Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

મેયર - ડે.મેયર - સ્ટે.ચેરમેન માટે ૪-૪ નામોની પેનલ મુકાશે

રાજકોટ સહિતના પદાધિકારીઓના નામો નક્કી કરવા ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડ શરૂ : રાજકોટનો વારો સાંજે ૭ વાગ્યે : બોર્ડમાં તમામ ૬૮ કોર્પોરેટરોની યાદી રજૂ કરાશે : મજબુત દાવેદારોની પેનલો માંગવામાં આવશે તો જ નામો મુકવા અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નક્કી કરે તે સર્વ માન્ય રાખવા શહેર ભાજપની લાગણી

રાજકોટ તા. પ : રાજયની છ મહાપાલિકાઓમાં ભાજપે સત્તા મેળવી લીધી છે. હવે આ મહાપાલિકાઓમાં રાા વર્ષ માટે મેયર સહિતનાં પદાધિકારીઓની નિમણૂંક માટે આજે સવારથી ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકનું આયોજન કરાયું છે.

આ અંગે સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ રાજયનાં અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, રાજકોટ, વગેરેમાં ભાજપે બહુમતી મેળવી હોઇ હવે મહાપાલિકાઓમાં મેયર, ડે. મેયર, સ્ટે. ચેરમેન, શાસક નેતા, દંડકની નિમણુંક માટે નામો નકકી કરવા આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં સતાવાર નિવાસ સ્થાને  ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક શરૂ થઇ હતી. જો કે રાજકોટના મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ ચેરમેનના સંભવિત નામો સાંજે ૭ વાગ્યે બોર્ડ સમક્ષ રજૂ થશે.

 ચૂંટાયેલા કોર્પોરેટરોમાંથી ર૦ર૧ થી ર૦ર૬ ની પાંચ વર્ષની ટર્મમાંથી પ્રથમ રાા વર્ષ માટે મેયર સહિતનાં પદાધિકારીઓની  વરણી માટે નામો નિશ્ચિત કરશે.

જાણવા મળ્યા મુજબ રાજકોટનો વારો સાંજે ૭ વાગ્યે આવશે. ત્યારે શહેર પ્રમુખ કમલેશમીરાણી ૬૮ કોર્પોરેટરોનાં નામો રજૂ કરશે. જેમાંથી મેયર, ડે.મેયર, સ્ટે. ચેરમેન, શાસક નેતા દંડકના નામો નિશ્ચિત થશે.

અત્રે નોંધનિય છે કે બોર્ડમાં સૌ પ્રથમ તમામ ભાજપના ચુંટાયેલા ૬૮ કોર્પોરેટરોના નામો રજુ કરી દેવાશે અને જો મજબુત દાવેદારોના નામોની પેનલો અલગ તારવીને રજુ કરવાનું કહેવાશે તો ૪-૪ નામોની પેનલો અપાશે.

પદાધિકારીઓની પેનલના સંભવિત નામો

મેયર : મેયર પદ માટે ડો. અલ્પેશ મોરજરીયા, પ્રદિપ ડવ, નરેન્દ્ર ડવ, બાબુભાઇ ઉધરેજીયા.

ડે.મેયર : ડે. મેયર પદ માટે નયનાબેન પેઢડિયા, ડો. દર્શનાબેન પંડયા, કંચનબેન સિધ્ધપુરા, ડો. દર્શિતા શાહ

સ્ટેન્ડીંગ ચેરમેન : મનીષ રાડિયા, દેવાંગ માંકડ, જયમીન ઠાકર, નેહલ શુકલ

આમ, ઉપર મુજબના સંભવિત દાવેદારોની પેનલો મુકવામાં આવે તેવી શકયતાઓ છે.

જો કે, શહેર ભાજપના હોદ્દેદારોની સર્વગ્રાહી લાગણી એવી છે કે છેલ્લે રાજકોટના ધારાસભ્ય અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જે નામો નક્કી કરે તે સર્વ માન્ય રહેશે અને તે નામો પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવે.

આ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ સહિત પ્રદેશ ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. ઉપરાંત રાજકોટનો વારો આવે ત્યારે શહેર પ્રમુખ કમલેશ મીરાણી, ધારાસભ્યો અરવિંદ રૈયાણી, ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શહેર મહામંત્રી જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઇ કુંડારિયા વગેરે ઉપસ્થિત રહેશે.

(5:03 pm IST)