Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

ગોંડલના પ્રવિણ જેસાણીનું બોટાદથી આંખે પાટા બાંધી કારમાં અપહરણ કરી બામણબોર લઇ આવી બંને પગ ભાંગી નાંખ્યા

નવી પીકઅપ ગાડી લીધી હોઇ તેની કમાન બનાવવા બોટાદ આવ્યો ત્યાંથી લાલ ગાડીમાં અપહરણ : મુળ બામણબોરના યુવાનને ત્રણ વર્ષ અગાઉ માથાકુટ થઇ હોઇ તેનું મનદુઃખ કારણભુતઃ બેફામ ફટકારી, ધમકી દઇ રોડ પર ફેંકી દીધોઃ જગા સુસરા, નાથા સુસરા અને બે અજાણ્યા શખ્સો સામે એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્યો : રાજકોટથી વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયો

રાજકોટ તા. ૮: ગોંડલ રહેતાં મુળ બામણબોર નવાપરાના યુવાન પ્રવિણ અમરશીભાઇ જેસાણી (ઉ.વ.૨૪)નું ગઇકાલે સવારે સાડા અગિયારેક વાગ્યે બોટાદ ખાતે પોતાની નવી પીકઅપ ગાડીની કમાનનું કામ કરવવા ગોંડલથી આવ્યો હોઇ અહિથી તેનું બામણબોરના ચાર શખ્સોએ લાલ રંગની કારમાં અપહરણ કરી આંખે પાટા બાંધી બામણબોર લાવી ગાળો દઇ લાકડી-પાઇપથી બેફામ માર મારી બંને પગ ભાંગી નાંખી ખૂનની ધમકી દઇ બાદમાં બામણબોર નવાપરાના પાટીયા પાસે ફેંકી દેતાં તેના પરિવારજનોને જાણ થતાં સારવાર માટે રાજકોટ ખસેડાતાં એરપોર્ટ પોલીસે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગંભીર ઇજા સાથે પ્રવિણ જેસાણીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરતાં પીએસઆઇ એચ. આર. હેરભા, એ. બી. મકવાણા, મુકેશભાઇ લોખિલ સહિતે પીઆઇ એમ. સી. વાળાની રાહબરીમાં રાજકોટ પહોંચી પ્રવિણની ફરિયાદ પરથી બામણબોરના જગા મુળજીભાઇ સુસરા, નાથા સુસરા અને બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૬૫, ૩૨૫, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨), ૪૨૭, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો દાખલ કર્યો હતો.

પ્રવિણ ગાડીનું ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. અગાઉ તે બામણબોર નવાપરામાં પરિવાર સાથે રહેતો હતો. પણ કેટલાક વર્ષથી તે તથા પરિવારજનો ગોંડલ સ્ટેશન પ્લોટ સોનલ બંગલા સામે રહે છે. ગઇકાલે પ્રવિણ પોતાની નવી પીકઅપ ગાડીમાં કમાનનું કામ કરવવા બોટાદ ગયો હતો. ત્યાંથી તેને જગા, નાથા સહિતના ચાર જણાએ અગાઉ થયેલા ઝઘડા-અદાવતને કારણે લાલ કલરની કારમાં બેસાડી અપહરણ કરી આંખે પાટા બાંધી બામણબોર લાવવામાં આવ્યો હતો. અહિ જીઆઇડીસી વિસ્તારમાં તેને બેફામ ગાળો ભાંડી, લાકડી અને પાઇપના ઘા ફટકારી બંને પગ ભાંગી નાંખ્યા હતાં.

એ પછી નવાપરા પાટીયા પાસે રોડ પર ફેંકી દેવાયો હતો. ગામલોકો પ્રવિણ મુળ બામણબોરનો જ વતની હોઇ ઓળખતા હોવાથી હોસ્પિટલે ખસેડવા તજવીજ કરી હતી અને  તેના પરિવારજનોને જાણ કરતાં તેઓ રાજકોટ હોસ્પિટલે દોડી આવ્યા હતાં. પીઆઇ એમ. સી. વાળા સહિતનો સ્ટાફ પણ રાજકોટ આવ્યો હતો અને ગુનો નોંધ્યો હતો.પ્રવિણના સગાના કહેવા મુજબ ત્રણેક વર્ષ પહેલા પ્રવિણ બામણબોર રહેતો હોઇ એ વખતે એક મહિલાને કારણે હોઇ તેના કારણે મનદુઃખ થયું હતું અને જે તે વખતે સમાધાન થઇ ગયું હતું. ત્યારબાદ તે ગોંડલ રહેવા જતો રહ્યો હતો. અગાઉના મનદુઃખનો ખાર રાખી તેનું અપહરણ કરી માર મરાયો હતો. આ ઉપરાંત તેનો વીવો કંપનીનો મોબાઇલ ફોન તોડી નાંખી ૨૩ હજારનું નુકસાન પણ કરવામાં આવ્યું હતું. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(3:21 pm IST)