Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

કલેકટર ગાંધીનગરમાં : હિરાસર એરપોર્ટ માટેના ૩ કિમી લાંબા બે ઓવરબ્રીજ સહિતના પ્રશ્નો અંગે નિર્ણય

મુખ્યમંત્રીનું તેડૂ : વીજળી - પાણીની અડચણરૂપ લાઇનો અંગે જે તે સેક્રેટરીને પણ બોલાવ્યા

રાજકોટ તા. ૭ : રાજકોટ જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહનને હિરાસર અને એઇમ્સના નડતરરૂપ પ્રશ્નો તથા કામમાં ઢીલાશ સંદર્ભે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ બોલાવતા તેઓ આજે સવારે ગાંધીનગર ખાતે દોડી ગયા છે, અને બપોરે ૧૨ વાગ્યા બાદ મુખ્યમંત્રી સાથે મીટીંગમાં તમામ પ્રશ્નો અંગે નિર્ણય લેવાશે.

ખાસ કરીને હિરાસર પાસેના મેઇન નેશનલ હાઇવે ઉપર રોડની બંને બાજુએ ૩ કિમી લાંબા ઓવરબ્રીજ બનાવવા અંગે ગાંધીનગર ખાતે ૭ મહિના પહેલા દરખાસ્ત કરાઇ છે, જેને હજુ મંજુરી મળી નથી, આ ઉપરાંત હિરાસર એરપોર્ટમાં જ નડતરરૂપ હેવી વીજલાઇનો - પાણીની લાઇનો ખસેડાઇ નથી, આ ઉપરાંત અન્ય પ્રશ્નો પણ જટીલ બની ઉભા રહ્યા છે, આ તમામ પ્રશ્નો અંગે આજે નિર્ણય આવી જાય તેવી શકયતા છે, દરમિયાન આ મીટીંગમાં એરપોર્ટ ઓથોરીટી, વીજતંત્ર, પાણી પુરવઠા, આર એન્ડ બી વિગેરે તમામ ડીપાર્ટમેન્ટના સેક્રેટરીઓને પણ બોલાવાયા હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે.

(3:00 pm IST)