Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

જામનગર રોડ પર ‘હિટ એન્‍ડ રન': રિક્ષાચાલક ભરતભાઇ રાજાણીનું મોત

અજાણ્‍યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૮: શહેરના જામનગર રોડ પર હિટ એન્‍ડ રનના બનાવમાં અજાણ્‍યો વાહનચાલક રિક્ષાને ઠોકરે લઇ ભાગી જતાં રિક્ષાચાલક યુવાનનું મોત નિપજ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ જામનગર રોડ પર જલારામ હોટેલ પાછળ રહેતાં ભરતભાઇ મુલચંદભાઇ રાજાણી (લોહાણા) (ઉ.વ.૫૧) રાતે પોતાની રિક્ષા હંકારી અગિયારેક વાગ્‍યે ઘર તરફ જતાં હતાં ત્‍યારે જલારામ હોટેલ નજીક રિક્ષાને અજાણ્‍યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દેતાં સ્‍વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયાએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર ભરતભાઇ ચાર ભાઇ અને ચાર બહેનમાં ત્રીજા હતાં અને રિક્ષામાં મમરી, વેફરની ફેરી કરતાં હતા. પોલીસે  અકસ્‍માત સર્જી ભાગી ગયેલા વાહન અંગે તપાસ હાથ ધરી છે.

(12:05 pm IST)