહેનપણીને મળવા જવાનું કહીને નીકળી ગઇ હતી.

કલાકો વિતવા છતાં બંને પાછી ન આવતાં તેના વાલીઓ આકુળ વ્યાકુળ થઇ ગયા હતાં અને પહેલા ઘરમેળે શોધખોળ કર્યા બાદ પોલીસની મદદ લીધી હતી. પોલીસે કાર્યવાહી હાથ ધરી ત્યાં જ આ બંને બાળા ગઢડા તરફ હોવાના મેસેજ આવતાં ત્યાંથી બંનને ઘરે લાવવામાં આવી હતી અને સોૈએ રાહતનો શ્વાસ લીધો હતો. બાળાઓએ કહ્યું હતું કે બંને ચોટીલા, જસદણ અન ત્યાંથી ગઢડા તરફ પહોંચી હતી. બંનેને એક-બીજી સાથે ફોન પર વાતો કરવા બાબતે ઠપકો મળતાં ઘર છોડી ગયાનું પણ તેણીએ કહ્યું હતું.

આ કિસ્સામાં મોબાઇલ ફોનનું વળગણ કેટલી હદે કુમળા માનસ પર ઘર કરી ગયું છે તેની પ્રતિતી થાય છે. તો બીજી તરફ આજથી પેઢીમાંથી સહનશકિત કેટલી હદે  ગાયબ થઇ ગઇ છે તે વાત ઉપર પણ આ ઘટના પ્રકાશ પાડે છે. આજના યુગમાં મોબાઇલ અને ઇન્ટરનેટ અનિવાર્ય બની ગયા છે એ નક્કર તથ્ય છે. પરંતુ સંતાનો દ્વારા તેનો ઉપયોગ કેવો, કેટલો અને કઇ રીતે થાય છે? તેના પર વાલીઓ થોડી નજર રાખતા રહે તો મોબાઇલને કારણે ઉભી થતી બબાલથી બચી શકાશે.

(3:51 pm IST)
  • INX મીડિયા કૌભાંડ કેસમાં કાર્તિ ચિદમ્બરમને વધુ ત્રણ દિવસની સીબીઆઈ રિમાન્ડ ઉપર સોંપવા અદાલતનો આદેશ access_time 12:03 am IST

  • રાજકોટમાં સિલ્વર પાર્ક -4 માં રહેતા પ્રોફેસર રક્ષીત રૈયાણીની બળાત્કારના કેસમાં મહિલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી રક્ષીતના ઘરમાં સર્વિસ કોન્ટ્રાક્ટર પર રહેતી છોકરીએ રક્ષીત રૈયાણી પર બળાત્કાર અને મારપીટ કર્યાની ફરિયાદ પોલીસમાં કરી હતી, આ ઉપરાંત રક્ષીતના માતા - પિતાની પણ મદદગારી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ એજ રક્ષીત રૈયાણી છે જેણે તાજેતરમાજ પોતાની ત્રીજી પત્નીને ઘરમાંથી બહાર તગેડી મૂકી હતી અને એ પત્ની એના ઘરની જ બહાર ધરણા પર બેઠી હતી. access_time 12:55 am IST

  • વિડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂત દેશ છોડીને ભાગી ગયા હોવાના રિપોર્ટ વહેતા થયા હતા, જો કે વેણુગોપાલે કહ્યું કે ‘આ માત્ર અફવા છે હું ભારતમાં જ છું અને દેશ છોડીને જવાનો મારો કોઇ ઇરાદો પણ નથી. હું અહ્યાં ખુશ છું અને છેલ્લા 5 વર્ષથી દેશની બહાર ગયો પણ નથી.’ ઉલ્લેખનીય છે કે વિડિયોકોન પર 20,000 કરોડનો કરજો છે. access_time 4:50 pm IST