Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

મ. ન. પા. માં મેનપાવર કોન્ટ્રાકટરે તેનાં કર્મચારીઓની આડેધડ બદલીઓ કરતાં દેકારો

જન્મ-મૃત્યુ નોંધ, સિવીક સેન્ટર, પદાધિકરીઓનાં કોમ્પ્યુટર ઓપરેટરોની બદલીઓથી વહીવટ ઠપ્પઃ અનુભવીની જગ્યાએ શિખાઉને મૂકી દેવાતાં અધિકારીઓ નારાજ

રાજકોટ તા. ૭ :.. મહાનગર પાલિકામાં મેનપાવર કોન્ટ્રાકટરે તેની રીતે આડેધડ કોન્ટ્રાકટનાં કર્મચારીઓની આડેધડ બદલીઓ કરી નાખતાં સમગ્ર કચેરીમાં જબરો દેકારો બોલી ગયો છે. અને વહીવટી કાર્ય ઠપ્પ જેવુ થઇ જતાં અધિકારીઓમાં કચવાટ ફેલાયો છે.

આ અંગે મ. ન. પા.નાં અધિકારીઓમાં ઉઠવા પામેલી ફરીયાદ મુજબ મેનપાવર કોન્ટ્રાકટરે છેલ્લા અઠવાડીયાથી તેનાં કોન્ટ્રાકટ પર રહેલાં કર્મચારીઓની પોતાની રીતે આડેધડ બદલીઓ કરવામાં આવી રહી છે.

જેમાં જન્મ-મરણ નોંધ, સિવીક સેન્ટર, સેક્રેટરી વિભાગ, પદાધિકારીઓનાં કોમ્પ્યુટર ઓપરેટરો આરોગ્ય વિભાગનાં કોમ્પ્યુટર ઓપરેટરો વગેરે જેવી મહત્વની કામગીરી વર્ષોથી સંભાળતા અનુભવી કર્મચારીઓની અન્ય શાખામાં બદલી કરી તેના સ્થાને શિખાઉની નિમણુંક કરતાં, વહીવટી ભૂલો થઇ રહી છે. અને કામગીરી ઠપ્પ થઇ જતાં આ મુદ્ે શાખા અધિકારીઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.

અને સવાલો ઉઠાવી રહ્યા છે કે 'કોન્ટ્રાકટરે માત્ર કર્મચારી આપવાનાં હોય છે તેની બદલીઓ કરવાનો હકક તેમને છે કે કેમ?' અને હકક હોય તો અધિકારીઓ સાથે સંકલન કરીને પછી જ કોન્ટ્રાકટનાં કર્મચારીની બદલીઓ કરવી જોઇએ તેવી લાગણી વ્યકત કરી હતી.

(3:33 pm IST)