Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

જિલ્લા પંચાયતની કારોબારીમાં ૧૬.૯૭ કરોડના બજેટને બહાલીઃ તા. ર૭મીએ સામાન્‍ય સભા

ગયા વર્ષ કરતા બજેટના કદમાં ૩ કરોડનો ઘટાડોઃ યોજનાઓ યથાવત

બજેટને બહાલીઃ રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક વખતે કારોબારી અધ્‍યક્ષ સહદેવસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, ચીટનીસ અને ઇન્‍ચાર્જ ડે. ડી.ડી.ઓ. એ. બી. પરમાર તથા કારોબારી સભ્‍યો અને શાખા અધિકારીઓ ઉપસ્‍થિત રહેલ તે પ્રસંગની તસ્‍વીર. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૯: જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની ખાસ બેઠક આજે અધ્‍યક્ષ સહદેવસિંહ જાડેજાની અધ્‍યક્ષતામાં મળેલ. જેમાં ચાલુ વર્ષના સુધારેલા બજેટને અને નવા નાણાકીય વર્ષના પૂર્ણ બજેટને બહાલી અપાયેલ. તા. ર૭ ફેબ્રુઆરી સવારે ૧૧.૩૦ વાગ્‍યે પ્રમુખ ભૂપત બોદરની અધ્‍યક્ષતામાં સામાન્‍ય સભા મળશે. જેમાં કારોબારીએ મોકલેલ બજેટ રજુ઼ થશે. કારોબારીએ જુની યોજનાઓ યથાવત રાખી છે નવી કોઇ યોજના ઉમેરી નથી.

કારોબારી અધ્‍યક્ષ સહદેવસિંહે જણાવેલ કે, જિલ્લા પંચાયતનું સને ર૦રર-ર૩નું સુધારેલ અંદાજપત્ર કુલ રૂ. ર૦૩૦ લાખનું છે તેમજ સને ર૦ર૩-ર૪નું અંદાજપત્ર કુલ રૂ. ૧૬૯૭ લાખનું પુરાંતવાળુ બજેટ રજૂ કરવામાં આવે છે.

અંદાજપત્રમાં સ્‍વભંડોળમાં વિવિધ ક્ષેત્રમાં કરવામાં આવેલ વિશિષ્‍ટ જોગવાઇની ઝલક નીચે મુજબ છે.

શ્રેષ્‍ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્‍પર્ધા માટે રર લાખની જોગવાઇ. ઉત્તમ તાલુકા પંચાયત પ્રોત્‍સાહન યોજના માટે પ લાખની જોગવાઇ. વિકાસનાં કામો માટે ૯ કરોડ ૦૧ લાખની જોગાવઇ. પ્રાથમિક શાળાઓમાં શાળાનું પ્રવેશદ્વાર, પ્રાગણમાં બાગ બગીચા શાળાના મકાનની બહારની દિવાલોમાં કલાત્‍મક કૃતીઓ ગલોઠવવા વગેરે માટેની બ્‍યુટીફિકેશન માટેની સહાય યોજના માટે ર૦ લાખની મંજુરી. પ્રાથમિક શાળાની કિશોરીઓને સેનેટરી નેપકીન અને તે અંગેની મશીનરી ખરીદવા ર૦ લાખની તથા સેલ કાઉન્‍ટર, ગ્‍લુકોમીટર, આરોગ્‍યલક્ષી સાધન સામગ્રી, સર્જીકલ સાધનો અને રીએજંન્‍ટ/નેત્રયજ્ઞ, સર્જીકલ કેમ્‍પ, ડાયાબીટીસ, લોહીની તપાસ માટેનાં જરૂરી સ્‍થાયી પ્રકારના સાધન સામગ્રી અને ફોગીંગ મશીનની ખરીદી તથા અન્‍ય આરોગ્‍ય લક્ષી પ્રવૃતિ માટે રપ લાખની જોગવાઇ. આંગણવાડીમાં રમત ગમતના સાધનો ખરીદવા માટે ૧પ લાખની જોગવાઇ કરવામાં આવે છે. આઇસીડીએસમાં ઇલેકટ્રોનિકસ સાધનો (કમ્‍પ્‍યુટર, પ્રિન્‍ટર, સીસીટીવી, સ્‍પીકર) માટે પ લાખની જોગવાઇ. આંગણવાડી કેંદ્રોમાં માટે ફાયર એકસ્‍ટીંગ્‍યુસર માટે ૧પ લાખની જોગવાઇ કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્‍સાહન આપવા માટે ર લાખની જોગવાઇ. પશુઓ માટે ખરવા-મોવા વેકિસનેશન માટે ર લાખની જોગવાઇ. સામાજિક ન્‍યાય નિધિમાં તબદીલ કરવાની રકમ (તા. ૧પ/૦૯/ર૦૧૬ ના ઠરાવ મુજબનાં કામો માટે) ૩૦ લાખની વ્‍યવસ્‍થા છે.

(3:07 pm IST)