Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

કોરોના કાળ દરમ્યાન

સિટી સ્કેન કરાવો ત્યારે રીપોર્ટ સાથે CD માંગવી હિતાવહ

ઘણા કિસ્સામાં સેકન્ડ ઓપીનિયન કે ભવિષ્યમાં સારવાર માટે CD આશીર્વાદરૂપ બને છે

રાજકોટ તા. ૭ : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાયેલ કોરોના (COVID 19) ને કારણે હાલમાં વિવિધ મેડીકલ ટેસ્ટસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોના સામેની તકેદારી તથા સારવારના ભાગરૂપે કરાતા વિવિધ મેડીકલ ટેસ્ટસમાં સિટી સ્કેન મહત્વનું સાબિત થઇ રહ્યું છે કોરોના સિવાયની બિમારી માટે પણ ઘણા કિસ્સામાં વર્ષોથી સિટી સ્કેન બિમારીનું ચોકકસ નિદાન કરવામાં ઉપયોગી બનતું રહ્યું છે.

હાલમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે જયારે પણ સિટી સ્કેન કરાવવામાં આવે ત્યારે તેના રીપોર્ટ તથા ફોટો પ્રિન્ટ સાથે તેની CD માંગવી હિતાવહ હોવાનું મેડીકલ સૂત્રો જણાવી રહ્યા છે. સિટી સ્કેનની રેકોર્ડેડ CD હાથવગી હોવાથી ભવિષ્યમાં આગળની સારવાર માટે કે પછી ઘણા કિસ્સામાં અન્ય જગ્યાએ કે શહેરમાં સેકન્ડ ઓપીનિયન લેવા માટે  CD આશીર્વાદરૂપ બનતી હોય છે. 

સીટી સ્કેન દરમ્યાનના તમામ ફોટાઓ તથા તમામ ગતિવિધ CD  માં સ્ટોર થયેલ હોવાથી ઘણી વખત ફોટો પ્રિન્ટમાં અપાયેલ ફોટાઓ સિવાયના અન્ય ફોટાઓ ઉપરથી પણ ડોકટર્સને સારવાર કરવામાં સરળતા રહે છે. ભૂતકાળની સીટી સ્કેનની CD  તથા વર્તુમાનમાં લેવાતા સીટી સ્કેન સહિતના મેડીકલ ટેસ્ટસની કમ્પેરીઝન પણ કરી શકાય છે. CD  માં ડીટેઇલ સ્કેન તથા તમામ ફોટોગ્રાફર્સ - ઇમેજીસ હોવાથી કોઇપણ ડોકટર્સને ચોકકસ સારવાર કરવામાં સરળતા રહે છે.

આ બધું જ જોતા હાલના સમયમાં અને ભવિષ્યમાં પણ સંજોગો વસાત સીટી સ્કેન કરાવવાનું થાય ત્યારે તેના રીપોર્ટ - ફોટો પ્રિન્ટ સાથે CD  સાથે  માંગી લેવી હિતાવહ સાબિત થાય તેમ છે. ભવિષ્યમાં સેકન્ડ ઓપીનિયન કે આગળની સારવાર માટે CD  માટે  ચુકવેલ બસો (ર૦૦) રૂપિયા સુધીનો પ્રમાણમાં નોમિનલ ગણાતો ચાર્જ લેખે લાગતો હોય છે.

રેડીયોલોજીસ્ટસને પણ CD આપતી વખતે CD  ઉપરાંત તેનું મશીન ઓકયુપાઇડ થઇ જાય, કન્સોલ યુઝ થતું હોય, CD  નો અલગ સોફટવેર ઇન્સ્ટોલ કરેલ હોય વિગેરે બાબતોને ધ્યાનમાં રાખવી પડતી હોવાનું મેડીકલ સૂત્રો જણાવી રહ્યા છે. સિટી સ્કેનનો રીપોર્ટ તથા ફોટો પ્રિન્ટ મળી જાય તો ઘણી વખત CD  મેળવવામાં થોડો સમય લાગતો હોય છે જે સામાન્ય અને સ્વીકાર્ય બાબત હોવાનું સૂત્રો જણાવે છે.

(3:16 pm IST)