Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

પાણી વેરા વધારો ફગાવવો પડયોઃ પ્રજાની જીતઃ હવે ઉનાળામાં શાસકોની અગ્નિ પરીક્ષાઃ કોંગ્રેસ

પાણી વેરો વધારવાને બદલે ઘટાડો કરવાનાં સુચનને પગલે વેરા વધારો ફગાવાયોઃ વસરામભાઇનો દાવો

રાજકોટ તા. ૯ :.. ભાજપના શાસકોએ પાણી વેરા વધારો ફગાવવાની ફરજ પડી છે. જેથી પ્રજાની અને વિપક્ષીનાં સુચનોની જીત થયાનો દાવો વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ કર્યો છે.

આ અંગે વિપક્ષી નેતા એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાનું નાણાંકીય વર્ષ સને ર૦૧૭-૧૮ નું રીવાઇઝડ અંદાજ પત્ર તેમજ નાણાંકીય વર્ષ સને ર૦૧૮-૧૯ નું વાર્ષિક અંદાજ પત્ર મંજૂર કરવા અંગે આજ રોજ સ્ટેન્ડીંગમાં આગામી વર્ષ ર૦૧૮-૧૯ માટે પાણી દરોમાં તોતીંગ બેવડો વધારો મ્યુનિસીપલ કમિશ્નરે સુચવેલ જેમાં સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં કોંગ્રેસના સભ્યો વિજય વાંક અને ઘનશ્યામસિંહ જાડેજાએ પાણી વેરામાં વધારાની જે દરખાસ્તનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને જે પાણી વેરો શાસકો ૮૪૦ ને બદલે રૂ. ૧૬૮૦ અને કોમર્શીયલ દરો જે રૂ. ૧૬૮૦ ને બદલે ૩૩૬૦ રૂ. કરવાની મુરાદ બહાર આવી નથી.  પાણી વેરાના હાલના જે દરો છે તે યથાવત રાખવાની શાસકોને ફરજ પડી છે.

પાણી વેરો વધારવાની કમીશ્નરની દરખાસ્તો સામે વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાએ જણાવેલ કે પાણી વેરો ડબલ શા માટે ? ખરેખર તો રાજકોટના જળાશયો મેઘરાજાની મહેરબાનીથી ઓવર ફલો થઇ છલકાયા હતા પાણી વેરામાં ખર્ચનો ઘટાડો થયો હોય તો પાણી વેરામાં પણ રૂ. ૮૪૦ ને બદલે ઘટાડો કરવા સુચન કરાયુ હતું. અને પાણી વેરામાં તોતીંગ વધારા સામે જનરલ બોર્ડમાં અને શેરી આંદોલનની ચિમકી અપાયેલ જેનાં પગલે પાણી વેરાથી કરોડો રૂ. પ્રજા પાસેથી ખંખેરવા માંગતા અધિકારી - પદાધિકારીને પીછેહઠ કરવી પડી છે. અને આખરે રાજકોટની જનતાનો વિજય થયો છે.

અંતમાં  શ્રી સાગઠીયાએ આક્ષેપ કર્યો છે કે કાર્પેટ એરીયા આધારીત વેરા પધ્ધતીમાં જે દરો નકકી કરવામાં આવ્યા છે તે જોતાં પ્રથમ દૃષ્ટીએ શાસકોના લાગતા -વળગતા લોકોને જ ફાયદો કરાવવાનો ઇરાદો હોય તેવું પ્રથમ દૃષ્ટીએ દેખાય છે જયારે મોટા ભાગના લોકોને આર્થિક મોટું નુકસાન થવાનું છે તે પ્રકારની આ કાર્પેટ એરીયા આધારીત વેરા પધ્ધતીના દરો નકકી થયા છે આ એક આંકડાની માયાજાળ રચાઇ રહી છે. તેવું પણ અમારું સ્પષ્ટ માનવું છે.

(4:49 pm IST)