Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

બે વોર્ડની હદ નક્કી કરવા બબાલ

ગંદકીના પ્રશ્ને ઇજનેરોને બંદી બનાવતા કોંગી કોર્પોરેટરો

વોર્ડ નં. ૧ર-૧૩ની બોર્ડર પર આવેલા નવલનગરનાં ગંદકીના પ્રશ્ને અધિકારીઓ એક-બીજાને ખો આપતા હતાઃ આજે સવારે વિજય વાંક, જાગૃતીબેન ડાંગર, વિપક્ષ નેતા સહીતનાં કોંગી કોર્પોરેટરોએ ડે. ઇજનેરને મંદિરનાં કમ્પાઉન્ડમાં બંધી બનાવી દેતાં ચકચારઃ પ્રશ્ન ઉકેલવા ખાત્રી મળતા છોડી દેવાયા

 

વોર્ડ નં.૧ર અને ૧૩ ની બોર્ડરમાં આવેેલ નવલનગરના ગંદકી પ્રશ્નની ફેંકાફેંકી થતા આ બાબતે આજે સવારે કોંગી કોર્પોરેટરોએ ડે. ઇજનેર શ્રી વસાવાને મંદિરનાં કમ્પાઉન્ડમાં પુરી દીધા હતા. તે વખતની પ્રથમ તસ્વીરમાં ડે. ઇજનેરને ઉગ્ર રજુઆત કરી રહેલા કોર્પોરેટર વિજય વાંક દર્શાય છે. અન્ય તસ્વીરમાં ડે. ઇજનેર વસાવાને મંદિરના કમ્પાઉન્ડમાં પુરી દઇ દરવાજાને તાળુ લગાવી દેવાયું હતું તે દર્શાય છે.તેઓની સાથે કોર્પોરેટર નીતીન રામાણી, અગ્રણીઓ કનકસિંહ જાડેજા, પ્રભાતભાઇ ડાંગર દર્શાય છે. તથા વિજય વાંક તથા જાગૃતીબેન ડાંગર તાળુ લગાવી રહેલા દર્શાય છે. નીચેની તસ્વીરમાં વિપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયા ડે. ઇજનેરને કડક તાકીદ કરતા નજરે પડે  છે.  છેલ્લી તસ્વીરમાં સીટી ઇજનેર શ્રી કામલીયા તથા ભાવેશ જોષીએ તાબડતોબ ઘટના સ્થળે દોડી જઇને મામલો થાળે પાડી બંધક બનાવેલ ઇજનેરને છોડાવ્યા હતા તે દર્શાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૮ :.. શહેરનાં વોર્ડ નં. ૧ર અને ૧૩ ની બોર્ડર ઉપર આવેલ નવલનગર વિસ્તારમાં ગંદકીનાં પ્રશ્ને ત્રાહીમામ પોકારી ઉઠેલા. લતાવાસીઓને સાથે રાખીને આજે સવારે કોંગી કોર્પોરેટર  વિજય વાંક વગેરેએ જવાબદાર ડે. ઇજનેરને આ વિસ્તારમાં આવેલ મંદિરનાં કમ્પાઉન્ડમાં બંધી બનાવી દઇને પુરી દેતાં ચકચાર મચી જવા પામી હતી. જો કે બાદમાં આ પ્રશ્ન ઉકેલવા ખાત્રી અપાતાં ડે. ઇજનેરીને છૂટા કરાયા હતાં.

આ અંગે પ્રાપ્ત માહીતી મુજબ વોર્ડ નં. ૧ર અને ૧૩ ની બોર્ડ ઉપર નવલનગર શેરી નં. ૯ માં છેલ્લા ઘણા સમયથી સફાઇ થતી ન હતી. તેથી ગંદકીનાં ગંજ ખડકાયા હતાં.એટલુ જ નહી ભુગર્ભ ગટરો ઉભરાઇ રહી હતી. સ્ટ્રીટ લાઇટો પણ બંધ હતી. આમ આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ લગભગ છીનવાઇ ગઇ હતી. આ બાબતે તંત્ર વાહકોને ફરીયાદો કરવા છતાં સમસ્યાઓનો ઉકેલ આવતો ન હતો.

દરમિયાન વિસ્તારનાં રહેવાસી અને કોંગ્રેસનાં કોર્પોરેટર વિજય વાંકે જણાવ્યુ હતું કે વોર્ડ નં. ૧૩ અને વોર્ડ નં. ૧ર ની બોર્ડર ઉપર આવેલ આ વિસ્તારમાં ગંદકી સહિતની ફરીયાદોનો નિકાલ લાવવા ઇજનેરોને અવાર-નવાર રજૂઆતો  કરવા છતાં બન્ને વોર્ડનાં ઇજનેરો એક-બીજા ઉપર જવાબદારીની ફેંકા ફેંકી કરતાં હતો. આમ સમસ્યાનો ઉકેલ આવતો ન હતો અંતે આજે સવારે લતાવાસીઓને સાથે રાખીને જવાબદાર ઇજનેરને સ્થળ ઉપર બોલાવી મંદિરનાં કમ્પાઉન્ડમાં તેઓને રાખીને દરવાજા બંધ કરી દેવાયા હતાં.

કોંગી કોર્પોરેટરોનાં આ આશ્ચર્યજનક કાર્યક્રમથી ચકચાર મચી જવા પામી હતી. દરમિયાન સીટી ઇજનેર પણ ઘટનાં સ્થળે દોડી ગયા હતાં. અને પ્રશ્ન ઉકેલવાની ખાત્રી અપાતાં બંધક બનાવાયેલ ઇજનેરને છૂટ્ટા કરતાં મામલો થાળે પડયો હતો.

આ કાર્યક્રમમાં વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, જાગૃતિબેન ડાંગર, નિતીન રામાણી સહિતનાં કોર્પોરેટરો જોડાયા હતાં.

(3:55 pm IST)