Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

હાઇજેક થયેલા પ્લેનમાં ઇંધણ ખુટતાં રાજકોટ એરપોર્ટમાં લેન્ડ થયું: પાંચ હાઇજેકર સરન્ડર

છેલ્લે મોકડ્રીલ જાહેર થઇઃ સલામતિ દળો અને સીઆઇએસએફ દ્વારા યોજાયેલી મોકડ્રીલમાં પોલીસની ટીમો ૩ થી પ મિનીટમાં જ પહોંચી ગઇ

રાજકોટઃ એક પ્લેન હાઇજેક થયા બાદ તેમાં ઇંધણ ખુટણા ઇંધણ પુરાવવા માટે રાજકોટના એરપોર્ટ પર લેન્ડ થયાની અને તેમાં પાંચ હાઇજેકર હોવાની તેમજ પોતાની ડિમાન્ડ મુકી રહ્યાની માહિતી પોલીસ કન્ટ્રોલ રૂમને એરપોર્ટ ઓથોરિટી તરફથી મળતાં જ કન્ટ્રોલ રૂમ દ્વારા ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવતાં પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલની રાહબરીમાં ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરા, કયુઆરટી ટીમો, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ, ગાંધીગ્રામના પીઆઇ કે. એ. વાળા, ડીસીબી પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. બી. જેબલીયા, એસઓજી પીએસઆઇ એમ. એસ. અંસારી સહિતનો સ્ટાફ કોલ મળ્યાની ૩ થી ૫ મિનીટમાં જ પહોંચી ગયો હતો. પોલીસ અધિકારીઓ અને ટીમોએ પોતપોતાની પોઝિશન લઇ સિવિલ એરપોર્ટ ઓથોરીટી સાથે સંકલનમાં રહી કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રાફિક શાખાના અધિકારીઓ, કર્મચારીઓ, એમટી સેકશનના પ્રહરી વાહન, વજ્ર વાહનો પણ પહોંચી ગયા હતાં. હાઇજેક થયેલા પ્લેનને કોર્ડન કરી પોલીસ અને એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓએ હાઇજેકર સાથે વાતચીતનો દોર શરૂ કયો હતો અને અંતે પાંચ હાઇજેકર સરન્ડર થયા હતાં. આ તમામ પ્રક્રિયા પુરી થયા બાદ આ કાર્યવાહી મોકડ્રીલનો ભાગ હોવાનું જાહેર કરાયું હતું. શહેરના અલગ-અલગ તંત્રોની કાર્યશિલતા ચકાસવા અવાર-નવાર મોકડ્રીલ યોજવામાં આવે છે. આજે પણ એરપોર્ટ ખાતે આવી એક મોકડ્રીલ સલામતિ દળો અને સીઆઇએસએફ દ્વારા યોજાઇ હતી. જેમાં શહેર પોલીસની ટીમો તથા બીજી ટીમો પાસ થઇ હતી. તસ્વીરમાં મોકડ્રીલના દ્રશ્યો જોઇ શકાય છે.

(4:02 pm IST)