Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

સુત્રધાર અનિલ નેપાળી દસેક દિવસથી લૂંટનો પ્‍લાન ઘડતો'તોઃ રાજસ્‍થાન સુધીની ઇકો ભાડે કરી ત્‍યાંથી નેપાળ ભાગવાના હતા

રોયલ પાર્કમાં પ્રભાતભાઇ સિંધવના ૧૪ વર્ષના પુત્રને બાંધી ૩૫ લાખની લૂંટના પાંચ આરોપીઓને બહુચરાજી પોલીસે દબોચતાં રાજકોટ ક્રાઇમ બ્રાંચે કબ્‍જો લીધોઃ બે ફરાર : લૂંટ કર્યા બાદ જીવરાજ પાર્ક પાસે આવાસ ક્‍વાર્ટરમાં રહેતાં હરકબહાદુર ઉર્ફ હરેશ નેપાળીની ઘરે જઇ ભાગ પાડયોઃ રિક્ષા મારફત ઢેબર ચોક આવી ત્‍યાંથી કાર ભાડે કરી ભાગ્‍યાઃ રાજકોટ ક્રાઇમ બ્રાંચને મળેલી લીડને આધારે બહુચરાજી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરને એલર્ટ કરાતાં ટોળકી ઝડપાઇ : અંદાજે અઢી લાખની રોકડ અને દાગીના સહિત ૨૩ થી ૨૫ લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ નાસી છૂટેલા સંતોષ અને સુભાષની શોધખોળ

રાજકોટ તા. ૭: શહેરના ઇન્‍દિરા સર્કલ પાસે રોયલ પાર્કમાં રહેતાં જમીન-મકાનના ધંધાર્થી પ્રભાતભાઇ દેવાયતભાઇ સિંધવ (આહિર)ના પુત્ર જશ (ઉ.વ.૧૪)ને ગઇકાલે સવારે સવા છએક વાગ્‍યે તેના જ બંગલાના ત્રીજા માળે રૂમમાં છરી બતાવી બાંધી દઇ કબાટના દરવાજા-તાળા તોડી રોકડ-દાગીના મળી ૩૫ લાખની લૂંટ ચલાવાઇ હતી. આ લૂંટ તેમના જ બંગલાના ચોકીદાર નેપાળી અનિલ ઉર્ફ રામ રંગસીંગ (રહે. કંચનપુર તા. બેલડોડા જી. સરસ્‍વતી નેપાળ)એ તેના સાગ્રીતો સાથે મળીને ચલાવી હોવાનું ખુલતાં યુનિર્વસિટી પોલીસે ગુનો નોંધ્‍યો હતો. લૂંટારાઓને તસ્‍વીરો સાથેની વિગતો શહેર પોલીસે જાહેર કરી રાજ્‍યભરની પોલીસને જાણ કરી હતી. એ દરમિયાન ક્રાઇમ બ્રાંચને મળેલી લીડને આધારે બહુચરાજી પોલીસને વાકેફ કરવામાં આવતાં સુત્રધાર અનિલ સહિત પાંચને ઇકો કારમાંથી પકડી લેવાયા હતાં. અંદાજે ૨૫ લાખનો મુદ્દામાલ કબ્‍જે થયો છે. બીજા બે આરોપી ભાગી ગયા છે. પાંચ આરોપીનો કબ્‍જો રાજકોટ ક્રાઇમ બ્રાંચે મેળવી વિશેષ પુછતાછ આદરતાં આ લૂંટનો પ્‍લાન દસેક દિવસ પહેલા ઘડી લેવાયાનું સામે આવ્‍યું છે.

પોલીસે અનિલ રંગસીંગ નેપાળી, તેની પત્‍નિ લક્ષ્મી અનિલ નેપાળી, અનિલના મિત્ર હરકબહાદુર સનુ લુહાર (રહે. સીમનગર બેલવતીનગર પાલીડા કંચનપુર નેપાળ), તેની પત્‍નિ બીમલાકુમારી હરકમહાદુર અને તેની સાસુ સાવીત્રી ઇશ્વરસિંહ ઠાકુર (રહે. ચોગુરજી ગામ નેપાળ, અગાઉ રહે. જયપુર-રાજસ્‍થાન)ને પકડી લઇ અઢી લાખની રોકડ, દાગીના સહિતનો ૨૫ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ અનિલ નેપાળી અને તેની પત્‍નિએ દોઢેક મહિના પહેલા જ પ્રભાતભાઇ સિંધવે ૧૭ હજારના પગારથી નોકરીએ રાખ્‍યો હતો. પરિવાર ખુબ પૈસાદાર હોવાની વિગતોથી અનિલ ઉર્ફ રામ નેપાળી વાકેફ થઇ ગયા બાદ તેણે લૂંટ કરી એના દસેક દિવસ પહેલા જ આ બંગલામાં મોટો હાથ મારવાનો પ્‍લાન ઘડી લઇ પોતાની સાથે હરકબહાદુર, સંતોષ, સુભાષ સહિતને સામેલ કરી દસેક દિવસ પહેલા જ તેની સાથે બેઠક કરી બંગલો બતાવી રેકી કરી લીધી હતી. તે સતત ચોરી કે લૂંટ કરવાની તક શોધતો હતો. ત્‍યાં પરમ દિવસે ઘરધણી અને તેમના પત્‍નિ પોતાની દિકરીને મુકવા અમદાવાદ જતાં પાછળ ૧૪ વર્ષનો છોકરો અને વૃધ્‍ધ દાદા એકલા જ હોઇ અનિલે સાગ્રીતોને બોલાવી લીધા હતાં. સવારે જશનો મિત્ર નીકળી ગયા બાદ મોકો જોઇ રૂમમાં પહોંચી ગયા હતાં. ત્રણ જણા ઉપર ગયા હતાં અને બે જણા બહાર નજર રાખીને ઉભા હતાં. લૂંટ કર્યા બાદ હરકબહાદુર જીવરાજ પાર્ક નજીક ભારતનગર પાસે ક્‍વાર્ટરમાં રહેતો હોઇ ત્‍યાં બધા પહોંચ્‍યા હતાં અને લૂંટના માલનો ભાગ પાડયો હતો.

એ પછી અલગ અલગ રિક્ષા મારફત ઢેબર ચોક પાસે પહોંચી ત્‍યાંથી રાજસ્‍થાન સુધીની ઇકો ગાડી ભાડે કરી રવાના થઇ ગયા હતાં. એ દરમિયાન ક્રાઇમ બ્રાંચને લીડ મળતાં અને રાજ્‍યભરની પોલીસને આરોપીઓની તસ્‍વીરો સાથે મેસેજ કરવામાં આવ્‍યો હોઇ બહુચરાજી પોલીસે વર્ણનને આધારે અનિલ સહિત પાંચ આરોપી ઇકો કારમાં નીકળતાં દબોચી લઇ અમુક મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ વાય. બી. જાડેજા, પીએસઆઇ એમ. જે. હુણ, પ્રદિપસિંહ જાડેજા, નગીનભાઇ ડાંગર સહિતની ટીમે આરોપીઓનો કબ્‍જો મેળવી વિશેષ તપાસ યથાવત રાખી છે.

 

લૂંટારૂઓને ઉતારવા ગયેલા રિક્ષાચાલક પાસેથી કડી મળી જેણે સફળતા અપાવી

રોયલ પાર્કથી લીમડા ચોક થઇ અશોક ગેસ્‍ટ હાઉસ ચોકમાં પહોંચી ઇકો બાંધી : જોગાનુજોગ રિક્ષાચાલક અને ઇકો ચાલક એકબીજાને સારી રીતે ઓળખતા હતાં: ક્રાઇમ બ્રાંચે રસ્‍તામાં જ સંપર્ક કરી વિગતો મેળવી બહુચરાજી પોલીસને એલર્ટ કરી દીધી'તી

રાજકોટ તા. ૭: ઇન્‍દિરા સર્કલ પાસે રોયલ પાર્કમાં માતોશ્રી બંગલોમાં બનેલી લૂંટની ઘટનામાં આરોપી લૂંટારાઓ વિશે ક્રાઇમ બ્રાંચને મહત્‍વની કડી  રિક્ષાચાલક પાસેથી સાંપડી હતી, જે સફળતા સુધી દોરી ગઇ હતી. લૂંટને અંજામ આપી આરોપીઓ જીવરાજ પાર્ક નજીક આવાસ યોજનાના ક્‍વાર્ટરમાં રહેતાં એક સાગ્રીત હરકબહાદુરના ઘરે પહોંચ્‍યા હતાં અને લૂંટની મત્તાનો ભાગ પાડયો હતો.   ત્‍યારબાદ નેપાળ ભાગી જવાનું નક્કી કરી રિક્ષા મારફત લીમડા ચોકમાં આવ્‍યા હતાં. અહિથી બીજી રિક્ષા પકડી અશોક ગેસ્‍ટ હાઉસ ચોકમાં પહોંચ્‍યા હતાં. જ્‍યાંથી ઇકો ભાડે કરી રાજકોટથી સુરેન્‍દ્રનગર રૂટ પર થઇ રાજસ્‍થાન તરફ જવા રવાના થયા હતાં. આ દરમિયાન શહેર પોલીસે વાયરલ કરેલા લૂંટારૂઓના ફોટોગ્રાફસ પરથી લીમડા ચોકના રિક્ષાચાલકે પોતાની રિક્ષામાં બેઠેલા નેપાળીઓ જ લૂંટારા હોવાનું ઓળખી કાઢયું હતું અને ક્રાઇમ બ્રાંચને મહત્‍વની કડી મળી હતી.

ઉલ્લેખનિય છે કે જોગાનુજોગ લીમડા ચોકના રિક્ષાચાલક અને લૂંટારા જેમાં બેસી ભાગ્‍યા એ ઇકો કારના ડ્રાઇવર એક બીજાને ઓળખતા હોવાથી મોબાઇલ નંબર પણ ક્રાઇમ બ્રાંચને મળી ગયા હતાં. જેના આધારે લૂંટારૂઓનો રૂટ ખબર પડયો હતો અને બહુચરાજી પોલીસને એલર્ટ કરી આરોપીઓને આંતરી લેવાયા  હતાં.

ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી.બી. બસીયા અને પીઆઇ વાય. બી. જાડેજાના નેજા તળે પીએસઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ કે. ડી. પટેલ, પીએસઆઇ બી. વી. બોરીસાગર અને ટીમના તમામ સદસ્‍યો ઘટના જાહેર થઇ ત્‍યારથી જ ચારેકોર પગેરૂ મેળવવા સક્રિય બન્‍યા હતાં. દરમિયાન લીમડા ચોકના રિક્ષાચાલક પાસેથી મળેલી માહિતી લૂંટારૂઓ ભાગે એ પહેલા તેને દબોચી લેવામાં ઉપયોગી સાબિત થઇ હતી. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને સંયુક્‍ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે ક્રાઇમ બ્રાંચની ટીમની પીઠ થપથપાવી હતી. આ સફળ કામગીરમાં બહુચરાજી પોલીસ સ્‍ટેશનના પીઆઇ એ. એન. સોલંકી અને તેમની ટીમે પણ મહત્‍વનો ભાગ ભજવ્‍યો હતો.   બહુચરાજી વિરમગામ હાઇવે પર આ ટૂકડીએ વોચ ગોઠવી એક હોટેલ પાસેથી વર્ણન મુજબની ઇકો કારને આંતરી લીધી હતી.

(4:18 pm IST)