Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ડી.એચ. કોલેજનું મેદાન છીનવી લેવાના પ્રયાસ સંદર્ભે સરકારને નોટીસ ફટકારતી હાઇકોર્ટ

છેલ્લા ૧૦૦ વર્ષથી રાજકોટના લોકો આ મેદાનનો ઉપયોગ કરી રહેલ છેઃ આ મેદાનમાં ફરતી વોલ કંપાઉન્‍ડ બનાવી દેતા રાજકોટના એડવોકેટ સહિત ૧૧ લોકોએ જાહેર હિતની કરેલ અરજી હાઇકોર્ટે એડમીટ કરી સરકાર, કલેકટર અને મ્‍યુનિ. કોર્પોરેશનને નોટીસ ફટકારી

રાજકોટ તા. ૭: રાજકોટની પ્રજા અને બાળકો પાસેથી ડી.એચ. કોલેજનું મેદાન છીનવી લેવાના શાસકોના પ્રયાસ સામે દાખલ થયેલ પી.આઇ.એલ.માં ગુજરાત હાઇકોર્ટએ સરકારશ્રી, કલેકટરશ્રી રાજકોટ, મ્‍યુ. કોર્પો. રાજકોટને નોટીસ ઇસ્‍યુ કરેલ છે.

રાજકોટની મધ્‍યમાં આવેલ ડી.એચ. કોલેજને લાગુ રમત ગમતનું મેદાન કે જે રાજકોટના રાજવી કુટુંબએ પ્રજાના ઉત્‍કર્ષ, વિકાસ અને રમત ગમતને પ્રોત્‍સાહિત કરવા રાજકોટની પ્રજાને ભેટ આપેલ છે અને તે મેદાનનો રાજકોટની પ્રજા આશરે ૧૦૦ વર્ષ ઉપરાંતથી ઉપયોગ કરી રહી છે. તે છીનવી લેવાના પ્રયાસરૂપે શાસન દ્વારા ફરતી કમ્‍પાઉન્‍ડ વોલ અને આશરે સાત જેટલા ગેટ મુકી તેને ઉપયોગ કરતા અટકાવવાના પ્રયાસ સામે ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ બ્રિજ વિકાસ શેઠ મારફત પબ્‍લીક ઇન્‍ટરેસ્‍ટ લીટીગેશન (પી.આઇ.એલ.) દાખલ થયેલ છે.

ઉપરોકત પી.આઇ.એલ.ની વિગતો મુજબ ભારત દેશની આઝાદી પહેલા આશરે ૧૯૩૭ માં રાજકોટના રાજવી કુટુંબએ પ્રજાના હિતાર્થે અને પ્રજાના બાળકો રમતગમત પ્રત્‍યે આકર્ષાઇ અને પ્રોત્‍સાહિત થાય તે વાસ્‍તે રાજકોટ શહેરમાં ડો. યાજ્ઞિક રોડ ઉપર ડી.એચ. કોલેજને લાગુ મેદાન આપેલ છે. તેનો પ્રજાજનો અને રાજકોટ શહેરના બાળકો વર્ષોથી ભરપૂર અને રમતગમત માટે ઉપયોગ કરી રહ્યા છે.

આ મેદાનનું મેઇન્‍ટેનન્‍સ અને વહીવટ રાજકોટના રોડ અને બીલ્‍ડીંગ ડીપાર્ટમેન્‍ટ દ્વારા કરવામાં આવે છે. આ મેદાનને લાગુ ધર્મેન્‍દ્રસિંહજી આર્ટસ કોલેજ, કોટક સાયન્‍સ કોલેજ, એ.એમ.પી. લો કોલેજ, એ.વી.પી.ટી. ઇન્‍સ્‍ટીટયુટ, એન.સી.સી. ઓફીસ વિગેરે આવેલ છે અને તે તમામ શૈક્ષણિક સંકુલોના વિદ્યાર્થીઓ પણ રમત ગમતના હેતુ માટે ઉપયોગ કરી રહેલ છે.

ડી.એચ. કોલેજ કેમ્‍પસનો કુલ એરીયા ૧,૦૮,૬૯૯ ચો.મી. છે તેમાં ૧૭,૩૯૬ ચો.મી. જગ્‍યાનું ખુલ્લું મેદાન આવેલ છે. આ ખુલ્લુ મેદાન અને કેમ્‍પસનો રાજકોટના પ્રજાજનો, બાળકો અને યુવાનો ઉપયોગ ન કરી શકે તેના માટે ઉંચી ઉંચી દિવાલો કરી તેને ગેટ મારી વાપર-ભોગવટો બંધ થાય તેવા પ્રયાસો સતાધિકારી મારફત થતાં રાજકોટના જાગૃત નાગરિકો-ગોપાલભાઇ ત્રિવેદી-એડવોકેટ તથા અન્‍ય ૧૬ વ્‍યકિતઓ (સચીન વોરા, નદીમ બરાદી, રક્ષીત કાકડીયા, ચિરાગ તરાવીયા, રાજાણી ધવલ, નિરવ વોરા, મયુર ભીમાણી, બૌધીક અજમેરા, ભાગ્‍યેશ સાદરીયા, અભય વોરા, જગદીશ ધનવાણી, રવિન્‍દ્રસિંહ જાડેજા, મોહિત ત્રિવેદી, પ્રશાંત ત્રિવેદી, નીખીલ ઓઝા) એ નામ. ગુજરાત હાઇકોર્ટમાં પબ્‍લીક ઇન્‍ટરેસ્‍ટ લીટીગેશન દાખલ કરી સતાધિકારીઓને પ્રજાના હિત વિરૂધ્‍ધ રોકવા દાદ માંગેલ હતી.

આ પી.આઇ.એલ. એડમીટ કરી ગુજરાત હાઇકોર્ટએ ગુજરાત સરકાર, જીલ્લા કલેકટરશ્રી, રાજકોટ તથા રા. મ્‍યુ. કોર્પો.ને નોટીસ કરતાં સનસનાટી મચી ગયેલ છે. રાજકોટના પ્રજાજન વતી પી.આઇ.એલ.માં ગુજરાત હાઇકોર્ટના બ્રિજ વિકાસ શેઠ તથા રાજકોટના ગોપાલભાઇ ત્રિવેદી અને વિકાસ કે. શેઠ એડવોકેટ દરજજે રોકાયેલ છે.

(3:24 pm IST)