Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

બાંધકામ સમિતિની એક જ મીટીંગમાં એક સરખા બે ઠરાવ બબ્બે વખત ઠપકાર્યા !

રાજકોટ જિલ્લા પંચાયતમાં અધિકારીઓ-પદાધિકારીઓનું લોલંલોલ ?: ઠરાવ નં.૧૭૮ અને ૧૯૦ અક્ષરશઃ સરખા, ઠરાવ નં.૧૮૭ અને ૧૮૯માં એક જ વાત

રાજકોટ તા.૯ : જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની ગઇ તા.૧૬મીએ મળેલ બેઠકમાં છબરડા થયાનું બહાર આવેલ છે. કાર્યવાહીની નોંધ જોતા એક જ મીટીંગમાં એક સરખા બે ઠરાવ બે વખત કરી નાખ્યાનુ જાણવા મળે છે. પદાધિકારીઓએ અને અધિકારીઓએ સમિતિની બેઠકની કાર્યવાહીની નોંધ વાંચ્યા વગર જ બહાર પાડી દીધી હોય તેવુ લાગે છે. અમુક ઠરાવમાં તારીખની જગ્યા ખાલી રાખવામાં આવી છે.

જાણવા મળ્યા મુજબ ઠરાવ નં.૧૭૮માં જિલ્લા પંચાયત કચેરીના નવીનીકરણ વખતના ખર્ચનો મુદો છે. ૪ ફકરામાં તેની માહિતી અપાયેલ છે. ફરી ૧૯૦ નંબરના ઠરાવમાં તે જ વિગત અક્ષરશઃ દર્શાવવામાં આવી છે. બંનેમાં સક્ષમ સમિતિ પાસેથી સુધારેલી વહીવટી મંજુરી લેવાનુ જણાવાયુ છે. ઠરાવ નં.૧૮૭માં માર્ગ-મકાન પંચાયત પેટા વિભાગની ગાડી જીજે-૩જી-૧૬૯૧ (કઇ ગાડી ?) બ્રેક ડિસ્ક પેડ સેટ સ્પેર પાર્ટસ બદલવાનો ખર્ચ મંજુર કરાયો છે. એ જ પાના પર ઠરાવ નં.૧૮૯માં એ જ ગાડી નંબર સાથે આ જ મુદો ફરી દર્શાવાયો છે. જેમાં ૧૮૭ નંબરના ઠરાવ કરતા થોડી વધુ માહિતી અપાયેલ છે. એક સરખા એકથી વધુ ઠરાવ ખરેખર છબરડો છે કે કોઇ હેતુ છે ? તેવો સવાલ ઉઠી રહ્યો છે.

સમિતિની બેઠકમાં અધ્યક્ષ વાલીબેન કાળુભાઇ તલવાડિયા તથા સભ્યો વિનુભાઇ ધડુક, સોનલબેન પરમાર, મગનભાઇ મેટાળિયા, નાથાભાઇ મકવાણા તથા અધિકારીઓ હાજર રહ્યા હતા.(૩-૧૭)

(4:53 pm IST)