Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

શ્રી આપાગીગાના ઓટલા દ્વારા રાજકોટમાં ભાગવત કથા

લાભપાંચમથી કથાનો પ્રારંભ, વ્‍યાસપીઠે રામેશ્વરબાપુ હરીયાણી બિરાજશેઃ પોતાના પિતૃઓના મોક્ષાર્થે પોથી યજમાન બનવા નરેન્‍દ્રબાપુનું આમંત્રણ

રાજકોટઃ શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલા અને શ્રી જીવરાજ ચેરીટેબલ ટ્રસ્‍ટ (જીવરાજગ્રુપ) દ્વારા શ્રી પી એન્‍ડ ટી.વી. શેઠ હાઈસ્‍કુલ મેદાન (૮૦ ફૂટ રોડ, વાણીયાવાડી) ખાતે તા.૨૯ ઓકટોબર લાભ પાંચમ, શનિવારના પવિત્ર દિવસથી તા.૪ નવેમ્‍બર શુક્રવાર સુધી સર્વે પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટના સ્‍થાનિક અથવા બહારગામના કોઈપણ પરિવારને પોથી યજમાન બની કથા મંડપમાં પોતાના પિતૃદેવોનું અલગથી પોથી પાટલો આપવામાં આવશે.

શ્રી આપાગીગાના ઓટલાના મહંતશ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (નરેન્‍દ્રભાઈ સોલંકી) અખબારી યાદીમાં જણાવેલ કે આ શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞમાં વ્‍યાસાસને અમદાવાદ નિવાસી સુપ્રસિધ્‍ધ કથાકાર શ્રી રામેશ્વરબાપુ હરીયાણી બિરાજી સંગીતમય શૈલીમાં સૌ ભાવિક જનોને કથા શ્રવણ કરાવશે.

આ જ્ઞાનયજ્ઞમાં કોઈપણ કૃષ્‍ણભકત પરિવાર પોથી યજમાન બની શકશે. પોતાના પિતૃદેવોના ફોટા રાખી પૂજન, કથાશ્રવણ અને સંપૂર્ણ મહાપ્રસાદનો પણ લાભ લઈ શકશે. દરેક પરિવારને સ્‍વતંત્ર વ્‍યવસ્‍થા મુજબ પૂજનનો લાભ મળશે. પોથી યજમાન બનવા માટે પ્રતિકાત્‍મક શુલ્‍ક માત્ર રૂા.૧૫૧ રાખેલ છે. જેમાં દરરોજની પૂજન સામગ્રી, પૂજન વિધી વગેરેનો તેમજ દરેક ખર્ચનો સંપૂર્ણ સમાવેશ થઈ જાય છે. પોથી યજમાને અન્‍ય કોઈ રકમ આપવાની રહેશે નહી. પોથી યજમાન પરિવારના બધા સભ્‍યો તેમજ તેમના કુટુંબીજનો તેમજ તેમના સર્વે સગા સંબંધીઓ અથવા તો કોઈપણ માતાઓ બહેનો, ભાઈઓ, યુવાનો, વડીલો કોઈપણ જ્ઞાતિ- જાતીના ભેદભાવ વગર દરેક વ્‍યકિત કથા શ્રવણ કરવા આવતા તમામ ભકતો માટે કથા વિરામ પછી દરરોજ સાંજે શુધ્‍ધ ઘી માં બનાવેલી બે મીઠાઈ, ફરસાણ તેમજ દાળ, ભાત, શાક, રોટલી વગેરેનો દરરોજ અલગ- અલગ મહાપ્રસાદની પણ વ્‍યવસ્‍થાઓ રાખેલ છે.

પોથી યજમાન બનવા માટે પોતાના પિતૃદેવોના પાસપોર્ટ સાઈઝના અથવા પોસ્‍કાર્ડ સાઈઝના ફોટા સાથે શ્રી કડિયા વિશ્વકર્મા પ્રજાપતિનું કાર્યાલય, ગોપીનાથ કોમ્‍પલેક્ષ, ગાયત્રીનગર મેઈન રોડ, છેલ્લા બસ સ્‍ટોપ સામે, રાજકોટ ખાતે તા.૭/૧૦ને શુક્રવારથી આપવાના ચાલુ છે. જે તા.૨૦/૧૦ સુધીમાં ફોર્મ ભરી અને પરત આપવાના રહેશે. ફોર્મ માટે કાર્યાલયનો સમય દરરોજ સવારે ૧૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪ થી ૬:૩૦ સુધીનો છે. વધુ માહિતી માટે મો.૯૮૨૪૨ ૧૦૫૨૮  ઉપર સંપર્ક સાધી શકાય છે.

દરેક યજમાનને પુજા કરવા માટે પોતાની અલગથી પોથી તેમજ ત્રાંબાનુ તરભાગુ, પંચપાત્ર તેમજ આચમની તેમજ સમગ્ર પુજાપો પણ સંસ્‍થા દ્વારા આપવામાં આવશે. જે દરેક સામાન સપ્‍તાહ પૂર્ણ થયા પછી દરેક યજમાનને પોતાના ઘરે પુજા માટે લઈ જઈ શકશે. જેનો પણ કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહી. મુખ્‍ય આચાર્યશ્રી દ્વારા દરરોજ પુજન કરાવવામાં આવશે. જેમાં કોઈપણ યજમાન પોતાના બ્રહ્મદેવ દ્વારા પણ પોતાના પિતૃઓનું પુજન તેમજ અર્ચન આચાર્યશ્રીની સુચના મુજબ પુજાના સમયમાં પુજા કરાવી શકશે.

શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. કથાના દિવસો દરમ્‍યાન દરરોજ બપોરે ૨:૩૦  થી ૩ વાગ્‍યા સુધી પોતાના પિતૃઓનું પુજન કરવાનું રહેશે. કથાનો સમય બપોરે ૩ થી સાંજે ૬ સુધીનો રહેશે. ત્‍યારબાદ આવેલ આગેવાનોના સન્‍માનનો કાર્યક્રમ સાંજે ૬ થી ૭ વાગ્‍યા સુધીનો રહેશે. તમામ ભાવિકો માટે સ્‍થળ પર જ સ્‍વાદિષ્‍ટ મહાપ્રસાદની વ્‍યવસ્‍થા રાખેલ છે.

કથાના પ્રારંભે વાજતે ગાજતે પોથી યાત્રા નિકળશે. કથાના દિવસોમાં રૂક્ષ્મણી વિવાહ, ગોવર્ધનલીલા, નંદોત્‍સવ વગેરે પ્રસંગો ખુબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે. તેમ શ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (નરેન્‍દ્રભાઈ સોલંકી)એ અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:22 pm IST)