Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

૮૦ વર્ષના માલતીબેને કહ્યું-ડરો નહિ, ડોકટરના કહેવા મુજબ સારવાર લો...કોરોના હારશે જ

સમરસમાં સકારાત્મક વલણથી સાજા થયા મુળ જુનાગઢના માડી

રાજકોટ : 'કોરોનાથી સાજા થવાની પહેલી શરત એ છે કે તમારે માનસિક રીતે સ્વસ્થ રહેવાનું છે. બિલકુલ ડરો નહીં, ડોકટરના કહ્યા મુજબ સારવાર લો' આ શબ્દો છે ૮૦ વર્ષના વયોવૃદ્ઘ બ્લડપ્રેશરના દર્દી માલતીબેન ભટ્ટના, જેમણે મજબૂત મનોબળથી કોરોનાને હંફાવ્યો છે.

માલતીબેન મૂળ જૂનાગઢના વતની.., લોકડાઉનથી અનલોક સુધીમાં માલતીબેન ઘરની બહાર નીકળ્યા જ નહી, જેથી તેમને કોરોનાનો ચેપ ન લાગે પરંતુ થોડા દિવસ પહેલા અચાનક તેંમને તાવ, શરદી અને ઉધરસ જણાવા લાગ્યા, શરીરમાં કળતર અને અત્યંત પીડા થતા તેઓ તુરંત ખાનગી ડોકટર પાસે નિદાન અર્થે ગયા ત્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા સ્થાનિક ડોકટરની સલાહથી તેમના ભત્રીજા સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા અને ત્યાંથી તેમને સમરસ હોસ્ટેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા.

એ વિશે વાત કરતાં માલતીબેન જણાવે છે કે, 'મને બ્લડપ્રેશરની બીમારી તો વર્ષોથી છે, એટલે કોરોનાનો ચેપ લાગુ ન પડે તેનું મેં ખૂબ જ ધ્યાન રાખ્યું તેમ છતાં મને કોરોના થઈ ગયો, તેથી મને સમરસ હોસ્ટેલમાં દાખલ કરવામાં આવી ત્યાં બીજી તરફ બે ઉંમરલાયક બહેનો હતા. તે પણ કોરોનાથી ડરતાં હતા, ત્યારે મને લાગ્યું કે હું તેમને માનસિક સધિયારો પૂરો પાડું, સમરસ હોસ્ટેલમાં ડોકટરો દિવસમાં પાંચ પાંચ વાર આવતા એ વખતે તેઓ અમને બધાને મક્કમ મનોબળ પૂરું પાડતા ત્યારે હું વારંવાર બોલતી કે 'હું તો સાજી થઈ જ જઈશ', મારા આ સકારાત્મક વલણથી મારી સાથેના દર્દીઓ પણ પ્રેરિત થયા.

(3:32 pm IST)