Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

પંચનાથ રોડ પર હરિહર ચોક નજીક સાત હનુમાન મંદિરમાં ચોરના પગલા

દાઢી-મુછવાળા બે જણા મધરાતે રિક્ષામાં આવ્યા, એક લંગડી કરતો'તો..મંદિરમાં ઘુસ્યા અને નિરાંતે ચોરી કરી જતાં રહ્યા

દાનપેટીવાળી જાળી નહિ તૂટે તેમ જણાતાં રૂમમાંથી શ્રીફળ છોલવાનો દસ્તો, ત્રણ ડોલ, જગ બઠ્ઠાવી ગયાઃ ફૂટેજને આધારે તપાસ

રાજકોટ તા. ૬: ગુરૂ-શુક્રવારની રાત, સમય રાતના અઢી વાગ્યાનો...જગ્યા-પંચનાથ મંદિરથી હરિહર ચોક તરફ જતાં રસ્તા પર આવેલું શ્રી સાતહનુમાનજી દાદાનું મંદિર...એક રિક્ષા આવે છે, બે શખ્સ ઉતરે છે. બંનેએ દાઢી-મુંછ રાખ્યા છે...એક શખ્સ લંગડી કરતો કરતો આવે છે. બીજો મોઢામાં સિગારેટ કે કંઇક ભરાવીને આવે છે. બંને મંદિરની નાનકડી સામાનની રૂમનું તાળુ તોડે છે અને અંદરથી ત્રણ પાણીના જગ, શ્રીફળ છોલવાનો દસ્તો, બરણી, ડોલ સહિતની ચીજવસ્તુઓ ચોરીને નિરાંતે પાછા રિક્ષામાં બેસીને હરિહર ચોક તરફથી નીકળી જાય છે...આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. ચોરીના બનાવ અંગે મંદિરમાં પંદર વર્ષથી પુજા કરતાં બજરંગવાડીના ગોૈતમગીરી બળવંતગીરી ગોસ્વામીએ એ-ડિવીઝન પોલીસમાં લેખિત અરજી કરી જાણ કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે. પૂજારીના કહેવા મુજબ મુખ્ય મંદિરની જાળી-તાળુ તૂટે તેમ નહિ લાગતાં રૂમનું તાળુ તોડ્યું હતું. પણ અંદરથી વધુ કંઇ ન મળતાં જે હાથ આવ્યું એ લઇને બંને નીકળી ગયા હતાં. તસ્વીરમાં મંદિર અને સીસીટીવી ફૂટેજના દ્રશ્યોમાં બંને શખ્સ જોઇ શકાય છે. રાત્રે પણ ધમધમતા રહેતાં આ રોડ પર તસ્કરોની આવી હિમતથી મંદિરે નિયમિત દર્શનાર્થે આવતાં લોકોમાં રોષ ફેલાઇ ગયો છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(2:42 pm IST)