Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

આટકોટ રોડ ઉપરથી પકડાયેલ લાખોના દારૂના કેસમાં આરોપીના આગોતરા જામીન રદ

રાજકોટ તા. ૭: મુળ રાજસ્થાનના ઝાલોર પંથકના વતની અને વિરનગર-આટકોટ રોડ ઉપરથી રૂ. ૧૩ લાખ ૭૬ હજારની કિંમતની ૧૩ર૦ ઇંગ્લીશ દારૂની બોટલો આટકોટ પોલીસે ઝડપી પાડીને પ્રોહિબીશન એકટ અન્વયેનો ગુનો દાખલ કરતાં નાસતા-ફરતાં આરોપી મહમાવીર રામલાલજી ખિલોરીએ સંભવિત ધરપકડ સામે આગોતરા જામીન મેળવવા કરેલ અરજીને એડી. સેસ જજ શ્રી ડી. એ. વોરાએ રદ કરી હતી.

આ બનાવ અંગે આટકોટના પી.એસ.આઇ. કે. પી. મહેતાએ જાતે ફરીયાદી બનીને તા. ૬-૮-૧૯નાં રોજ આરોપીના કબજામાંથી લાખોની કિંમતનો દારૂ ઝડપાતા ગુનો નોંધીને તપાસ હાથ ધરતાં આરોપીએ સંભવિત ધરપકડ સામે આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી.

આ અરજીના વિરોધમાં સરકારી વકીલ સમીર ખીરાએ રજુઆત કરેલ કે, આરોપી પાસેથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાયેલ છે. અગાઉ પણ આવા જ ગુનાઓ તેની સામે નોંધાયા હોય જો આગોતરા અરજી મંજુર કરવામાં આવે તો ફરી આ પ્રકારનો ગુનો કરે તેવી શકયતા હોય આગોતરા અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને એડી. સેસ. જજ શ્રી ડી. એ. વોરાએ આરોપી મહાવીર ખિલોરીની આગોતરા જામીન અરજી રદ કરી હતી. આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. શ્રી સમીર એમ. ખીરા રોકાયા હતાં.

(3:21 pm IST)