Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

શ્રીમતિ અંજલીબેન રૂપાણી દૂર્ગા શકિત ભરોસા કેન્દ્ર અને સંભાળ યોજના ખુલ્લી મુકશે

મહિલાઓની જ્યાં વધુ ભીડ હશે તેવા સ્થળે ૧૬ દૂર્ગાશકિતની ટીમોની સતત નજરઃ ૩૦૦ સિનીયર સિટીઝન મહિલાઓની દેખરેખ પણ રાખશે

કાલે પોલીસ હેડકવાર્ટર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત ખાસ કાર્યક્રમઃ ચુંટાયેલા મહિલા કોર્પોરેટરોને ખાસ આમંત્રણ : આતંરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા પાઠવતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

રાજકોટ તા. ૮: આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે શહેરના તમામ મહિલાઓને ખાસ શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે શહેરમાં પોલીસની દૂર્ગા શકિતની ટીમ સતત મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત છે જ, પણ હવેથી જ્યાં જ્યાં મહિલાઓની ભીડ વધુ હોય છે એવી બજારો, મોલ સહિતના સ્થળોએ દૂર્ગા શકિતની ટીમો વધુ સતર્ક રહી નજર રાખશે. આવા ૧૬ સ્થળોએ દૂર્ગા શકિત ભરોસા કેન્દ્ર  શરૂ કરવામાં આવશે.

શનિ રવિ તેમજ અન્ય દિવસોમાં જ્યાં જ્યાં પણ મોટી બજારો ભરાય છે ત્યાં મહિલાઓ મોટી સંખ્યામાં આવતી હોય છે. આવા સ્થળોએ મહિલાઓની સલામતિ-સુરક્ષીતા જળવાઇ રહે તે માટે આવા સ્થળોએ દૂર્ગા શકિતની ટીમો દ્વારા ભરોસા કેન્દ્ર શરૂ થશે. જેમાં દૂર્ગા શકિતની ટીમો, તેમજ હેડકવાર્ટરની મહિલા પોલીસ કર્મચારીઓ અને ટીઆરબીની મહિલા પોલીસ કર્મચારીઓ હાજર રહી મહિલાઓને સુરક્ષા માટે સમજ આપી કાઉન્સેલીંગ કરશે અને તાલિમ આપશે.

આ ઉપરાંત શહેરમાં ૩૦૦ જેટલા સિનીયર સિટીઝન મહિલા એવા છે જેઓ એકલા રહે છે. તેમને દૂર્ગા શકિતની ટીમોએ શોધી લીધા છે. હવે પછી આ એકલા મહિલાઓની દેખરેખનું કામ પણ દૂર્ગા શકિતની ટીમો દ્વારા થશે. આ યોજનાને સંભાળ યોજના એવું નામ અપાયું છે. આવતી કાલે પોલીસ હેડકવાર્ટર ખાતે મહિલાઓનું સન્માન ઉપરાંત દૂર્ગા શકિત ભરોસા કેન્દ્ર  અને સંભાળ યોજનાનો પ્રારંભ શ્રીમતિ અંજલીબેન વિજયભાઇ રૂપાણી દ્વારા કરાવવામાં આવશે. આ કાર્યક્રમ આવતી કાલે મંગળવારે સવારે ૧૧ કલાકે થશે. નવા ચુંટાયેલા મહિલા કોર્પોરેટરોને પણ આ કાર્યક્રમમાં ખાસ આમંત્રણ અપાયું છે.

પોલીસની મહિલાઓને ખુબ ઉપયોગી એવી સુરક્ષીતા એપ વધુ ડાઉનલોડ થાય તે માટે પ્રયત્નશીલ રહેશે. વરિષ્ઠ મહિલા નાગરિકો કે જે શહેરમાં ૩૦૦ જેવી સંખ્યામાં છે તેમનું દૂર્ગા શકિત ટીમ હવેથી ધ્યાન રાખશે. અઠવાડીએ એક તેઓની વિઝીટ કરી તેમને કોઇ તકલીફ તો નથી ને? તે સહિતની વિગતો મેળવી તેમને સતત મદદરૂપ બનવામાં આવશે. તેમ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું.

(5:06 pm IST)