Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

નકારાત્‍મક ઉર્જાને અલવિદા કહીને તનાવ મુકત બનીએઃ બ્રહ્માકુમારી પૂનમબેન

શાષાી મેદાન ખાતે બ્રહ્માકુમારી સંસ્‍થા દ્વારા નવ દિવસીય ‘અલવિદા તનાવ' કાર્યક્રમનો શુભારંભ : જયારે આપણે આપણી સ્‍થિતિમાં મસ્‍ત રહીશું તો પરીસ્‍થિતિ પણ સદાને માટે સારી રહેશે

રાજકોટઃ ૨૧મી સદીમાં ભૌતિક સુખોની પાછળ દોડતું મનુષ્‍ય જીવન ધન - વૈભવ તો વધારી રહ્યા છે પરંતુ સાથો સાથ ચિંતા, ઉદાસી અને નકારાત્‍મક વિચારો પણ જીવનમાં વધી રહ્યા છે. ત્‍યારે જીવનમાં સાચા અર્થમાં પરમશાંતિનો અનુભવ થાય અને સકારાત્‍મક વિચારો થકી જીવન આનંદમય તે હેતુ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શાષાી મેદાન ખાતે નવ દિવસીય અલવિદા તનાવ કાર્યક્રમનો શુભારંભ થયો હતો. જેમાં ધારાસભ્‍યશ્રી દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, મેયર શ્રી પ્રદીપભાઈ ડવ, શ્રી વજુભાઈ વાળા, રાજકોટ કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ, શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્‍થિતિમાં બ્રહ્માકુમારી પૂનમબેન દ્વારા પ્રથમ દિવસે ‘ચિંતા મુકત જીવનશૈલી' વિષય ઉપર પ્રવચન આપ્‍યું હતું.

બ્રહ્માકુમારી શ્રી પૂનમબહેને જણાવ્‍યું હતું કે, ‘ચિંતા મુકત જીવનશૈલી' માટે સૌપ્રથમ દરરોજ સુખનું આહવાન કરવું જરૂરી છે. પરિસ્‍થિતિઓને બદલવા માટે વિચારોને બદલવા જરૂરી છે. જયારે આપણે આપણી સ્‍થિતિમાં મસ્‍ત રહીશું તો પરિસ્‍થિતિ પણ સદાને માટે સારી રહેશે. ભૌતિક સાધનોમાં ક્ષણભંગુર સુખ સમાયેલું છે જયારે આધ્‍યાત્‍મની સાથે કરેલું દરેક કર્મ તમને સાચા સુખની અનુભૂતિ કરાવે છે. ત્‍યારે સ્‍વયં માટે શુભ ભાવના શુભ કામના રાખીને પોતે જ પોતાના સુખનું કારણ બનીએ અને નકારાત્‍મક ઉર્જાને અલવિદા કહીને તનાવ મુકત બનીએ.

આ કાર્યક્રમમાં રંગીલા રાજકોટવાસીઓએ બહોળી સંખ્‍યામાં જોડાયા હતા અને ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે આ કાર્યક્રમ ૧૬ ફેબ્રુઆરી સુધી ચાલનાર છે તો બ્રહ્માકુમારી સંસ્‍થા દ્વારા રાજકોટવાસીઓને  આમંત્રણ પાઠવ્‍યું છે અને તનાવ મુકત થઈને સુખી જીવન જીવવા માટે આ કાર્યક્રમનો અચૂક લાભ લેવા અપીલ કરાઈ છે.

(3:05 pm IST)