Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

મગફળીની ૩૫ ટકા ખરીદી પૂર્ણ

અત્યાર સુધીમાં ૧,૫૯,૬૩૩ ખેડૂતોને તેડાવાયા તેમાંથી માત્ર ૧૬,૫૭૬ ખેડૂતો આવ્યાઃ ૯૩૩ની મગફળી નામંજૂર : ૭૮૧ ખેડૂતોના ખાતામાં નાણા જમાઃ હવે તબક્કાવાર કેન્દ્રો બંધ કરાશે

રાજકોટ,તા.૭: ગુજરાતમાં મગફળી પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાવવા સરકારે નાગરિક પુરવઠા નિગમની વ્યવસ્થા હેઠળ ગઇ તા. ૨૬થી શરૂ કરેલ ખરીદી આગળ વધી રહી છે. આજે સવાર સુધીમાં નોંધાયેલ કુલ ખેડૂતો પૈકી ૩૫ ટકા જેટલા ખેડૂતોની મગફળી ખરીદવાની પ્રક્રિયા પુરી થઇ ગઇ છે.

આ વર્ષે ૪,૭૦,૩૭૮ ખેડૂતોની મગફળી વેચવા ઓનલાઇન અરજી કરેલ. આજે સવાર સુધીમાં ૧,૫૯,૬૩૩ ખેડૂતોને મગફળી વેચવા આવવા મેસેજ મોકલાયેલ. તે પૈકી ૧૬,૫૭૬ ખેડૂતો મગફળી લઇને આવતા તેમની મગફળી ખરીદવામાં આવી છે. ૯૩૩ ખેડૂતોની મગફળી નામંજૂર થઇ છે. રૂ. ૧૬૦૯૧.૭૩ લાખની મગફળી ખરીદવામાં આવી છે. ૧૦,૨૯,૮૩૦ કોથળા ભરવામાં આવ્યા છે. ૭૮૧ ખેડૂતોના ખાતામાં નાણા જમા થઇ ગયા છે. ૧૩૨ કેન્દ્રો પર ખરીદી ચાલી રહી છે. જેમ ખરીદી પુરી થતી જશે તેમ કેન્દ્રો બંધ કરવામાં આવશે. ગયા વર્ષે નોંધાયેલા ખેડૂતો પૈકી બાવન ટકા (૨,૪૪,૫૫૯) ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચેલ. આ વખતે ખુલ્લા બજારમાં સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવામાં બહુ ઓછો રસ લઇ રહ્યા છે.

(2:59 pm IST)