Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

હવે રહેણાંકનો પાણી વેરો ૧૫૦૦: કોમર્શિયલના ૩૦૦૦

પ્રજા ઉપર ૩૯.૨૫ કરોડનો કરબોજ : રહેણાંકમાં ગાર્બેજ-મિલ્‍કત વેરામાં મ્‍યુનિસિપલ કમિશનરે સુચવેલો વધારો ફગાવતી સ્‍ટેન્‍ડીંગ કમિટી : ૨૬૩૭.૮૦ કરોડનું બજેટ : ૩૯.૯૭ કરોડની નવી યોજનાનો ઉમેરો : રૈયા ટેલીફોન એકસચેન્‍જ ચોકમાં ઓવરબ્રીજ, રાજકોટ દર્શન સીટી બસ, સીવીક સેન્‍ટરોમાં હેલ્‍થડેસ્‍ક, સામાકાંઠે પ્‍લે ગ્રાઉન્‍ડ, નવો કોમ્‍યુનિટી મોલ સહિતની નવી યોજનાઓ :સ્‍ટેન્‍ડીંગ કમિટિ દ્વારા વિગતો જાહેર : કોમર્શિયલમાં ગાર્બેજ : ચાર્જ ૭૩૦ના ૧૪૬૦ : કોમર્શિયલમાં મિલકત વેરો પ્રતિ ચો.મી.ના રૂા. ૨૨થી વધારી ૨૫ : મ્‍યુનિ. કમિ.એ સૂચવેલા ૧૦૧ કરોડના કરબોજમાં ૬૦.૩૯ કરોડનો ઘટાડો : થિએટર ટેક્‍સ પ્રતિ શોના ૧૦૦ના ૧૨૫ : કોમર્શિયલમાં સામાન્‍ય કરના ૧૦ ટકા એન્‍વાયરમેન્‍ટ સેસ : પર્યાવરણ વેરો પ્રથમ વખત ઝીંકાયો

રાજકોટ તા. ૯ : મ્‍યુનિ. કોર્પોરેશનનો વર્ષ ૨૦૨૩-૨૪નું નવું ૨૩૮૦ અબજનું બજેટ આજે સ્‍ટેન્‍ડીંગ કમિટિમાં મંજૂર થયું છે. આ બજેટમાં કમિશનરે સૂચવેલો પાણી વેરો રૂા. ૨૪૦૦માંથી રૂા. ૧૫૦૦ કર્યો છે. જ્‍યારે રહેણાંકમાં ગાર્બેજ કલેકશન ચાર્જ તથા મિલકત વેરામાં વધારો ફગાવાયો છે. આ ઉપરાંત શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એકસચેન્‍જ પાસેના ચોકમાં ઓવરબ્રીજ, કોમ્‍યુનિટી હોલ, સામાકાંઠે પ્‍લે ગ્રાઉન્‍ડ, રાજકોટ સીટી દર્શન બસ સહિતની ૧૫ નવી યોજનાઓ ઉમેરી લોકોની સુખાકારીમાં વધારો કરવાનો પ્રયાસ કર્યો છે.

સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન પુષ્‍કર પટેલની અધ્‍યક્ષતામાં મળેલી બેઠકમાં આ નવા બજેટને મંજુર કરી જનરલ બોર્ડની મંજુરી અર્થે રવાના કરાયું હતું. ત્‍યારબાદ પત્રકાર પરિષદમાં આ બજેટની વિસ્‍તૃત વિગતો રજૂ કરાઇ હતી.

ગત વર્ષ યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણીમાં ગુજરાત વાસીઓએ ભારતીય જનતા પાર્ટી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી પર વિશ્વાસ મુકી, ગુજરાત વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકો પૈકી ૧૫૬ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને ખોબલે ખોબલે મત આપી, વિજેતા બનાવી, ‘ન ભૂતો ન ભવિષ્‍યતિ' ઉક્‍તિ મુજબ, સાતમી વખત ગુજરાત રાજયના શાસનની જવાબદારી સોંપેલ છે.

મહાનગરપાલિકામાં નવી ચૂંટાયેલી પાંખે તા.૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ સત્તા સંભાળી, ત્‍યાર પછી ત્રીજી વખત મહાનગરપાલિકા તંત્રના આર્થિક લેખાજોખા કરવાનો અવસર આવ્‍યો છે. રાજકોટ  વિશ્વના સૌથી ઝડપી વિકાસ પામી રહેલા શહેરો પૈકીનું એક  છે. રાજકીય ઈચ્‍છાશક્‍તિ અને ‘સૌનો સાથ' મળે ત્‍યારે કેવા વિકાસલક્ષી પરિણામો મળે તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ એટલે ‘રંગીલું રાજકોટ'. લોકતાંત્રિક પ્રશાસનિક પ્રણાલીમાં વિકાસયાત્રાને અવિરત ગતિ પ્રદાન કરવામાં જનમત, લોકલાગણી અને રાજકીય ઈચ્‍છાશક્‍તિ ખુબ જ મહત્‍વ ધરાવે છે. આ માટે એમ કહી શકાય કે “If there is a will, there’s a way”. આપણું રાજકોટ શહેર વિકાસપથ પર સતત આગેકૂચ કરતુ રહે અને નાગરિકોની વાજબી અપેક્ષાઓ પરિપૂર્ણ થાય, ઉપરાંત વિકાસને અવરોધતી નાનીમોટી સમસ્‍યાઓ કે અન્‍ય પ્રશ્નોનો જાહેર હિતમાં યોગ્‍ય અને વાજબી ઉકેલ આવે તે દિશામાં ચૂંટાયેલી પાંખે હરહંમેશ હકારાત્‍મક દ્રષ્ટિકોણ અપનાવેલ છે.

આગામી વર્ષમાં પણ વિકાસનો સિલસિલો આગળ ધપાવવા માટે સ્‍ટેન્‍ડિંગ કમિટી કૃતનિヘયી છે. ગુજરાત રાજયને વિકાસપથ પર પૂરપાટ ગતિએ દોડતું કરી, દેશ સમક્ષ એક નવું વિકાસ મોડેલ રજુ કરી, સમગ્ર રાષ્ટ્રને નવી પ્રેરણા આપનાર ગુજરાત રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદીએ દેશને પણ પ્રગતિના નવાનવા શિખરો સર કરાવી, વૈશ્વિક સ્‍તરે દેશને પ્રતિષ્ઠા અને ગૌરવ અપાવેલ છે. તેમણે કંડારેલી વિકાસની કેડી પર ગુજરાતે આ સિલસિલો આગળ ધપાવ્‍યે રાખ્‍યો છે અને ગુજરાત રાજયના માનનીય પૂર્વ મુખ્‍યમંત્રીશ્રીઓ આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી તથા હાલના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના સફળ નેતૃત્‍વમાં રાજય સરકાર નાગરિકોની સુખાકારી અને પ્રગતિમાં અવિરત વૃધ્‍ધિ થતી રહે તે દિશામાં રાજયને આગળ ધપાવી રહેલ છે.

મ્‍યુનિસિપલ કમિશનરશ્રીએ  મહાનગરપાલિકાનું નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪નું રૂ.૨૫૮૬.૮૨ કરોડનું બજેટ સ્‍ટેન્‍ડિંગ કમિટી સમક્ષ રજુ કર્યું હતું. આ બજેટમાં સમાવિષ્ટ વિવિધ યોજનાઓ અને કાર્યો તેમજ તેના માટે કરવામાં આવેલી નાણાંકીય જોગવાઈઓ અંગે સ્‍ટેન્‍ડિંગ કમિટીએ ઊંડાણપૂર્વક અભ્‍યાસ કરી, આવશ્‍યક સુધારાવધારાઓ કરવા ઉપરાંત નર્મદા આધારિત પાણી પુરવઠા યોજના, શહેરમાં પાણી વિતરણના ખર્ચ વિ. ને ધ્‍યાનમાં લઈને તેમજ ગરીબ, મધ્‍યમ વર્ગના મિલકતધારકોને ધ્‍યાને રાખીને, કમિશનરશ્રી દ્વારા મિલકત વેરા, પાણી ચાર્જિસમાં સૂચવાયેલ વધારામાં રાહત આપવાનો નિર્ણય કરેલ છે. સાથોસાથ કમિશનર દ્વારા રહેણાંક તથા બિનરહેણાંક મિલકતો માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્‍શનમાં સૂચવાયેલ વધારા પરત્‍વે રહેણાંક મિલકતો માટેનો વધારો નામંજુર કરી, ફક્‍ત બિનરહેણાંક મિલકતો માટે વધારો મંજુર કરવામાં આવેલ છે.

મિલકત વેરામાં રહેણાંક મિલકતો માટે હાલનો સામાન્‍ય કરનો દર રૂ.૧૧ પ્રતિ ચો.મી. છે, જેમાં વધારો કરી કમિશનરે રૂ.૧૩ કરવા સુચવેલ, પરંતુ સ્‍થાયી સમિતિએ રહેણાંકના સામાન્‍ય કરના દરમાં વધારો ન કરતાં, રૂ.૧૧ પ્રતિ ચો.મી. યથાવત રાખેલ છે. તેમજ બિનરહેણાંક મિલકતો માટે હાલનો સામાન્‍ય કરનો દર રૂ.૨૨ પ્રતિ ચો.મી. ના છે, જેમાં વધારો કરી કમિશનરે રૂ.૨૫ કરવા સુચવેલ, જે સ્‍થાયી સમિતિએ મંજૂર કરેલ છે.રહેણાંક મિલકતો માટે લઘુત્તમ દર રૂ.૨૫૦ તથા બિનરહેણાંક મિલકતો માટે લઘુત્તમ દર રૂ.૫૦૦ છે, જે યથાવત રાખેલ છે.

પાણીના દરમાં હાલ રહેણાંકના ૧/ર ઇંચના કનેકશનનો દર રૂ.૮૪૦ વાર્ષિક છે, તેમા વધારો કરી કમિશનરશ્રીએ રૂ.૨૪૦૦ કરવા સુચવેલ, પરંતુ કમિશનરે સુચવેલ દરમાં સ્‍થાયી સમિતિએ ઘટાડો કરી,  રૂ.૧૫૦૦ વાર્ષિક દર કરેલ છે. તેમજ બિનરહેણાંકના ૧/ર ઇંચના કનેકશનનો દર રૂ.૧૬૮૦ વાર્ષિક છે, તેમા વધારો કરી કમિશનરે રૂ.૪૮૦૦ કરવા સુચવેલ, પરંતુ કમિશનરે સુચવેલ દરમાં સ્‍થાયી સમિતિએ ઘટાડો કરી,  રૂ.૩૦૦૦ વાર્ષિક દર કરેલ છે.

ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ રહેણાંક ઉપયોગ માટે હાલનો ચાર્જ રૂ.૩૬૫ વાર્ષિક છે, જેમાં વધારો કરી કમિશનરે રૂ.૭૩૦ કરવા સુચવેલ, પરંતુ સ્‍થાયી સમિતિએ હાલના ચાર્જમાં કોઇ વધારો ન કરતા રૂ.૩૬૫ યથાવત રાખેલ છે. તેમજ વ્‍યાપરિક ઉપયોગ માટેના ડોર-ટુ-ડોર કલેકશન ચાર્જ હાલનો ચાર્જ રૂ.૭૩૦ વાર્ષિક છે, જેમાં વધારો કરી કમિશનરે રૂ.૧૪૬૦ કરવા સુચવેલ, જે સ્‍થાયી સમિતિએ મંજૂર કરેલ છે.

ઉપરાંત ખુલ્લા પ્‍લોટ પરનો ટેક્ષ રહેણાંકના ખુલ્લા પ્‍લોટ માટે હાલનો દર પ્રતિ ચો.મી.ના રૂ.૧૪ વાર્ષિક છે, તેમાં વધારો કરી કમિશનરશ્રીએ રૂ.૨૮ સુચવેલ, પરંતુ સ્‍થાયી સમિતિએ હાલના દરમાં કોઇ વધારો ન કરતા રૂ.૧૪ યથાવત રાખેલ છે, તેમજ રહેણાંક માટેના ૫૦૦ચો.મીથી વધુ ક્ષેત્રફળના ખુલ્લા પ્‍લોટ માટે વાર્ષિક રૂ.૨૧ પ્રતિ.ચો.મી. છે, તેમા વધારો કરી કમિશનરશ્રીએ રૂ.૪૨ સુચવેલ તેના બદલે સ્‍થાયી સમિતિએ હાલના દરમાં નજીવો વધારો કરી રૂ.૨૮ કરેલ છે, જયારે વાણિજિયક હેતુ માટેના ખુલ્લા પ્‍લોટ માટે હાલનો વાર્ષિક દર રૂ.૨૮ પ્રતિ ચો.મી.ના છે, જેમાં વધારો કરી કમિશનરે રૂ.૫૬ કરવા સુચવેલ, પરંતુ કમિશનરે સુચવેલ દરમાં સ્‍થાયી સમિતિએ ઘટાડો કરી,  પ્રતિ ચો.મી.ના રૂ.૪૨ વાર્ષિક દર કરેલ છે.

મહાનગરપાલિકાની મિલકતવેરા તથા પાણી ચાર્જ પેટેની લેણી નિકળતી રકમ સહેલાઇથી મળી રહે તેમજ વધુમાં વધુ બાકીદાર મિલકતધારકો સમયાંતરે એડવાન્‍સમાં વેરો ભરવા પ્રોત્‍સાહિત થાય તે માટે મ્‍યુનિસિપલ કમિશનરે “One Time Installment scheme” સૂચવેલ છે. જે યોજના અંતર્ગત મિલકતધારકે પોતાની મિલકતના ચાલુ વર્ષના મિલકતવેરાની પૂરેપૂરી રકમ તથા અગાઉના વર્ષોની મિલકત વેરાની વ્‍યાજ સહિતની બાકી રકમના ૨૫% મુજબની કુલ રકમ ચાલુ વર્ષ તા.૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં ભરપાઈ કરે તો વેરાની બાકી રહેતી રકમના ૨૫% મુજબના એક સરખા ૩ હપ્તામાં દર વર્ષે ભરપાઈ કરવાનું અને એ મુજબ ૪ વર્ષ સુધી આ યોજના અમલી રહે તેમ કમિશનર દ્વારા સૂચવવામાં આવેલ.

કમિશનરની  દરખાસ્‍ત પરત્‍વે સ્‍થાયી સમિતિ દ્વારા ગહન અભ્‍યાસ કરી, અગાઉના વર્ષોની કોરોના વૈશ્વિક મહામારી તથા વૈશ્વિક મંદીને ધ્‍યાને રાખી તેમજ  મિલકતવેરાના બાકીદારો ચડત મિલકતવેરો તથા વ્‍યાજની રકમ એક સાથે ભરપાઈ કરવા સક્ષમ ન હોય તેઓને ધ્‍યાને રાખી, કમિશનરશ્રીએ સુચવેલ આ યોજનામાં સ્‍થાયી સમિતિએ રાહત આપેલ છે. જે મુજબ મિલકતધારકે પોતાની મિલકતના ચાલુ વર્ષના મિલકતવેરાની પૂરેપૂરી રકમ તથા અગાઉના વર્ષોની મિલકત વેરાની વ્‍યાજ સહિતની બાકી રકમના ૧૦% મુજબની કુલ રકમ  તા.૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં ભરપાઈ કરે તો વેરાની બાકી રહેતી રકમના બીજા વર્ષે ૧૫% મુજબ તેમજ ત્‍યારબાદના ૩ વર્ષોમાં પ્રત્‍યેક વર્ષે ૨૫% મુજબ, એમ મળી, કુલ ૫ વર્ષ સુધી આ યોજના અમલી રાખવાનું મંજુર કરેલ છે. આ ઉપરાંત થિએટર ટેક્ષના હાલના પ્રતિ શો ના દર રૂ.૧૦૦માં નજીવો વધારો કરી, પ્રતિ શો ના દર રૂ.૧૨૫ મંજુર કરવામાં આવેલ છે.

મ્‍યુનિસિપલ કમિશનરશ્રીએ આ બજેટમાં કુલ રૂ.૧૦૦.૩૬ કરોડના નવા કરવેરા સુચવેલ હતા. શહેરીજનો પર વધુ કરબોજ ન આવે સાથોસાથ શહેરના સમતોલ અને સર્વાંગી વિકાસ માટે પૂરતું ભંડોળ પણ મળી રહે તે હેતુથી ગહન ચર્ચાવિચારણા કરી, મર્યાદિત પ્રોજેક્‍ટ્‍સ સમાવિષ્ટ કરવાની સાથોસાથ પ્રગતિમાં રહેલ પ્રોજેક્‍ટ્‍સ સમયમર્યાદામાં પૂર્ણ થાય તેવા પ્રયાસો સાથે, કમિશનરશ્રીએ સુચવેલ નવા કરવેરામાં રૂ.૬૦.૩૯ કરોડનો ઘટાડો કરી, રૂ.૩૯.૯૭ કરોડના વધારા સાથેનું વાસ્‍તવદર્શી બજેટ રજુ કર્યું છે. કમિશનરશ્રી દ્વારા સૂચવવામાં આવેલા બજેટમાં સ્‍ટેન્‍ડિંગ કમિટીએ વિશેષ રૂ.૩૯.૨૫ કરોડની વિવિધ યોજનાઓ અને સુવિધાઓ ઉમેરી, લોકોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માટેના જરૂરી ફેરફારો સાથે આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪નું રૂ.૨૬૩૭.૮૦ કરોડનું બજેટ મંજુર કર્યું છે.

(3:37 pm IST)