Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

રવિવારે રાજકોટમાં સફેદ ડ્રેસકોડ સાથે વાલ્‍મીકી રથયાત્રા

આદિ ઋષી વાલ્‍મીકીજીની જયંતિ પ્રસંગે વાલ્‍મીકી સમાજની એકતા અને શકિતનું ભવ્‍ય પ્રદર્શન : વાલ્‍મીકીજીની ૮ ફુટ ઉંચી પ્રતિમા સાથેનો મુખ્‍ય રથ રહેશે, સંતો-મહંતોની વિશેષ ઉપસ્‍થિતિઃ રેલીનો શારદાબાગ ખાતેથી પ્રારંભ, જયુબેલી બાગે સમાપનઃ સન્‍માન સમારોહ સાથે દેશભકિતને લગતા સાંસ્‍કૃતિક કાર્યક્રમો

રાજકોટઃ આગામી તા.૯ના રવિવારે આદિ ઋષી વાલ્‍મીકીજીની જયંતિ પ્રસંગે ગુજરાતમાંથી સૌપ્રથવાર રાજકોટમાં વાલ્‍મીકી રથયાત્રાનું આયોજન વાલ્‍મીકી રથયાત્રા સમિતિ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે.
મહર્ષિ વાલ્‍મીકીજીની ૮ ફુટ ઉંચી પ્રતિમા સાથેનો મુખ્‍ય રથ રહેશે. જેની પાછળ વાલ્‍મીકી સમાજના પ.પૂ.ધર્મગુરૂ, સંતો મહંતોના રથ તેમજ તેની પાછળ અલગ-અલગ વિસ્‍તારમાંથી આવેલા ધાર્મિક, શૈક્ષણિક તેમજ દેશભકિતને લગતા ૧૦થી ૧૨ ફલોટ જોડાશે. માર્ગો ઉપર સામાજીક સંસ્‍થાઓ દ્વારા ઠંડા-પીણા, છાશનું વિતરણ કરવામાં આવશે.
૧૦૦ જેટલા રથયાત્રાને લગતા બેનરો વાલ્‍મીકી વિસ્‍તારો તેમજ સફાઇ કામદારની વોર્ડ ઓફિસ શહેરના મુખ્‍ય માર્ગો પર લગાવવામાં આવેલ હોવાનું આગેવાનોઓ જણાવેલ પાંચ હજાર જેટલા રથયાત્રાને લગતા સ્‍ટીકર તેમજ પાંચ હજાર જેટલી પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ છે.
૯મીના રવિવારે સાંજે ૫ વાગે રેલી શારદાબાગ ખાતે શરૂ થઇ ડો.બાબા સાહેબની પ્રતિમાં હોસ્‍પિટલચોક ખાતે પુષ્‍પાંજલી અર્પણ કરી જયુબેલી બાગ ખાતે ગાંધીજીની પ્રતિમાનું પુષ્‍પાંજલી અર્પણ કરી સમાપન કરવામાં આવશે.
રેલીમાં આશરે પાંચ હજાર જેટલા વાલ્‍મીકી સમાજના ભાઇઓ-બહેનો, વડીલો, યુવાનો, સફેદ ડ્રેસકોડમાં જોડાશે. જય વાલ્‍મીકી લખેલા કેશરી કલરના ખેસ રથયાત્રામાં જોડાનારને વિતરણ કરવામાં આવશે.
આ ઉપરાંત શારદાબાગ ખાતે સન્‍માન સમારોહમાં દેશભકિતને લગતા સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્‍યમંત્રી શ્રીવિજયભાઇ રૂપાણી, પૂર્વ ગર્વનર વજુભાઇ વાળા, મેયર શ્રીપ્રદિપભાઇ ડવ, શહેર ભા.જ.પ. પ્રમુખ કમલેશભાઇ મીરાણી સહિત ધારાસભ્‍ય, સાંસદ સભ્‍ય, તેમજ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ કલેકટરશ્રી રાજકોટ, તેમજ પોલીસ કમિશ્નરશ્રી રાજકોટ, વાલ્‍મીકી સમાજના ધર્મગુરૂ, પંચ પટેલશ્રી રામાપીર સમિતિ સહિતના સામાજીક તેમજ ધાર્મિક સંગઠનો જોડાશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા વાલ્‍મીકી રથયાત્રા સમિતિ રાજકોટની ટીમ જહેમત ઉઠાવી રહી છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:26 pm IST)