Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

રાજકોટની મહત્વાકાંક્ષી યોજનાઓ કયારે પૂરી કરશો ? મુખ્યમંત્રીનું પૂછાણ

સ્માર્ટ સીટી, નવા ઓવરબ્રીજ, આવાસ યોજના, રિવર ફ્રન્ટ, નલ સે જલ યોજનાઓના પ્રોગ્રેસ રીપોર્ટ લઇ મેયર સહિત પાંચ પદાધિકારીઓ અને મ્યુ. કમિશનર ગાંધીનગર પહોંચ્યા

રાજકોટ તા. ૭ : આગામી દિવસોમાં મ.ન.પા.ની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટની મહત્વકાંક્ષી યોજનાઓ ઝડપભેર પૂર્ણ થાય તે માટે અંગત કવાયત શરૂ કરી છે. જેના ભાગરૂપે મેયર સહિતના પદાધિકારીઓ અને મ્યુ. કમિશનર શહેરની વિવિધ યોજનાઓના પ્રોગ્રેસ રીપોર્ટ લઇ અને આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સમક્ષ હાજર થયા હતા.

સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ આજે મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઇ મોલિયા, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદય કાનગડ, શાસક નેતા દલસુખ જાગાણી, દંડક અજય પરમાર, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી વગેરે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ માટે યોજેલી સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા હતા.

આ બેઠકમાં રાજકોટની રૈયા સ્માર્ટ સીટી યોજના, વિવિધ આવાસ યોજનાઓ, રૈયા રોડ અંડરબ્રીજ, નાનામૌવા ચોકડી, જડુસ ચોકડી, રામાપીર ચોકડી અને કાલાવાડ રોડ, કેકેવી ચોક, ડબલ ડેકર બ્રીજ આ ચારેય નવા બ્રીજ, હોસ્પિટલ ચોક, ત્રીમાર્ગીય ફલાય ઓવરબ્રીજ, આજી રિવર ફ્રન્ટ, નલ સે જલ યોજના વગેરે યોજનાઓ કયા પહોંચી છે ? કેટલું કામ થયું છે અને કયારે પૂર્ણ થશે, કયારે લોકાર્પણ થઇ શકશે વગેરેનો પ્રોગ્રેસ રિપોર્ટ મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કર્યો હતો. જેની મુખ્યમંત્રી વિજયભાઇએ સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી તેમજ સરકાર કક્ષાએ અટકતી કામગીરી ઝડપી પૂર્ણ કરવા સુચનાઓ આપી હતી.

(3:28 pm IST)