Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

મંજૂર... મંજૂર... મંજૂર...

રૈયા ટેલીફોન એક્‍સચેન્‍જે નવો ઓવરબ્રીજ : સામાકાંઠે પ્‍લે ગ્રાઉન્‍ડ

મોટા મવા સ્‍મશાન ખાતે પાર્કિંગ - રાજકોટ દર્શન બસ - ડસ્‍ટ ફ્રી રોડ અંતર્ગત ૪૦ રસ્‍તાઓમાં પેવીંગ બ્‍લોક - ઝોન ઓફિસો અને સીવીક સેન્‍ટરોમાં કાયમી હેલ્‍પ ડેસ્‍ક - શિક્ષણ સમિતિની એક સ્‍કુલને સ્‍માર્ટ સ્‍કુલ બનાવાશે - ઝોન દીઠ બોકસ ટેનીસ ક્રિકેટ - કોમ્‍યુનિટી હોલ સહિતની નવી ૧૫ યોજનાઓની હારમાળા

રાજકોટ તા. ૯ : આજે મનપાની સ્‍ટેન્‍ડીંગ કમિટિ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટને મંજુરીની મહોર મારવામાં આવી હતી. કમિશનરે સૂચવેલ કરબોજમાં ઘટાડો કરવામાં આવ્‍યો હતો. પાણી વેરો ત્રણ ગણામાંથી બે ગણો મંજુર કરાયાની સાથે રહેણાંકમાં ગાર્બેજ અને મિલ્‍કત વેરા વધારાની દરખાસ્‍ત ફગાવાઇ હતી. સાથે જ શહેરને વધુ સુવિધા આપવા માટે ૧૫ જેટલી નવી યોજનાઓનો પુષ્‍કર પટેલના વડપણ હેઠળની સ્‍ટેન્‍ડીંગ કમિટીએ બજેટમાં સમાવેશ કર્યો છે.

એક તરફ શહેરની વધતી જતી વસતિ અને વિસ્‍તારોને પુરી પાડવાની થતી સુવિધાઓ અને સેવાઓની મોટી જવાબદારી નિભાવવામાં તેમજ લોકોપયોગી પરિયોજનાઓરૂપી સુવિધા આપવામાં મહાનગરપાલિકા સફળ રહી છે શહેર જે ઝડપથી વિસ્‍તરી અને વિકસી રહ્યું છે તે જોતા તેને આનુસાંગિક ભૌતિક સુવિધાઓ અને સેવાઓ શહેરીજનોને ઉપલબ્‍ધ બને તે સુનિヘતિ કરવું જ રહ્યું. ટ્રાફિક સમસ્‍યાનો ક્રમશઃ ઉકેલ લાવવા મહાનગરપાલિકા આવશ્‍યકતા અનુસાર અન્‍ડરબ્રિજ કે ઓવરબ્રિજના નિર્માણ કરતી રહે છે. શહેરમાં થોડા મહિના પૂર્વે જ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે સિવિલ હોસ્‍પિટલ ચોક ખાતે થ્રી-આર્મ ફલાયઓવર બ્રિજ, ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાના મવા ચોક અને રામાપીર ચોક ખાતે ફલાયઓવર બ્રિજના લોકાર્પણ કરવામાં આવ્‍યા હતા. તાજેતરમાં જ મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે કાલાવડ રોડ પરના જડુઝ ચોક ખાતેના ફલાયઓવર બ્રિજનું વર્ચ્‍યુઅલ લોકાર્પણ કરવામાં આવેલ છે.

 

રૈયા ટેલીફોન એક્ષ્ચેન્‍જ ખાતે ઓવરબ્રીજ

શહેરના વેસ્‍ટ ઝોનમાં રૈયા ટેલીફોન એક્ષ્ચેન્‍જ આસપાસ આવેલ બહુમાળી ઈમારતો, હોસ્‍પિટલો, શૈક્ષણિક સંકુલો, કોમર્શિયલ કોમ્‍પ્‍લેક્ષ વિ. ને લીધે ગીચ વાહન વ્‍યવહાર રહે છે તેમજ આ વિસ્‍તારમાંથી શહેરમાં નોકરી ધંધાર્થે દૈનિક ધોરણે પસાર થતા શહેરીજનોની સંખ્‍યા પણ સવિશેષ રહે છે જેને ધ્‍યાને લઇ, રૈયા ટેલીફોન એક્ષચેન્‍જ ખાતે ઓવરબ્રીજની સુવિધા આપવામાં આવનાર છે જે માટે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩/૨૪ના બજેટમાં રૂ.૧૦૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

મોટા મવા સ્‍મશાન પાસે વાહન પાર્કિંગ સુવિધા

શહેરના વેસ્‍ટ ઝોન વિસ્‍તારમાં કાલાવડ રોડ પર આવેલ મોટા મવા સ્‍મશાન પાસેથી દરરોજ હજારોની સંખ્‍યામાં વાહનો પસાર થાય છે જેને લીધે થતા ટ્રાફિકના પ્રશ્નના નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ તે સ્‍થળથી નજીક ઓવરબ્રીજ ખુલ્લો મુકવામાં આવેલ છે. પરંતુ, મોટા મવા સ્‍મશાન ખાતે અંતિમસંસ્‍કાર વિધિ અર્થે મોટી સંખ્‍યામાં લોકો વાહન સાથે આવતા હોઈ, તેમના વાહનોને લીધે આ વિસ્‍તારમાં ટ્રાફિકનો પ્રશ્ન ન થાય તે હેતુસર, આ સ્‍મશાન પાસેના વોંકળામાં સ્‍લેબ ભરી, વાહન પાર્કિંગ થાય તેમજ પાર્કિંગ સ્‍થળેથી જ સીધું સ્‍મશાન ખાતે જઈ શકાય તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવશે. જે માટે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩/૨૪ના બજેટમાં રૂ.૬૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

પૂર્વ ઝોનમાં વોકિંગ ટ્રેક સાથેનુ પ્‍લે ગ્રાઉન્‍ડ

શહેરના સમતોલ અને સર્વાંગી વિકાસના ભાગરૂપે તેમજ શહેરીજનોની શારીરિક-માનસિક તંદુરસ્‍તી જળવાઈ રહે તે હેતુસર શહેરના પૂર્વ ઝોનમાં વોકિંગ ટ્રેક સાથેના એક પ્‍લે ગ્રાઉન્‍ડની સુવિધા આપવાનું આયોજન છે. જે માટે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩/૨૪ના બજેટમાં રૂ.૧૫૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

‘રાજકોટ દર્શન' સીટી બસ

રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક અને શૈક્ષણિક કેન્‍દ્ર છે. શાસકો દ્વારા શહેરીજનોને હરવા ફરવા માટેના સ્‍થળોની ઉતરોતર ભેટ આપવામાં આવી રહી છે. શહેરના આ મુખ્‍ય સ્‍થળોને સાંકળતી ‘રાજકોટ દર્શન' સીટી બસ સુવિધા આપવામાં આવનાર છે. હાલમાં આ સીટી બસ સુવિધા દર રવિવારે મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમ, પ્રધુમન પાર્ક ઝૂ તથા રામવનને સાંકળશે અને શહેરીજનો, પર્યાવરણપ્રેમીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ એક દિવસમાં આ ૩ મુખ્‍ય સ્‍થળો નિહાળી શકશે તેમજ ભવિષ્‍યમાં આ સુવિધાનો વ્‍યાપ વધારી, નવા સ્‍થળ તરીકે અટલ સરોવરનો ઉમેરો કરવામાં આવશે. જે માટે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩/૨૪ના બજેટમાં રૂ.૧૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

રસ્‍તાઓ ‘ડસ્‍ટ ફ્રી રોડ' બનાવવા ૪૦ રોડમાં પેવિંગ બ્‍લોક

આજે વિશ્વના તમામ દેશો પર્યાવરણની સુરક્ષા પ્રત્‍યે ચિંતિત છે. કેન્‍દ્ર સરકાર, રાજય સરકાર પણ પર્યાવરણની સુરક્ષા માટે અલગથી રકમની ફાળવણી કરે છે. આ સંજોગોમાં, શહેરમાં ઉડતી ધૂળ-ડમરીનું પ્રમાણ ઘટાડી, એર પોલ્‍યુશન ઇન્‍ડેક્ષ નીચો લાવવા માટે શહેરમાં ‘ડસ્‍ટ ફ્રી રોડ' બનાવવાના ભાગરૂપે - શહેરના મુખ્‍ય ૭૮ પૈકી ૪૦ રોડમાં પેવિંગ બ્‍લોક નાખવામાં આવશે. જે માટે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩/૨૪ના બજેટમાં રૂ.૫૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

શહેરના મુખ્‍ય ૭૮ રોડમાં યુનિફોર્મ સાઈનેજીસ તથા યુનિફોર્મ રોડ ડિવાઈડર

શહેરના મુખ્‍ય માર્ગોના સાઈનેજીસ તથા ડિવાઈડરના કલર, ડિઝાઈન વિગેરેમાં એકસૂત્રતા રહે તેમજ શહેરને ‘આગવી ઓળખ' મળે તેના ભાગરૂપે શહેરના મુખ્‍ય ૭૮ રોડમાં યુનિફોર્મ સાઈનેજીસ તથા યુનિફોર્મ રોડ ડિવાઈડર સહિતની વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવશે. જે માટે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩/૨૪ના બજેટમાં રૂ.૨૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

ઝોન ઓફિસો તથા સીટી સિવિક સેન્‍ટરોમાં કાયમી

હેલ્‍પ ડેસ્‍કની સુવિધા

શહેરીજનોને રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા કામો સંબંધે પૂરતું માર્ગદર્શન મળી રહે અને શહેરીજનોનો સમય બિનજરૂરી રીતે વ્‍યતિત ન થાય તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન ઓફિસ તથા તમામ સીટી સિવિક સેન્‍ટર ખાતે તમામ પ્રકારના ફોર્મ પણ ભરી આપવાની વ્‍યવસ્‍થા સહ કાયમી હેલ્‍પ ડેસ્‍કની સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવશે, આ હેલ્‍પ ડેસ્‍કમાં શહેરીજનોને રાજકોટ મહાનગરપાલિકાના કામ લગત તમામ પ્રકારના ફોર્મ મળી રહેશે. જે માટે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩/૨૪ના બજેટમાં રૂ.૫૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

 

શિક્ષણ સમિતિની એક સ્‍કૂલને પ્રાયોગિક ધોરણે ‘સ્‍માર્ટ સ્‍કૂલ' તરીકે વિકસાવાશે

મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત એક સ્‍કૂલને પ્રાયોગિક ધોરણે પરંપરાગત શાળા જીવનથી અલગ તેમજ એકતરફી વ્‍યાખ્‍યાન પદ્ધતિને સ્‍થાને આધુનિક શૈક્ષણિક પદ્ધતિ તરીકે સ્‍માર્ટ સ્‍કુલ કન્‍સેપ્‍ટ, વર્ગખંડોમાં આધુનિક સાધનો અને ટેકનોલોજીના ઉપયોગ સાથે વિદ્યાર્થીઓને ઇન્‍ટરેક્‍ટિવ રહીને નવું નવું શીખવાનો અનુભવ મળી રહે તે રીતે ‘સ્‍માર્ટ સ્‍કુલ' બનાવવાનું આયોજન કરેલ છે. જે માટે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩/૨૪ના બજેટમાં રૂ.૭૫ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

શિક્ષણ સમિતિની શાળાઓના રંગરોગાન માટે

શહેરના જુદા જુદા વિસ્‍તારોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કુલ ૯૨ શાળાઓમાં કુલ ૩૪,૫૦૦ વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરે છે. આ શાળાઓના રંગરોગાન માટે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩/૨૪ના બજેટમાં રૂ.૫૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

ઝોન દીઠ એક બોક્‍સ ટેનિસ ક્રિકેટ

બાળકોમાં ખેલદિલીનો ગુણ ખીલે તેમજ બાળકોની માનસિક-શારીરિક તંદુરસ્‍તી વિકસે તે હેતુથી શહેરના ત્રણેય ઝોન દીઠ, ખેલકુદની જરૂરી પ્રાથમિક સુવિધા ધરાવતા એક બોક્‍સ ટેનિસ ક્રિકેટની સુવિધા આપવામાં આવનાર છે. જે માટે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩/૨૪ના બજેટમાં રૂ.૧૫૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

એક વોર્ડમાં કોમ્‍યુનિટી હોલ બનાવાશે

શહેરીજનોને પોતાના પારિવારિક પ્રસંગો યોજવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અદ્યતન સુવિધાઓ સાથેના કુલ ૧૯ કોમ્‍યુનિટી હોલ અન્‍વયે કુલ ૨૭ યુનિટ કાર્યરત છે. જયારે આગામી દિવસોમાં શહેરના જે વોર્ડમાં કોમ્‍યુનિટી હોલની સુવિધા નથી તે પૈકી એક વોર્ડમાં કોમ્‍યુનિટી હોલ બનાવવાની યોજના બજેટમાં સામેલ કરેલ છે. જે માટે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩/૨૪ના બજેટમાં રૂ.૫૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

ફરિયાદો સીધી કોર્પોરેટરના મોબાઇલમાં : ખાસ એપ

મહાનગરપાલિકા દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વખત ‘કાઉન્‍સિલર્સ મોનીટરીંગ એપ' ડેવલપ કરવામાં આવનાર છે. આ એપ મારફત કોર્પોરેટરશ્રીઓને પોતાના વોર્ડની ફરીયાદોની વિગતો અને તેના સ્‍ટેટસની જાણકારી મળી રહેશે તેમજ રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી લગત ફરિયાદ નોંધાવી શકશે અને આ ફરિયાદ સંબંધિત અધિકારીને પોતાના મોબાઈલ ફોનમાં અલગથી જોવા મળશે જેથી તે ફરિયાદના પ્રાથમિકતા(પ્રાયોરીટી) આપી શકાય. આ એપ મારફત કોર્પોરેટરશ્રીઓને પોતાની ગ્રાન્‍ટમાંથી થતા કામોની વિગત, પોતાના વોર્ડના પ્રોપર્ટી ટેક્‍સ તેમજ અન્‍ય ટેક્‍સની વિગતો પણ મળી રહેશે.

શહેરીજનો દ્વારા કોર્પોરેટરોને રાજકોટ મહાનગરપાલિકાના કામો સંબંધી ટેલિફોનીક તેમજ રૂબરૂ ફરિયાદો/સૂચનો આપવામાં આવે છે, જે તમામ ફરિયાદો/સૂચનોને કોર્પોરેટરો પોતાના મોબાઈલ એપ્‍લીકેશનમાં સ્‍ટોર તેમજ ટ્રેક કરી શકશે. ચેરમેન, સ્‍ટેન્‍ડિંગ કમિટી ઉપરોક્‍ત તમામ વોર્ડની કામગીરીનું મોનીટરીંગ કરી શકશે. આ એપ માટે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩/૨૪ના બજેટમાં રૂ.૫૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

મેઇન્‍ટેનન્‍સ એક્ષ્પેન્‍સીસ મોનીટરીંગ સિસ્‍ટમ (MEMS)

મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાણીની પાઈપલાઇન, ડ્રેનેજ પાઈપલાઈન, રસ્‍તા કામો વિગેરેના મેઈન્‍ટેનન્‍સની કામગીરી કરવામાં આવે છે તેમજ શહેરના વિવિધ વિસ્‍તારોમાં વિવિધ પાઈપલાઇન નેટવર્ક બનાવવા તેમજ જુદા જુદા કેબલ ઓપરેટર્સ દ્વારા ઓ.એફ.સી. કેબલ અને ગેસની પાઈપલાઈન નાખવા અંગેની કામગીરી કરવામાં આવે છે અને આ માટે રોડનું ખોદાણ કરવામા આવે છે. આ તમામ કામગીરીનું મોનીટરીંગ થઈ શકે તેમજ આ કામગીરી સમયસર પુર્ણ થાય અને રોડ રીસ્‍ટોરેશન પણ સમયસર પુર્ણ થાય તે સુનિヘતિ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘મેઇન્‍ટેનન્‍સ એક્ષ્પેન્‍સીસ મોનીટરીંગ સિસ્‍ટમ (MEMS)' મોબાઈલ એપમાં કોઈ પણ કામગીરી શરૂ કરતા પહેલા તેની નોંધ(એન્‍ટ્રી) થશે અને તે કામગીરી પ્રગતિમાં હોય તે દરમિયાન તેમજ તે કામગીરી પૂર્ણ થયા બાદ જીયો લોકેશન સાથે ફોટોગ્રાફ તેમજ અન્‍ય વિગતો સંબંધિત વોર્ડ સ્‍ટાફે અપલોડ કરવાની રહેશે.

આ કામગીરીનું સીધુ મોનિટરીંગ ચેરમેનશ્રી, સ્‍ટેન્‍ડિંગ કમિટી તેમજ મ્‍યુનિસિપલ કમિશનરશ્રી  દ્વારા કરવામા આવશે અને જો કોઈ કામગીરી સમયસર પુર્ણ ન થાય તો મોબાઈલમાં તે અંગેનું ઓટોમેટીક નોટીફીકેશન જનરેટ થશે. આ એપ માટે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩/૨૪ના બજેટમાં રૂ.૫૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

(4:52 pm IST)