Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

રવિવારે પૈગમ્‍બર જયંતિ : સર્વત્ર નિકળનારા જુલૂસ : કાલે પવિત્ર રાત્રિ

મસ્‍જીદ - મદ્રેસા - મજારોને શણગાર : સર્વત્ર લ્‍હેરાતા ઝંડા : મુસ્‍લિમ વિસ્‍તારોમાં ઘરે ઘરે રોશની : ૨૦૨૦માં જુલૂસો મોકૂફ રહેલ અને ૨૦૨૧માં સાદગી છવાઇ જતા મહામારીકાળ બાદ બે વર્ષ પછી ઉજવાનારી ‘ઇદે મીલાદ' પણ રવિવારે : ૨૦૧૯માં પણ ઇદે મીલાદ રવિવારે ઉજવાઇ હતી : ૧૨ દિ'થી લતેલતે ચાલી રહેલા વાઅઝ : નિયાઝ, મીઠાઇ, ખાદ્ય સામગ્રીનું વિતરણ

કાલે શનિવારે મોટી રાત બાદ રવિવારે પરોઢિયે મીલાદ શરીફ બાદ તમામ મસ્‍જીદો ૫.૩૦ વાગ્‍યે ‘સલામી'થી ગૂંજી ઉઠશે

રાજકોટ તા. ૭ : આગામી રવિવારના રોજ પૈગમ્‍બર સાહેબનો જન્‍મોત્‍સવ ભવ્‍યતાથી ઉજવવામાં આવનાર છે. જો કે છેલ્લા બે વર્ષ થયા મહામારીના લીધે ર૦ર૦ માં જુલુસ નિકળેલ નહીં અને ર૦ર૧ માં લતાવાઇઝ જૂલૂસો યોજાયા હતા જેના લીધે આ વખતે કોઇ ગાઇડ લાઇન ન હોય સર્વત્ર રવિવારે જુલૂસો નિકળનાર હોવાનું જાણવા મળે છે. બીજી તરફ આ વખતે ઇદે મીલાદ રવિવારે ઉજવવામાં આવનાર હોય રજાના દિવસના લીધે બમણો ઉત્‍સાહ પ્રવર્તે છે.

જો કે ર૦૧૯ માં પણ ઇદે મીલાદ રવિવારે ઉજવાઇ હતી તે પછી ર૦ર૦ માં જુલુસ જ નિકળેલ નહીં અને ર૦ર૧ માં સાદગી છવાયેલી રહી ત્‍યારે ત્રણ વર્ષ બાદ આ વખતે ઇદે મીલાદ ભવ્‍યતાથી ઉજવવામાં આવનાર છે ત્‍યારે જોગાનુજોગ રવિવારનો દિવસ રહ્યો છે.

ઇસ્‍લામ ધર્મના સ્‍થાપક અને મહાન અંતિમ પૈગમ્‍બર હઝરત મુહમ્‍મદ સાહેબનો જન્‍મોત્‍સવ ‘ઇદે મીલાદ' ના સ્‍વરૂપે રવિવારે ઉજવવામાં આવનાર છે.

આ પૂર્વે કાલે શનિવારે આખી રાત મસ્‍જીદો ખુલ્લી રહેશે અને રવિવાર વ્‍હેલી સવારે પૈગમ્‍બર સાહબેના જન્‍મોત્‍સવને વધાવવામાં આવશે, આ માટેની પુરજોશ તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ ‘ઇદે મીલાદ' ની ખાસ વિશેષતા મુજબ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગામે ગામ રવિવારે ‘જુલૂસ' યોજવામાં આવશે.

આ વખતે રાબેતા મુજબ રવિવારે ઇદે-મીલાદ પ્રસંગે પૈગમ્‍બર સાહેબની પ્રસંશામાં ભવ્‍ય જૂલૂસ નિકળનાર છે જે લતે લતે મસ્‍જીદેથી નિકળી રાબેતા મુજબના રૂટ ઉપરથી પસાર થશે.

પૈગમ્‍બર સાહેબની જન્‍મ જયંતિ ઉજવવા મુસ્‍લિમ સમાજમાં અનેરો ઉત્‍સાહ પ્રવર્તી રહ્યો છે.

પૈગમ્‍બર સાહેબની ૧૪પ૧ મી જન્‍મ જયંતિ દર વર્ષે ‘ઇદે મીલાદ' ના સ્‍વરૂપમાં ઉજવવામાં આવે છે. અને એ દર વર્ષે ઇસ્‍લામી પંચાગના ત્રીજા મહિના રબીઉલ અવ્‍વલની ૧ર મી તારીખે ઉજવાય છે.

બીજી તરફ આ વખતે ‘ઇદે મીલાદ' રવિવારના દિવસે ઉજવવામાં આવનાર હોય રજાનો દિવસ હોઇ સંખ્‍યા આ દિવસે નિકળનાર જૂલૂસમાં બમણી થઇ જશે જેના લીધે ઇદનો અનેરો ઉત્‍સાહ પ્રવર્તી રહ્યો છે.

જો કે, ગત ર૦ મી સાંજે ચંદ્ર દર્શન થતા જ એ રાત્રીથી લતે લતે એ રાત્રીથી જ ૧ર દિવસના સળંગ વાઅઝના કાર્યક્રમો ચાલી રહ્યા છે જેની કાલે શનિવારના રાત્રીના પુર્ણાહૂતિ થનાર છે.

ખાસ કરીને ઇસ્‍લામ ધર્મની આ સૌથી મોટી ઇદ હોઇ જે ને ઇદે મિલાદ કહેવામાં આવે છે. અને તેમાં પૈગમ્‍બર સાહેબના ગુણગાન ગાવાના હોઇ આ દિવસે સર્વત્ર દેશ-વિદેશમાં જૂલુસ કાઢવામાં આવે છે અને તેમાં મુસ્‍લિમ સમાજ મોટી માત્રામાં જોડાય છે.

સૌરાષ્‍ટ્રભરમાં રવિવારે સવારના સમયે જુલુસ નીકળનારા છે એ પૂર્વે કાલે શનિવારના રાત્રીના મોડી રાત સુધી મસ્‍જીદોમાં મીલાદ-વાઅઝ-કુર્આન ખ્‍વાનીના કાર્યક્રમો થશે અને પૈગમ્‍બર સાહેબના જન્‍મ સમયે રવિવારે વ્‍હેલી સવારે પ.૩૦ વાગ્‍યે દરેક મસ્‍જીદોમાં ‘સલામી' અર્પિત  કરી પૈગમ્‍બર સાહેબના જન્‍મોત્‍સવને વધાવવામાં આવશે.

એ પૂર્વે મસ્‍જીદોમાં પરોઢિયે ૪.૪પ વાગ્‍યાથી મીલાદ શરીફ પઢવામાં આવશે અને ફજરની નમાઝ પઢાયા પછી દરેક મસ્‍જીદોમાં ૭ વાગ્‍યે મીઠાઇ નિયાઝ વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત ઇદેમીલાદએ મુસ્‍લિમ સમાજનો સૌથી પ્‍યારો તહેવાર હોય લતે લતે મકાનો ઉપર રોશની-શણગાર કરવામાં આવ્‍યો છે. મસ્‍જીદ મદ્રેસા દરગાહોને શણગારવામાં આવ્‍યા છે. અને ચોતરફ ઝંડા લ્‍હેરાવવામાં આવ્‍યા છે.

ગત શનિવારથી મુસ્‍લિમ સમાજમાં ઇદે મીલાદનો ઉત્‍સવ ચાલી રહ્યો છે. ત્‍યારે જુલુસને સફળ બનાવવા પણ મુસ્‍લિમ સમાજમાં ભારે ઉત્‍સાહ પ્રવર્તિ રહ્યો છે. આ તકે મૂસ્‍લિમ સમાજ જડબેસલાક બંધ પાળીને જુલુસમાં જોડાનાર છે. જે માટે પણ તૈયારીઓ ચાલી રહી છે.

ઇદે મીલાદની ૧ર દિ'ની ઉજવણી નિમિતે રાજકોટ શહેરમાં લતે લતે ૧ર દિ'ના વાઅઝના કાર્યક્રમો યોજાયા છે. જે કાલે રાત્રે પૂરા થઇ જશે.

બીજી તરફ મુસ્‍લિમ વિસ્‍તારોમાં દરેક મકાનો ઉપર રંગબેરંગી રોશની કરવામાં આવી હોઇ મુસ્‍લિમ વિસ્‍તારો રાત થતાં જ ઝળહળી ઉઠયા છે.

(3:46 pm IST)