Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

લોહાણા મહાપરિષદનાં વિવાદાસ્પદ પ્રકરણનો અંત આવે તે માટે શિક્ષિત યુવાનો અને મહિલાઓને નેતૃત્વ આપો : હિરેન કોટક

તંત્રીશ્રી;

શ્રી લોહાણા માહપરિષદના પ્રમુખ પદેથી શ્રી પ્રવીણ કોટકે રાજીનામુ આપ્યુ અને અને એક વિવાદાસ્પદ પ્રકરણનો અંત આવ્યો છે. ગુજરાત અને વિશ્વભરમાં ફેલાયેલા શ્રી લોહાણા સમાજ સહીત અનેક વૈશ્વિક સમુદાયોના આરાધ્યદેવ એવા સંત શિરોમણી પરમ વંદનિય શ્રી જલારામ બાપાના આદર્શો તેમજ સેવા કાર્યોને વરેલા ઠક્કર સમાજની શિરમોર સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ અનેક વર્ષોથી સમાજ સેવાના પ્રકલ્પો ચાલવી રહેલ છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી એટલે કે શ્રી પ્રવીણ કોટકે સમાજનું સુકાન સંભાળ્યુ છે ત્યારથી વિવિધ મુદ્દે વિવાદોએ ખુબ જ જોર પકડ્યું છે. મહાજન દ્વારા સમાજના આર્થિક રીતે નબળા પરીવારો માટે જે પ્રકારે કોઇ જ ભેદભાવ રહીત કામગીરી થવી જોઇએ એ એક વાસ્તવિકતા છે. જોકે શ્રી લોહાણા મહાપરિષદનાં આ જ કાર્યકાળ દરમિયાન સમાજના શ્રેષ્ઠિઓ માટે મહારષ્ટ્રના ગોંદિયા ખાતે યોજાયેલ એવોર્ડ સેરેમનીમાં ઘણા યુવાનોને બિરદાવાયા અને કોરોના કાળમાં શ્રેષ્ઠ કામગીરી કરનારને ઝુમ સેરેમનીમાં સર્ટિફિકેટો અપાયા હતા; પરંતુ ખુદ મહાજન પ્રમુખશ્રી દ્વારા પણ એ જ પ્રકારે કોરોના કાળ દરમિયાન ખરા સમાજ ઉપયોગી કાર્યો થયા હોત તો તેમની ઇમેજને થયેલ નુકશાન નિવારી શકાયુ હોત.

શ્રી લોહાણા મહાજનની શ્રી પ્રવીણ કોટક સંચાલીત બોડીમાં વર્તમાન સભ્યોનું પુરાવર્તન ન કરતા માત્ર અને માત્ર સેવા અને સમાજ ઉપયોગી કાર્યો કરનાર મહિલાઓ અને યુવાનોને યથાયોગ્ય સ્થાન અપાય એ સમયની માંગ છે; જેથી મહાપરિષદને એક એવા પ્રમુખ મળે જે મહાપરિષદની રચનાનાં મુખ્ય ઉદેશ્ય અને પુજય જલારામબાપાના આદર્શો ને આગળ વધારે. આ તકે ખાસ ઉલ્લેખનિય છે કે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ લોહાણા મહાજન દ્વારા જે રીતે મહાજનવાડીઓનું આધુનિકીકરણ, પરિચય મેળાઓ તેમજ સમાજ ઉપયોગી કાર્યોના પ્રકલ્પો થયા છે તે સાચા અર્થમાં એક કિર્તિમાન છે. આમેય સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટમાં લોહાણા બંધુઓની અઢી લાખથી ઉપરની વસ્તી છે; જેમાં વર્તમાન કાળના નેત્રુત્વ દ્વારા જે રીતે આગળ વધીને નિસ્વાર્થ સેવા કાર્યો થયા છે તે કાબિલેદાદ છે. શ્રી જયંતીભાઇ કુંડલિયા બાદ માત્ર વર્તમાન રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ જ એક એવા મહાજન પ્રમુખ છે કે જે સેવાની ભાવનાને અંતૅંકરણથી વરેલા છે. જોકે શ્રી પ્રવીણ કોટકના કાળને પણ જો કોઇ સિધ્ધીઓ માટે યાદ કરવો હોય તો પડદા પાછળ કોણે ખરી કામગીરીઓ કરેલ તે પણ સ્પષ્ટરૂપથી જોઇ શકાય છે.

આ ઉપરાંત શુન્ય મહત્વકાંક્ષા ધરાવતા, અંગત સ્વાર્થ વિહિન તેમજ શિક્ષિત અને મહાજનના વિવિધ હોદ્દાઓ ઉપર રહીને બહોળો અનુભવ ધરાવતો ચહેરો પણ અપગ્રેડ થઇને શ્રી લોહાણા મહાપરિષદનું પ્રમુખ પદ ખરા અર્થમાં શોભાવી શકે તેમ છે. સમાજના દરેક વર્ગને સાથે લઇને ચાલી શકે તેવા યુવાન અથવા મહિલાને પ્રતિનિધીત્વ આપવામાં આવે તો ભુતકાળમાં થયેલ જુથબંધી સંબધી ભુલોને ચોક્ક્સપણે નીવારી શકાશે. આમેય કોરોના કાળ બાદ સમાજ ઉપર આવી પડેલ આર્થિક, સામજીક તેમજ શૈક્ષણિક પડકારોને પહોંચી વળવા માટે એક એવા નેત્રુત્વની જરૂર છે કે જે સેવાકિય માપદંડને લક્ષ્યમાં રાખીને પસંદ કરાય નહી કે આર્થિક સક્ષમતાને લઇને! આર્થિક સધ્ધરતા પણ અગત્યની છે, પરંતુ આર્થિક રીતે સધ્ધર એવા સમાજ શ્રેષ્ઠિઓને અનુદાન આપવા માટે પ્રેરીત કરી શકે તેટલા પર્યાપ્ત સંપર્કો ધરાવતા હોય અને સાથે સાથે મહાપરિષદના કાર્યો માટે પોતાનો અંગત ખર્ચ ઉઠાવી શકે તેટલી આર્થિક સધ્ધરતા ધરાવતા વ્યકિત જ યોગ્ય અનુગામી પ્રમુખ પદ ઉપર આવે તો મહાપરિષદનું સ્વરૂપ વિવાદાસ્પદમાંથી આશાસ્પદ બની શકે તે બાબત નિર્વિવાદ છે.

આ તકે એ કહેવું પણ જરૂરી છે કે વર્તમાન નેત્રુત્વ કોરોના કાળમાં સમાજની વહારે આવવામાં સરેઆમ નિષ્ફળ ગયું છે. લોકડાઉન દરમિયાન લોહાણા સમાજના મધ્યમ વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગના અનેક પરીવારોએ રોજગાર સહિતની અનેક સમસ્યાઓનો કારમો સામનો કર્યો છે બલ્કે હજુ પણ એવી તો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેવા સમયે શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખની પસંદગી આર્થિક સધ્ધરતાને બદલે સંવેદાત્મક ધોરણે થાય એ પણ એટલું જ જરૂરી છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે સંત શિરોમણી પરમ વંદનિય શ્રી જલારામબાપાએ આર્થિક રીતે સધ્ધર ન હોવા છતાં માનવીય સંવેદનાઓની ચરમસીમાને લઇને જ શરૂ કરેલ સેવાપ્રકલ્પોની જયોત સમગ્ર વિશ્વમાં પ્રજવલ્લિત છે. શ્રી વિરપુર ધામ આજે વિશ્વફલક ઉપર મોખરાનું સ્થાન ધરાવે છે કેમકે પુજય જલારામબાપા દ્વારા શરૂ કરાયેલ અન્નક્ષેત્ર આજે પણ પ્રત્યક્ષ કે પરોક્ષ કોઇ જ પ્રકારના આર્થિક અનુદાન લીધા વિના પણ હજારો લોકોને રામરોટીનાં પ્રસાદ વહેંચી રહ્યુ છે. જે લોકોએ પણ એ મહાપ્રસાદનું આચમન કર્યું હશે તેમને જરૂર અનુભવ થયો હશે કે એ પ્રસાદમાં જે સ્વાદ અને સંતોષ પ્રાપ્ત થાય છે તે ફાઇવસ્ટાર હોટલના વૈભવી ખાણામાં પણ નથી આવતો; સેવાની સંવેદાત્મક અસરનો આ જ ખરો માપદંડ છે. કોઇપણ સમાજના જે જે મહામાનવો આજે પુજનીય છે એ બધા જ મુડીવાદીઓ નહોંતા; પુજય જલારામ બાપા, છત્રપતી શિવાજી મહારાજ કે પછી મહારાણા પ્રતાપ હોય એ બધાએ સમાજ અને રાષ્ટ્રને સ્વાર્થ વિહિન અને સંવેદનાયુકત નેત્રુત્વ આપ્યુ માટે જ તેઓ પુજનીય બન્યા હતા. આથી જ લોહાણા સમાજ માટે નવા માહપરિષદ પ્રમુખની વરણી આ બધા સમાજઉપયોગી ધોરણોને ધ્યાને રાખીને કરાશે તો જ રઘુવંશીઓની ખરી સેવા થશે અને ડીએનએમાં જ સેવાભાવ ધરાવતા ઠક્કરોને યોગ્ય નેર્તુત્વ પ્રાપ્ત થશે; એવુ મારૂ સ્પષ્ટતા અને દ્રઢતાપુર્વક માનવું છે. અંત માં સૌ વાંચકોને મારા અંતૅંકરણપુર્વકનાં જય જય જલારામ સહ વંદન.

જય જલારામ

- લેખકઃ હિરેન કોટક

પ્રખ્યાત રાજકિય અને રક્ષા વિશ્લેશક

મો.૯પ૩૭૪ ૦૦૦૦૦

(12:40 pm IST)