Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ઇ-એફઆઇઆરમાં આવેલી મોબાઇલ ફોન ચોરીની છ જુની અરજીઓ પરથી ગુના નોંધાયા

રાજકોટ મુલાકાતે આવેલા નવા પોલીસ વડાએ સુચના આપતાં એફઆઇઆર ફાટી

રાજકોટ તા. ૯: રાજ્‍યભરમાં નાગરિકોની સુવિધા માટે ઇ-એફઆઇઆર સેવાનો આરંભ કરવામાં આવ્‍યો છે. જેમાં વાહન ચોરી, મોબાઇલ ફોનની ચોરી સહિતના બનાવો અંગે નાગરિકો પોલીસ સ્‍ટેશને ગયા વગર ઓનલાઇન ફરિયાદ કરી શકે છે. આ પોર્ટલમાં આવતી ફરિયાદને આરંભે અરજી સ્‍વરૂપે રાખી તપાસ કરવામાં આવે છે અને જરૂર જણાયે ગુનો દાખલ કરી ફરિયાદનો નિકાલ કરવામાં આવી છે. ગઇકાલે રાજ્‍યના નવા પોલીસવડા શ્રી વિકાસ સહાય રાજકોટની મુલાકાતે આવ્‍યા હોઇ તેમણે અધિકારીઓ સાથે બેઠક યોજવા ઉપરાંત ઇ-એફઆઇઆરની ફરિયાદો અંગે પણ તપાસ કરી હતી. આ પૈકી માલવીયાનગર પોલીસ મથક હેઠળના વિસ્‍તારોની મોબાઇલ ચોરીની છ અરજીઓ સામે આવી હોઇ તાકીદે ગુના નોંધવા સુચના આપતાં ૧ લાખ ૧૮ લાખની કિંમતના છ મોબાઇલ ચોરીની ફરિયાદો દાખલ કરવામાં આવી છે. જેની વિગતો આ મુજબ છે.

પ્રથમ બનાવમાં નાના મવા મેઇન રોડ સીલ્‍વર ગોલ્‍ડ રેસીડેન્‍સી શેરી નં. ૬માં રહેતા જી.એસ.ટી. વિભાગના ઇન્‍સ્‍પેકટર નૈનાબેન રાઘવજીભાઇ ઘાડીયા ગત તા. ૨૭/૯/૨૨ના રોજ નાના મવા મેઇન રોડ પર પી.જી.વી.સી.એલની ઓફીસ સામે લક્ષ્મીનગર શાકમર્કેંટમાં ખરીદી કરવા ગયા હતા. ત્‍યારે કોઇ અજાણ્‍યા શખ્‍સે તેના પર્સમાંથી નજર ચુકવી રૂ). ૨૪,૯૯૯ ની કિંમતનો મોબાઇલ સેરવી નાસી ગયો હોવાની ઇ-એફ.આઇ.આરમાં ઓનલાઇન અરજી થઇ હતી.

જ્‍યારે બીજા બનાવમાં મવડી પ્‍લોટ ગીરનાર સોસાયટી શેરી નં. ૨માં રહેતા વેપારી અમીતભાઇ વિજયભાઇ વીસાવડીયા ગત તા. ૧૯/૧૦/૨૨ના રોજ તેના ભાભી કિરણબેન કેવલભાઇ વીસાવડીયા સાથે લક્ષ્મીનગરમાં ભરાતી મંગળવારી બજારમાં ખરીદી કરવા ગયા હતા. ત્‍યારે કોઇ અજાણ્‍યા શખ્‍સે કિરણબેનની નજર ચુકવી તેના પર્સમાંથી રૂા. ૩૫૦૦૦ની કિંમતનો મોબાઇલ ચોરી કરી નાસી જતા ઓનલાઇન ફરિયાદ કરી હતી.

જ્‍યારે ત્રીજા બનાવમાં ગોંડલ રોડ પર ગીતાનગર શેરી નં. ૧માં રહેતા ભોલાભાઇ રવિન્‍દ્રપ્રસાદ ચંદ્રવંશી ગત તા. ૫/૧૦/૨૨ના રોજ બપોરે સમ્રાટ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં કારખાનામાં રીસેસ પડતા જમવા માટે ચાલીને ઘરે જતા હતા. ત્‍યારે એક અજાણ્‍યો શખ્‍સ બાઇક લઇને પુરઝડપે બાજુમાં ચલાવતા તેને બાઇક સરખુ ચલાવવાનું કહેતા બાઇક ચાલકે પાસે આવી ભોલાપ્રસાદ સાથે ઝઘડો કરી નજર ચુકવી ભોલાપ્રસાદના શર્ટના ખીસ્‍સામાંથી રૂા. ૫૦૦૦ની કિંમતનો મોબાઇલ સોરવી નાશી ગયો હતો.

જ્‍યારે ચોથા બનાવમાં વૃંદાવન સોસાયટી શેરી નં. ૫માં રહેતા અને મેટોડા જીઆઇડીસીમાં ઓરબીટ બેરીંગ કારખાનામાં એન્‍જીનીયરીંગ તરીકે નોકરી કરતા મયંકભાઇ મનસુખભાઇ આકોલ ગત તા. ૮/૨ના રોજ નાઇટ સીફટ પુરી કરી સ્‍ટાફ બસમાં વહેલી સવારે મવડી ચોકડી પાસે ઉતરીને ચાલીને ઘરે જતા હતા. ત્‍યારે એક શખ્‍સ પોતાની સાથે ભટકાઇને બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્‍યો હતો. ઝઘડો કરતા તેણે પોતાની નજર ચુકવી મયંકભાઇ શર્ટના ખીસ્‍સામાંથી રૂા. ૧૦,૦૦૦ ની કિંમતનો મોબાઇલ ઝુંટવી ભાગી ગયો હતો.

જ્‍યારે અન્‍ય બનાવમાં ગાંધીગ્રામ રામાપીર ચોકડી પાસે ઉદય હોલની સામે રહેતા યશ બળવંતભાઇ ઠાકર ગત તા. ૮/૧૧/૨૨ના રોજ પત્‍ની પુનમબેન સાથે નાના મજા રોડ લક્ષ્મીનગર શાકમાર્કેટમાં ખરીદી કરવા ગયા હતા. ત્‍યારે કોઇ અજાણ્‍યા શખ્‍સે પત્‍ની પુનમબેનની નજર ચુકવી તેના પર્સમાંથી રૂા. ૨૮,૯૯૯ની કિંમતનો મોબાઇલ ફોન સેરવી નાશી ગયો હતો.

જ્‍યારે અન્‍ય બનાવમાં યાજ્ઞીક રોડ જાગનાથ -૧૪ એકલવ્‍ય કોમ્‍યુનિટિ હોલની પાસે રહેતો યશવંત હિતેશભાઇ ગીડા ગત તા. ૧૮/૧૦/૨૨ના રોજ માતા શોભનાબેન હિતેશભાઇ ગીડા સાથે લક્ષ્મીનગર શાકમાર્કેટમાં ખરીદી કરવા ગયા હતા. ત્‍યારે કોઇ અજાણ્‍યા શખ્‍સે શોભનાબેન નજર ચુકવી તેની થેલીમાંથી રૂા. ૧૪,૯૯૦ની કિંમતનો મોબાઇલ ચોરી કરી નાશી જતા ઇ-એફ.આઇ.આર.માં ઓનલાઇન ફરિયાદ કરી હતી આ અંગે માલવીયાનગર પોલીસે ઇ-એફઆઇઆરમાં આવેલી મોબાઇલ ફોન ચોરીની છ જુની અરજીઓ પરથી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:26 pm IST)