Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ફટાકડા વેંચવા માટે ફાયર એન.ઓ.સી.ની ૧૦૩ અરજીઓ પૈકી ર૬ મંજુર કરાઇ

આજી વસાહતમાં ફાયર એન.ઓ.સી. માટે ચેકીંગ-૩ કેમીકલ ગોડાઉનોને નોટીસ અપાશે

રાજકોટ, તા. ૭ : દિવાળીમાં તહેવારો નજીક છે ત્યારે ફટાકડા વેચવા માટે ફાયર બ્રીગેડનું એન.ઓ.સી. મેળવવા આજ સુધીમાં ૧૦૩ અરજીઓ આવી છે. તે પૈકી ર૬ ને મંજુર કરી એન.ઓ.સી. અપાયાનું સતાવાર જાહેર થયું છે.

આ અંગે સતાવાર પ્રાપ્ત વિગતો મુજબ  શહેરમાં ફટાકડાનૉ વેચાણ માટે ફાયર બ્રિગેડનું એનઓસી મેળવવુ ફરજીયાત છે.  ત્યારે આ વખતે ફાયર બ્રીગેડનું એઓસી મેળવવા આજ સુધીમાં  ૧૦૩ અરજીઓ આવી છે જેમાંથી ર૬ ને એન.ઓ.સી. અપાઇ ગયા છે. હજુ વધુ અરજી આવવાની શકયતા છે.

ગત વર્ષે ફાયર બ્રીગેડે કુલ ૧૧ર વેપારીઓને ફટાકડા વેચવા માટે એનઓસી આપ્યું હતું.

અત્રે નોંધનીય છે કે દર વર્ષે દિવાળી દરમિયાન ફાયર બ્રીગેડ દ્વારા સદર બજાર, પરાબજાર, કાલાવડ રોડ, કોઠારીયા રોડ, મવડી વગેરે સ્થળોએ હંગામી ફાયર સ્ટેશનો પણ ઉભા કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે ફટાકડા બજારમાં જ હાલ નિરૂત્સાહી વાતાવરણ જોવા મળી રહયું છે. 

આજી વાસાહતમાં ચેકીંગ

અમદાવાદની કેમીકલ ફેકટરીમાં મહાભયંકર આગ લાગતાં તેમાં ૧ર જેટલા લોકોનાં મોત થતાં રાજય સરકાર હચમચી ઉઠી છે અને આવી ઘટનાં ફરી ન બને તે માટે રાજયનાં દરેક શહેરોમાં કેમીકલ જેવા જવલશીલ પદાર્થોની ફેકટરીઓ, ગોડાઉનો વગેરેમાં ફાયર સેફટીનાં સાધનો બાબતે સર્વે કરવાં ફાયર બ્રિગેડને સુચનાઓ આપી છે. જે અંતર્ગત શહેરમાં આવેલા ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ફાયર બ્રિગેડ દ્વારા સર્વે અને ચેકીંગની કામગીરી શરૂ કરાઇ છે.

આ અંગે સતાવાર સુત્રોનાં જણાવ્યા મુજબ રાજય સરકારનાં આદેશો બાદ રાજકોટ ફાયર બ્રીગેડ દ્વારા આજી વસાહત, ભકિતનગર, કોઠારીયા, અટીકા વગેરે વિસ્તારોમાં જવલનશીલ પદાર્થોનાં કારખાનાઓ અને ગોડાઉનો બાબતે જે તે ઇન્ડસ્ટ્રીઝ ઝોનનાં એસોસીએશન પાસેથી માહીતી મેળવવાનું શરૂ કર્યું છે.

જે અંતર્ગત આજી વસાહતમાં પ૦૦ કારખાનામાંથી ૩ ગોડાઉનો જવલનશીલ કેમીકલનાં હોવાનું જણાતાં ત્યાં સ્થળ તપાસ કરવામાં આવેલ અને એન.ઓ.સી.અંતે નોટીસો આપવા તજવીજ હાથ ધરાઇ હતી.

જયારે ભકિતનગર વિસ્તારમાં ૧૮૦ કારખાનાઓ છે જેમાં કેમીકલનાં કોઇ કારખાના નહિં હોવાનું જણાયું હતું. જયારે અટીકા, કોઠારીયા વિસ્તારમાં હજુ સર્વે ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

(3:26 pm IST)