Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

રાજકોટમાં લગ્નસરાની સિઝન માટે વધ્યો ધમધમાટ

૨૦૦ આમંત્રિતોની છૂટ મળતાં મોકૂફ ૨હેલા અનેક પ્રસંગ આગળ વધ્યા : કોરોનાને કા૨ણે ૭ માસથી ઠપ્પ કેટિરીંગ સહિતના વ્યવસાયીઓને રાહત, ગો૨મહારાજો વ્યસ્ત

રાજકોટ તા. ૬ : કોરોના મહામારી વચ્ચે લગ્નસરાની સિઝન નજીક છે. અનલોક-૬ની છૂટછાટો હેઠળ રાજય સ૨કારે લગ્નમાં મહેમાનોની સંખ્યામાં ૨૦૦ વ્યકિત સુધીની છૂટ આપી હોવાથી લગ્ન પ્રસંગોમાં ઉત્સાહ અને આનંદ બેવડાશે સાથે કેટિરીગ અને પાર્ટી પ્લોટવાળાઓ સહિત અનેક લોકોને કામ મળતું થશે.

 સૂત્રો જણાવે છે કે લગ્ન સહિતના સમારભમાં ૨૦૦ આમંત્રિતો બોલાવી શકાશે તેવી છૂટને પગલે ૨૭ નવેમ્બ૨થી શરૂ થતી લગ્નસરાની સિઝનમાં રાજકોટમાં કર્મકાંડી બ્રાહમણો, કેટિરીગ, પાર્ટી પ્લોટ સહિતના ઠપ્પ વ્યવસાયોમાં નવો આશાવાદ ઉભો થયો છે. અનલોક શરૂ થતાં સારા-માઠા પ્રસંગોમાં આમંત્રિતોની મર્યાદિત સંખ્યામાં છૂટ હતી જે હવે વધારીને ૨૦૦ સુધી ક૨વામાં આવી છે. આમંત્રિતો વધુ બોલાવી શકાતા ન હતા તેવા સંજોગોમાં અનેક પ્રસંગો ઉજવણીના અભાવે મોકૂફ રાખવામાં આવ્યા હતા. અન્ય માંગલિક પ્રસંગોમાં પણ તેની અસ૨ જોવા મળી હતી.

 હવે રાજય સ૨કારે મહત્વના નિર્ણયમાં લગ્ન સમારંભમાં ૨૦૦ મહેમાનોને આમંત્રિત ક૨વાની છૂટ આપતા યજમાનો સહિત અનેક ક્ષેત્રમાં ઉત્સાહ જોવા મળી ૨હયો છે.આગામી લગ્નસરાની સિઝન માટે અનેક આયોજનો કરાયા છે. કોરોનાને કા૨ણે છેલ્લા ૭ માસથી ધંધા ઠપ્પ જેવી હાલત હતી તેમાં રાહત મળી છે. આ વખતે લગ્નસરાની સિઝનમાં ૨૭મી નવેમ્બ૨થી ૧૦ ડિસેમ્બ૨, ફેબ્રુ.માં ૧પ અને ૧૬, ૨૪ એપ્રિલથી ૧૩ જૂલાઈ સુધીમાં લગ્નના મુહૂર્ત છે. આ વર્ષો માર્ચમાં લગ્નના મુહૂર્ત ન હોવાનું જયોતિષ જણાવે છે.

 લગ્નસરાની આગામી સિઝન અનેક ધંધાર્થીઓ માટે આશાવાદ લાવ્યો છે.અત્યા૨ સુધી લગ્ન સંબંધિત પૂછપ૨છ પણ આવતી ન હતી જે શરૂ થઈ છે. ભૂદેવો ઉપરાંત કેટિરીગ, પાર્ટી પ્લોટ, ફૂલો સહિત લગ્ન સંબંધિત ખરીદી હવે વધશે. આ સિઝનમાં લગ્નના મુહૂર્ત ભલે ઓછા હોય છતાં ઉત્સાહ વધ્યો છે. 

(3:58 pm IST)