Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

રૈયાધારમાં સગર્ભા ભાનુબેનનો ગળાફાંસો ખાઇ આપઘાત

આર.ટી.ઓ પાછળ હુડકો કવાર્ટરમાં તારાબેન જોશીએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ

રાજકોટ, તા.૭: શહેરના રૈયાધાર સ્લમ કવાર્ટરમાં સગર્ભા મહિલાએ પોતાના ઘરે ગળા ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતા ભાનુબેન રાજુભાઇ બોળીયા (ઉ.વ.૨૫) એ પોતાના ઘરે દોરડુ પંખા સાથે બાંધી ગળા ફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો જોઇ જતા તાકીદે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.

મૃતક ભાનુબેનના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેને ત્રણ માસનો ગર્ભ હતો. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એચ.જે.બરવાડીયા તથા રાઇટર લક્ષ્મણભાઇએ સ્થળ પર પહોંચી મહિલાએ કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

જયારે બીજા બનાવમાં માર્કેટ યાર્ડ નજીક આર.ટી.ઓ કચેરી પાછળ આવેલા હુડકો કવાર્ટર નં.એલ ૧/૭૫માં રહેતા તારાબેન હીતેશભાઇ જોશી (ઉ.વ.૩૮)એ પોતાના ઘરે ઉપરના માળે ગળા ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરિવારજનો જોઇ જતા તાકીદે જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી કોમલબેન જલુએ તપાસ કરતા તેનું મોત નિપજયુ હોવાનુ જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ વિક્રમસિંહ સોલંકી તથા રાઇટર કિશનભાઇએ તપાસ હાથ ધરી હતી. મૃતક તારાબેનને સંતાન ન હોઇ તેની દવા ચાલુ હતી. આ ઉપરાંત  તેને થાઇરોડ, ન્યુમોનીયાની દવા પણ ચાલુ હતી. અને તેઓ જમી પણ શકતા નહી તેથી કંટાળી જઇ તેણે આ પગલુ ભર્યુ હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યુ છે.

(2:49 pm IST)