Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

પ્રદ્યુમન પાર્ક ઝુમાં વધુ બે મહેમાનોનું આગમન : ચીંકારા હરણના બે બચ્‍ચાનો જન્‍મ

ઝુમાં ૫૯ પ્રજાતિઓના ૫૦૮ વન્‍ય પ્રાણી - પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત

રાજકોટ તા. ૮ : શહેરની ભાગોળે લાલપરી તળાવ વિસ્‍તારમાં આવેલ મનપા સંચાલીત પ્રદ્યુમન પાર્ક ઝુમાં ચીંકારાની બંને માદાઓ દ્વારા બચ્‍ચાને જન્‍મ આપતા બે બચ્‍ચાઓનો જન્‍મ થતા સહેલાણીઓને નવું નજરાણુ જોવા મળશે.
આ અંગે મેયર ડો.પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, મ્‍યુનિ.કમિશ્નર અમિત અરોરા, બાગ બગીચાના ચેરમેન અનિતાબેન ગોસ્‍વામીએ જણાવ્‍યું હતું કે, મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્‍ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્‍ડીયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્‍થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્‍યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૨૫ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્‍યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્‍ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે.
રાજકોટ ઝૂ ખાતે તા. ૧ એપ્રિલ ૨૦૧૭ રોજ ચીંકારા હરણ - ૩ (૦૧ નર તથા ૦૨ માદા) વન્‍યપ્રાણી વિનીમય અંતર્ગત સક્કરબાગ ઝૂ, જુનાગઢ ખાતેથી મેળવવામાં આવેલ. ચીંકારા હરણને અહીનું કુદરતી જંગલ સ્‍વરૂ૫નું વાતાવરણ અનુકૂળ આવી જતા ચાલુ વર્ષે ચીંકારાની બન્ને માદાઓ દ્વારા બચ્‍ચાને જન્‍મ આપતા કુલ ૦૨  બચ્‍ચાઓનો જન્‍મ થયેલ છે. હાલ આ બન્ને બચ્‍ચાં એક માસના થઇ ગયેલ છે અને બન્ને બચ્‍ચા તંદુરસ્‍ત હાલતમાં છે.
ᅠચીંકારા હરણની વિગત
સ્‍થાનિક નામ  ચીંકારા, છિંકારા છે.  ગુજરાતમાં ગિર, ગિરનાર, હિંગોળગઢ, કચ્‍છના નાના-મોટા રણ જોવા મળે છે. આ ઉપરાંત ભારતના ઘણા ભાગોમાં, બાંગ્‍લાદેશ, ઇરાન અને પાકિસ્‍તાનના અમુક ભાગમાં જોવા મળે છે. મુખ્‍યત્‍વે ખુલ્લા અને ઘાસીયા મેદાનો, ઓછી ઝાડીવાળા અને કાંટાળા વિસ્‍તાર વધુ પસંદ કરે છે. આ ઉપરાંત નદી-નાળા, ડુંગરાળ વિસ્‍તાર અને રણ વિસ્‍તારની ટેકરીઓમાં જોવા મળે છે. તૃણાહારી તેમજ ફળાહારી. મુખ્‍ય ખોરાક તરીકે ઘાસ, કુણા પાંદડા તેમજ ફળ ખાય છે.
ચીંકારા ફક્‍ત એવું હરણ છે કે જેમાં નર અને માદા બન્ને શીંગડા ધરાવે છે. સ્‍વભાવે શરમાળ હોઇ માનવ વસ્‍તી નજીક જતુ નથી. પીઠના ભાગે બદામી રંગ અને નીચે રાખોડી રંગનું હોય છે. માદા એક થી બે બચ્‍ચાંને જન્‍મ આપે છે. ચીંકારાનું આયુષ્‍ય ᅠ૧૫ થી ૨૦ વર્ષ જેટલુ હોય છે.
ᅠહાલ ઝૂ ખાતે જુદી જુદી ૫૯ પ્રજાતિઓનાં કુલ-૫૦૮ વન્‍યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્‍યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે.

 

(4:16 pm IST)