Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

૮ વર્ષની પોૈત્રીના પોઝિટિવ વ્યવહારથી અમે ઝડપથી કોરોના નેગેટિવ થઇ ગયાઃ ધનજીભાઇ

દાદા-દાદી અને પોૈત્રી કોવિડ કેરમાં રહીને થઇ ગયા સાજા

રાજકોટ તા. ૭ : 'હું છે ને ત્યાં રમકડાંથી રમતી, દાદા-દાદી પાસેથી બાલગીત-બાળવાર્તા સાંભળતી, નર્સ દીદી જોડે વાતો કરતી, મારા મમ્મી-પપ્પા જોડે વીડિયોમાં વાત કરતી. મને બોવ મજા આવી. દાદાએ મારો રાસ લેતો વીડિયો પણ ઉતાર્યો...દાદી કેતા એમ હું બધું કરતી....' આ કાલી-ઘેલી વાતો છે કોરોનાને હરાવતી ૮ વર્ષીય દેવાંશી કાતરીયાની.

 

રાત્રીના બે-અઢી વાગ્યે મને, મારા પત્નિ મુકતાબેન અને ૮ વર્ષીય પૌત્રી દેવાંશીને શરદી, તાવ અને ઉધરસના લક્ષણો દેખાયા હતા. પૌત્રી નાની હોવાથી તેની ચિંતા થતાં અમે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ગયાં અને અમારા ત્રણેયનો એન્ટીજન ટેસ્ટ કરાવ્યો. ટેસ્ટ પોઝીટીવ આવતાંની સાથે જ બે દિવસ હોમ આઈસોલેશનમાં રહ્યા. પરંતુ તબિયત ન સુધરતાં કોવીડ કેર સેન્ટરમાં દાખલ થયાં. આરોગ્ય કર્મીઓની સારવાર અને પૌત્રીના પોઝીટીવ વ્યવહારે અમને ટુંક સમયમાં કોરોના નેગેટીવ કરી દીધા. અત્યારે એકદમ સ્વસ્થ છીએ, તેમ ધનજીભાઈ કાતરીયાએ જણાવ્યું હતું.

૮ વર્ષીય દેવાંશીએ દાદા-દાદીની આજ્ઞાનું પાલન કરી કોરોનાને મ્હાત આપી અને સાથોસાથ દાદા-દાદીની પરોક્ષરૂપે પ્રેરણા બનીને તેમને પણ ટુંક સમયમાં કોરોના નેગેટીવ બનાવ્યા.

(3:33 pm IST)