Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો થતા લોકોમાં ચિંતા પ્રસરીઃ એક જ દિવસમાં પ૬ પોઝીટીવ કેસ ૩ બાળકો પણ ઝપટે ચડી ગયા

ડિસ્‍ચાર્જની સંખ્‍યા ઓછી હોવાથી લોકોમાં ચિંતા

રાજકોટઃ રાજકોટ શહેરમાં કોરોના કેસ એક સાથે પ૬ કેસો નોંધાતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે.

શનિવારે કોરોનાના 56 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં બે 9 વર્ષ અને એક 1 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. કેસની સંખ્યા વધારે રહેતા ક્યા વિસ્તારના કેસ છે તે જાહેર કરવાને બદલે હવે જે તે આરોગ્ય કેન્દ્ર મુજબ કેસની ફાળવણી કરાઈ છે. આ યાદી મુજબ વોર્ડ નં. 1માં આવેલા શ્યામનગર આરોગ્ય કેન્દ્ર હેઠળના વિસ્તારમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. નવા પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. તેની સામે ડિસ્ચાર્જની સંખ્યા હજુ ઓછી છે. શનિવારે ફક્ત 23 જ ડિસ્ચાર્જ કરાતા એક્ટિવ કેસનો આંક વધીને 368 થયો છે. જ્યારે કોરોનાના કુલ કેસ 64821 થયા છે.

રાજકોટ શહેરમાં કોરોના અને મચ્છરજન્ય રોગ બાદ હવે સ્વાઈન ફ્લૂએ પણ દેખા દીધી છે અને શહેરના આરોગ્ય પર હવે ત્રણ દિશામાંથી પ્રહાર થઈ રહ્યા છે. સ્વાઈન ફ્લૂના કેસ ત્રણ વર્ષે દેખાયા છે, પણ હાલ આ રોગ સરકાર દ્વારા નોટિફાય ન હોવાથી કોઇ વિગતો એકત્ર કરાઈ રહી નથી. તેમજ કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ નથી કરાતા. જ્યારે સ્થિતિ હાથમાંથી નીકળી જશે ત્યારે તંત્ર દોડતું થશે તે સૌથી મોટો પ્રશ્ન છે.

(2:48 pm IST)