Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

મનપાની નફામાં નુકશાની છતા પ્રજા માથે કરબોજ

આગામી નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ નું મહાનગરપાલિકાનું ર૬.૩૦ અબજનું બજેટ સ્‍ટેન્‍ડીંગ કમીટીએ સુધારા-વધારા બાદ આજે મંજૂરી આપી છે. ત્‍યારબાદ બજેટ અંગે વિસ્‍તૃત વિગતો આપવા પત્રકાર પરિષદનું આયોજન કરાયેલ તે વખતની તસ્‍વીરમાં માહિતી રજૂ કરી રહેલા ચેરમેન પુષ્‍કર પટેલ દર્શાય છે. તેઓની સાથે મેયર પ્રદિપ ડવ, ધારાસભ્‍ય અને મેયર ડો. દર્શિતાબેન શાહ, ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, શાસક નેતા વિનુભાઇ ધવા, તથા સ્‍ટેન્‍ડીંગ કમીટીના સભ્‍ય મનીષ રાડિયા, જયમીન ઠાકર, નેહલ શુકલ, બાબુભાઇ ઉધરેજા, નિતીન રામાણી, નયનાબેન પેઢડીયા, ભારતીબેન પાડલિયા, ભારતીબેન પરસાણા, દુર્ગાબા જાડેજા વગેરે  નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૯:  મનપાનું વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટમ્‍યુ. કમિશનર અમિત અરોરાએ સ્‍ટેન્‍ડીંગ કમિટીને સુપ્રત કર્યું હતું. જેમાં ૧૦૧ કરોડનો કરબોજ લાદવામાં આવ્‍યો હતો. ઉપરાંત પાણી વેરો ત્રણ ગણો, મિલકત વેરામાં વધરો, ગાર્બેજ કલેકશન ચાર્જમાં વધારો ઝીંકાયો હતો. તથા નવા પર્યાવરણ ટેકસનો ઉમેરો કરવામાં આવ્‍યો હતો. જો કે. શાસકો દ્વારા સુધારા સાથે બજેટ રજુ કરાયેલ.

મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૮ થી કાર્પેટ એરીયા આધારિત વેરા પદ્ધતિ અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં કાર્પેટ એરિયા મુજબ ટેક્ષની ગણતરી માટે તળીયાના દરો જ લાગુ કરવામાં આવેલ જે અમદાવાદ તથા સુરત કરતા પણ ઓછા છે. રાજકોટ મહાનગરપાલિકા પર ખર્ચનો બોજો વધુ છે. તેથી રોજબરોજના ખર્ચને પહોંચી વળવા વેરાના દરમાં વધારો કરવો જરૂરી જણાય છે.

વર્ષ ૨૦૨૨-૨૩ રાજકોટ મહાનગરપાલિકા માટે ખુબ જ મહત્‍વનું રહ્યું. આ વર્ષે વ્‍યાજ માફીની યોજના ના હોવા છતાં અત્‍યાર સુધીમાં રૂ. ૨૪૦.૦૦ કરોડની વસૂલાત કરવામાં આવી છે, આ વર્ષે અત્‍યાર સુધીમાં ૩,૩૦,૫૪૯ કરદાતાઓએ પોતાનો વેરો ભરપાઈ કરી આપેલ છે. જે પૈકી ૧૮૯૪૯૭ કરદાતા દ્વારા ઓનલાઈન પેમેન્‍ટની સુવિધાનો લાભ લઈ રૂ. ૧૧૩.૮૦ કરોડ જેટલી રકમની વેરાની ભરપાઈ કરેલ છે. આ એક રાજકોટ મહાનગરપાલિકાના ઈતિહાસમાં રેકોર્ડ છે. ચાલુ વર્ષે મહતમ આવક થાય તેવા પ્રયાસો છે. ચાલુ વર્ષે કરવેરા આવક રૂ. ૩૪૦.૦૦ કરોડ થવાની આશા છે અને આગામી વર્ષ ૨૦૨૩-૨૪ માટે રૂ. ૩૭૦.૦૦ કરોડનો અંદાજ રાખવામાં આવે છે, તેમજ સૂચિત સુધારાસહ કરવેરાની આવક રૂ. ૪૭૦.૦૦ કરોડ થવાનો અંદાજ છે.

ચાલુ વર્ષ દરમ્‍યાન અર્લી બર્ડ સ્‍કીમ હેઠળ એડવાન્‍સમાં વેરો ૨,૮૪,૬૩૦ આસામીઓએ કુલ રૂ. ૧૭૭.૦૦ કરોડ ભરેલ છે. નિયમિત કરદાતાઓને પ્રોત્‍સાહન મળી રહે તે માટે ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ અર્લી બર્ડ સ્‍કીમ સૂચવવામાં આવે છે અને મહિલા કરદાતાઓને વિશેષ ૫% વળતર આપવાની દરખાસ્‍ત કરાયેલ.

સ્‍ટેન્‍ડીંગ કમિટી દ્વારા મિલકત વેરામાં રહેણાંક મિલકતો માટે હાલનો સામાન્‍ય કરનો દર રૂ.૧૧ પ્રતિ ચો.મી. છે, જેમાં વધારો કરી કમિશનરશ્રીએ રૂ.૧૩ કરવા સુચવેલ, પરંતુ સ્‍થાયી સમિતિએ રહેણાંકના સામાન્‍ય કરના દરમાં વધારો ન કરતાં, રૂ.૧૧ પ્રતિ ચો.મી. યથાવત રાખેલ છે. તેમજ બિનરહેણાંક મિલકતો માટે હાલનો સામાન્‍ય કરનો દર રૂ.૨૨ પ્રતિ ચો.મી. ના છે, જેમાં વધારો કરી કમિશનરશ્રીએ રૂ.૨૫ કરવા સુચવેલ, જે સ્‍થાયી સમિતિએ મંજૂર કરેલ છે.રહેણાંક મિલકતો માટે લઘુત્તમ દર રૂ.૨૫૦ તથા બિનરહેણાંક મિલકતો માટે લઘુત્તમ દર રૂ.૫૦૦ છે, જે યથાવત રાખેલ છે.

પાણીના દરમાં હાલ રહેણાંકના ૧/ર ઇંચના કનેકશનનો દર રૂ.૮૪૦ વાર્ષિક છે, તેમા વધારો કરી કમિશનરશ્રીએ રૂ.૨૪૦૦ કરવા સુચવેલ, પરંતુ કમિશનરશ્રીએ સુચવેલ દરમાં સ્‍થાયી સમિતિએ ઘટાડો કરીરૂ.૧૫૦૦ વાર્ષિક દર કરેલ છે. તેમજ બિનરહેણાંકના ૧/ર ઇંચના કનેકશનનો દર રૂ.૧૬૮૦ વાર્ષિક છે, તેમા વધારો કરી કમિશનરશ્રીએ રૂ.૪૮૦૦ કરવા સુચવેલ, પરંતુ કમિશનરે સુચવેલ દરમાં સ્‍થાયી સમિતિએ ઘટાડો કરીરૂ.૩૦૦૦ વાર્ષિક દર કરેલ છે.

ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ રહેણાંક ઉપયોગ માટે હાલનો ચાર્જ રૂ.૩૬૫ વાર્ષિક છે, જેમાં વધારો કરી કમિશનરશ્રીએ રૂ.૭૩૦ કરવા સુચવેલ, પરંતુ સ્‍થાયી સમિતિએ હાલના ચાર્જમાં કોઇ વધારો ન કરતા રૂ.૩૬૫ યથાવત રાખેલ છે. તેમજ વ્‍યાપરિક ઉપયોગ માટેના ડોર-ટુ-ડોર કલેકશન ચાર્જ હાલનો ચાર્જ રૂ.૭૩૦ વાર્ષિક છે, જેમાં વધારો કરી કમિશનરે રૂ.૧૪૬૦ કરવા સુચવેલ, જે સ્‍થાયી સમિતિએ મંજૂર કરેલ છે.

ખુલ્લા પ્‍લોટ પરનો ટેક્ષ રહેણાંકના ખુલ્લા પ્‍લોટ માટે હાલનો દર પ્રતિ ચો.મી.ના રૂ.૧૪ વાર્ષિક છે, તેમાં વધારો કરી કમિશનરશ્રીએ રૂ.૨૮ સુચવેલ, પરંતુ સ્‍થાયી સમિતિએ હાલના દરમાં કોઇ વધારો ન કરતા રૂ.૧૪ યથાવત રાખેલ છે, તેમજ રહેણાંક માટેના ૫૦૦ચો.મીથી વધુ ક્ષેત્રફળના ખુલ્લા પ્‍લોટ માટે વાર્ષિક રૂ.૨૧ પ્રતિ.ચો.મી. છે, તેમા વધારો કરી કમિશનરશ્રીએ રૂ.૪૨ સુચવેલ તેના બદલે સ્‍થાયી સમિતિએ હાલના દરમાં નજીવો વધારો કરી રૂ.૨૮ કરેલ છે, જયારે વાણિજિયક હેતુ માટેના ખુલ્લા પ્‍લોટ માટે હાલનો વાર્ષિક દર રૂ.૨૮ પ્રતિ ચો.મી.ના છે, જેમાં વધારો કરી કમિશનરશ્રીએ રૂ.૫૬ કરવા સુચવેલ, પરંતુ કમિશનરશ્રીએ સુચવેલ દરમાં સ્‍થાયી સમિતિએ ઘટાડો કરીપ્રતિ ચો.મી.ના રૂ.૪૨ વાર્ષિક દર કરેલ છે.

જ્‍યારે થીયેટર ટેક્ષ સિનેમાના પ્રત્‍યેક શો દિઠ હાલ રૂ.૧૦૦ દર છે, તેમા વધારો કરી કમિશનરશ્રીએ પ્રત્‍યેક શો દિઠ રૂ.૧૦૦૦ સુચવેલ તેના બદલે સ્‍થાયી સમિતિએ હાલના દરમાં નજીવો વધારો કરી રૂ.૧૨૫ પ્રત્‍યેક શો દિઠ કરેલ છે.

વાહન દર સ્‍કૂટર, મોટર-સાયકલ, દ્વિ-ચક્રી વાહનો, મોટર કાર અને જીપ માટે કમિશનરશ્રીએ યથાવત રાખવા સૂચવેલ છે, જે સ્‍થાયી સમિતિએ મંજુર કરેલ છે.

એન્‍વાયરમેન્‍ટ ચાર્જ (પ્રથમ વખત) બિનરહેણાંક પ્રકારની મિલકતોનો કાર્પેટ એરીયા પ૦ ચો.મી.થી વધુ હોય તેવી મિલકતોના સામાન્‍ય કરના ૧૩% લેખે નિયત કરી વસુલ કરવા કમિશનરશ્રીએ દરખાસ્‍ત કરેલ, જેમાં ઘટાડો કરી સ્‍થાયી સમિતિએ ૧૦% લેખે વસુલ કરવાનુ મંજુર કરેલ છે.

વન ટાઇમ ઇન્‍સ્‍ટોલમેન્‍ટ સ્‍કીમ' યોજના અંતર્ગત મિલકતધારકે પોતાની મિલકતના ચાલુ વર્ષના મિલકતવેરાની પૂરેપૂરી રકમ તથા અગાઉના વર્ષોની મિલકત વેરાની વ્‍યાજ સહિતની બાકી રકમના ૨૫% મુજબની કુલ રકમ ચાલુ વર્ષ તા.૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં ભરપાઈ કરે તો વેરાની બાકી રહેતી રકમના ૨૫% મુજબના એક સરખા ૩ હપ્તામાં દર વર્ષે ભરપાઈ કરવાનું અને એ મુજબ ૪ વર્ષ સુધી આ યોજના અમલી રહે તેમ કમિશનર દ્વારા સૂચવવામાં આવેલ.

કમિશનરે સુચવેલ આ યોજનામાં સ્‍થાયી સમિતિએ રાહત આપી, મિલકતધારકે પોતાની મિલકતના ચાલુ વર્ષના મિલકતવેરાની પૂરેપૂરી રકમ તથા અગાઉના વર્ષોની મિલકત વેરાની વ્‍યાજ સહિતની બાકી રકમના ૧૦% મુજબની કુલ રકમ  તા.૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં ભરપાઈ કરે તો વેરાની બાકી રહેતી રકમના બીજા વર્ષે ૧૫% મુજબ તેમજ ત્‍યારબાદના ૩ વર્ષોમાં પ્રત્‍યેક વર્ષે ૨૫% મુજબ, એમ મળી, કુલ ૫ વર્ષ સુધી આ યોજના અમલી રાખવાનું મંજુર કરેલ છે.

આજે મનપાની સ્‍ટેન્‍ડીંગ કમીટી દ્વારા સુધારા સાથે રૂા. ૩૯.૨૫ કરોડના કરબોજવાળા બજેટને મંજુર કર્યું હતું. કમિશનર દ્વારા સુચવાયેલ વેરામાં ફેરફાર કરાયો હતો. જેમાં પાણીવેરામાં બમણો વધારો કરવાની સાથે નવો પર્યાવરણ વેરો પ્રજા ઉપર ઝીંકવામાં આવ્‍યો છે. આમ, સ્‍ટેન્‍ડીંગ કમિટિએ મ્‍યુ. કમિ. અમિત અરોરાએ સુચવેલ વેરા વધારામાં ઘટાડો તો કર્યો પણ પ્રજાની માથે કરબોજમાં વધારો કર્યો છે.

 

સ્‍ટેન્‍ડીંગ કમિટિએ મંજુર કરેલ મિલકત કેટલી જૂની છે તે ઉંમરનું પરિબળ

નં.      મિલ્‍કતની ઉંમરની વિગત                                            સ્‍ટે. કમિટીએ મંજૂર કરેલ

૧  ૧૦ વર્ષ કરતા વધુ જૂની ન હોય તેવી ઈમારતના સંબંધમાં        ૧.૦૦

૨  ૧૦ વર્ષ કરતા વધુ, પણ ૨૦ વર્ષ કરતા વધુ જૂની ન હોય તેવી ઈમારતના સંબંધમાં ૦.૯૦

૩  ૨૦ વર્ષ કરતા વધુ, પણ ૩૦ વર્ષ કરતા વધુ જૂની ન હોય તેવી ઈમારતના સંબંધમાં ૦.૭૦

૪  ૩૦ વર્ષ કરતા વધુ જૂની હોય તેવી ઈમારતના સંબંધમાં           ૦.૩૫

(4:39 pm IST)