Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

શનિવારથી રાજકોટમાં આંતરરાષ્‍ટ્રીય વેપાર મેળાનો પ્રારંભ

વિદેશના વેપારીઓ આવશે સૌરાષ્‍ટ્રમાં હટાણુ કરવા : અહીંનું ઉત્‍પાદન દેશ બહાર પહોંચે તેવા સૌરાષ્‍ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના પ્રયાસો : ચાઇના કરતા ભારતના ઉત્‍પાદનોની માંગ છેલ્લા કેટલાક સમયમાં વધી હોવાનો દાવો : રાજકોટને કન્‍વેન્‍શન સેન્‍ટર મળે તો હજુ વધુ ફાયદો : પત્રકાર પરિષદમાં અપાયેલ વિગતો

રાજકોટ તા. ૯ : દુનિયાભરના વેપારીઓ સૌરાષ્‍ટ્રના આંગણે હટાણુ કરવા આવે તેવુ સરસ આયોજન સૌરાષ્‍ટ્ર વેપાર ઉદ્યોગ મંડળ દ્વારા રાજકોટ ખાતે કરાયુ છે.

આ અંગે પત્રકાર પરીષદમાં વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે આગામી તા. ૧૧ થી ૧૩ સુધી એન.એસ.આઇ.સી. ગ્રાઉન્‍ડ, ૮૦ ફુટ રોડ ખાતે ભવ્‍ય આંતરરાષ્‍ટ્રીય વેપાર મેળો યોજવામાં આવેલ છે.

પુર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે આ વેપાર મેળાનું ઉદ્દઘાટન કરાશે. આ પ્રસંગે સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, મ્‍યુ. કમિશ્‍નર અમિત અરોરા, એમ.એસ.એમ.ઇ. ડેવલપમેન્‍ટ ઇન્‍સ્‍ટીટયુટના ડીરેકટર શ્રીમતી સ્‍વાતી અગ્રવાલ, ડી.આઇ.એસ.ના જનરલ મેનેજર કે.વી. મોરી, ડો. હેમાંગ વસાવડા, યુવા અગ્રણી જય શાહ વગેરે ઉપસ્‍થિત રહેશે.

આયોજક એસ.યુ.વી.એમ.ના પ્રમુખ પરાગ તેજુરાએ વધુ વિગતો વર્ણવતા જણાવેલ કે આ વેપાર ઉદ્યોગ મેળામાં સ્‍થાનિક, રાજય અને રાષ્‍ટ્રીય તથા આંતરરાષ્‍ટ્રીય કક્ષાના ૨૫ હજારથી વધુ મુલાકાતીઓ આવશે. તા. ૧૧ ના શનિવારે મેળાનો પ્રારંભ થશે. મુલાકાતનો સમય સવારે ૧૦ થી સાંજના ૬ સુધીનો છે.

ધાના, સુદાન, બુર્કિનાફાસો, ટોગો, તાન્‍ઝાનીયા, ઝામ્‍બિયા, યુગાન્‍ડા, કેન્‍યા, સેનેગલ, કોંગો, ગેમ્‍બિયા, ગેબોન, બાંગ્‍લાદેશ, ભુતાન, નેપાળ, શ્રીલંકા સહીત ૨૦ થી વધુ દેશોમાંથી મળીને ૧૦૦ થી વધુ બિઝનેશમેન આ મેળાની મુલાકાત કરશે. પ દિવસના રાજકોટ રોકાણ દરમિયાન સૌરાષ્‍ટ્રની વિવિધ ફેકટરીઓની મુલાકાત લઇ જરૂરી ઉત્‍પાદનો પરચેજ કરશે.

અમુક આફ્રીકન દેશોના પ્રતિનિધિઓ પણ પોતાના દેશની પ્રોડકટસ ડીસ્‍પ્‍લે કરશે. બાંગ્‍લાદેશ એગ્રીકલ્‍ચર મશીનરી મર્ચન્‍ટ એસો.નું પ્રતિનિધિ મંડળ પણ આવનાર છે.

મુખ્‍ય મહેમાન તરીકે વેનેઝુએલા ડીપ્‍લોમેટ અલફ્રેડો કાલ્‍ડેરા, ઝિમ્‍બાબ્‍વેના હાઇ કમિશ્‍નરશ્રી તથા મલાવીના હાઇ કમિશ્‍નરશ્રી પણ આ વેપાર ઉદ્યોગ મેળાની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન સ્‍થાનીક ૭૫૦ થી વધુ કંપનીઓ આ વિદેશી કંપનીઓની સાથે પોતાનો બીઝનેશ ગોઠવશે.

એસયુવીએમ દર વર્ષે આવા વેપાર મેળાનું આયોજન કરે છે. જેમાં આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા ભાગ લેનાર એકમો માટે ખાસ સબસીડી જાહેર કરાઇ છે. એટલે સ્‍ટોલ તેઓને વિનામુલ્‍યે મળે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. આ વેપાર મેળાને ગુજરાત સરકારના વિવિધ વિભાગો જેમ કે ઉદ્યોગ વિભાગ, ઇન્‍ડેકસ-બી, ગુજરાત ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર, ડેવલપમેન્‍ટ બોર્ડ, ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન, ગરવી ગુજરાત, ગુજરાત હેન્‍ડલુમ એન્‍ડ હેન્‍ડીક્રાફટ ડેવલપમેન્‍ટ કોર્પોરેશન દ્વારા સ્‍પોન્‍સર કરાયો છે.

દરમિયાન આ તકે એવુ પણ જણાવાયુ હતુ કે છેલ્લા કેટલાક સમયમાં ચીનના ઉત્‍પાદનો કરતા ભારતીય ઉત્‍પાદનોની માંગ અન્‍ય દેશોમાં વધી ગઇ છે. જો રાજકોટને કન્‍વેન્‍શન સેન્‍ટર ફાળવવામાં આવે તો હજુ મોટી માત્રામાં ભારતીય ખાસ કરીને સૌરાષ્‍ટ્રનું ઉત્‍પાદન વિદેશોની બજારો સુધી પહોંચી શકે તેમ છે. આ બાબતે વધુ ઝડપની વિચારવામાં આવે તેવી માંગ સૌરાષ્‍ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના પરાગ તેજુરાએ કરી હતી.

તસ્‍વીરમાં પત્રકાર પરીષદમાં વિગતો વર્ણવતા સોરાષ્‍ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના પ્રમુખ પરાગભાઇ તેજુરા (મો.૯૪૨૬૨ ૫૪૬૧૧) અને બાજુમાં ખીરસરા જીઆઇડીસીના પ્રમુખ મહેશભાઇ નગદીયા, જાણીતા ઉદ્યોગપતિ અતુલભાઇ દવે, આઇ.ટી. પ્રોફેશ્‍નલ મયુરભાઇ ખોખર નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

*એનએસઆઇસી મેદાન, ૮૦ ફુટ રોડ ખાતે તા. ૧૧ થી પ્રારંભ અને ૧૩ મીએ થશે સમાપન

*મુલાકાતનો સમય દરરોજ સવારે ૧૦ થી સાંજે ૬ સુધી

*૭૫ થી વધુ દેશોના પ્રતિનિધિઓ આવશે

*વિદેશી મહેમાનો સૌરાષ્‍ટન્રા વેપાર એકમોની મુલાકાત કરશે

*ભારતીય ઉત્‍પાદન વિદેશ સુધી પહોંચે તેવો આ મેળાનો હેતુ

(4:29 pm IST)