Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

સોમવારથી શ્રાવણ માસનો મંગલારંભ : જીવ થશે શિવમય

' ૐ ત્ર્યંબકમ યજા મહે સુગંધીમ પુષ્ટિવર્ધનમ્, ઉર્વા ઋકમિવ બંધના મૃત્યોર્મોક્ષી યમામૃતામ્' : શિવ મંદિરો ૐ નમઃ શિવાય, હર હર મહાદેવ, બમ બમ ભોલેના નાદોથી ગુંજી ઉઠશે : ભોળાનાથને રીઝવવા થશે વ્રત, તપ, અને જપ : શિવાલયોને અનેરા શણગાર : આરતી પુજન અને અભિષેક, રાત્રે દિપમાળા, સત્સંગના કાર્યક્રમો આખો માસ ધમધમશે : આ વર્ષે કોરોના ધ્યાને લઇ મંદિરોમાં સોશ્યલ ડીસ્ટન્સ સાથે દર્શનની ગોઠવાતી વ્યવસ્થા

રાજકોટ તા. ૭ :  શિવભકિત માટે સોમવારનું અનેરૂ મહત્વ હોય છે. ત્યારે આ વખતે સોમવારથી જ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો હોય ભાવિકોના હૈયે અનેરો ઉમંગ છવાયો છે.

આવતીકાલે અમાસ છે અને સોમવારે શ્રાવણ સુદ એકમથી પવિત્ર શ્રાવણ માસનો મંગલારંભ થશે... શિવાલયોને અનેરા શણગારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સોમવારથી શિવમંદિરોમાં હર હર મહાદેવ, ૐ નમઃ શિવાય, બમ બમ ભોલે, જય ગીરનારી... જેવા નાદો ગુંજી ઉઠશે. જો કે કોરોનાનું સંક્રમણ પ્રસરે નહીં તે માટે સોશ્યલ ડીસ્ટન્સ જળવાઇ રહે તે રીતે દર્શન માટેની ખાસ વ્યવસ્થાઓ મોટાભાગના મંદિરોમાં ગોઠવવામાં આવી રહી છે. ભાવિક ભકતોને પણ સરકારી ગાઇડ લાઇનને અનુસરવા ખાસ અપીલો થઇ છે.

ભગવાન શિવજીને રીઝવવા ચારે પ્રહરની આરતી ઉપરાંત જલાભિષેક, દુગ્ધાભિષેક, બિલ્વાભિષેક અને રાત્રે ભજન સત્સંગના કાર્યક્રમો ધમધમશે. કોઇ આખા મહીનાના એકટાણા કરશે તો કોઇ શ્રાવણના તમામ સોમવારના એકટાણા કરીને ધન્યતા અનુભવશે.

આ પવિત્ર માસ દરમિયાન લઘુઋદ્રી, મહાઋદ્રી, શિવમહાપુરાણનું વાંચન, શિવમહિમ્નસ્ત્રોત પઠનનો મહિમા વધશે.  દેવાધીદેવને રીજવવા ભાવિકો અધિરા બન્યા છે. ત્યારે શ્રાવણ માસમાં શહેરભરમાં થયેલ વિશેષ આયોજનોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

ગંગેશ્વર મહાદેવ ગાંધીગ્રામ

ગાંધીગ્રામમાં આવેલ શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરે આખો શ્રાવણ માસ વિશેષ પૂજા અર્ચનનું આયોજન થયુ છે. દરેક સોમવારે શિવજીને અનેરા શણગારના દર્શન ખુલ્લા મુકાશે.

રામેશ્વર મંદિર જીવનનગર

રૈયા રોડ, જીવનનગર શેરી નં. ૪ ખાતે આવે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે મંદિર સમિતિ, જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા સત્સંંગ મંડળ અને મંદિરના સંચાલક મંડળના સંયુકત ઉપક્રમે તા. ૯ ઓગષ્ટથી  શ્રાવણ માસ નિમિતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. શિવજીને ચડાવાતા દુધને એક અલગ વાસણમાં એકત્ર કરી ગરીબ લોકોને પ્રસાદ તરીકે વિતરીત કરી દેવાશે. દરરોજ બપોરે ૧ સુધી અભિષેક, જલાભિષેક, રૂદ્રી, પૂજા પાઠ થશે. ૧૫ મીએ રાષ્ટ્રીય પર્વ પણ ઉજવાશે. આ માસમાં આવતા તમામ તહેવારોની ઉજવણી કરાશે. મંદિરને ઇલેકટ્રીક રોશનીથી સજજ કરાયુ છે. ભાવિકોએ દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

ગીતા વિદ્યાલય

જંકશન પ્લોટ ખાતે આવેલ શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટના ગીતા મંદિર પરિસરમાં બિરાજતા શ્રી રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસની ભકિતસભર ઉજવણી થશે. દર સોમવારે પુષ્પશૃંગાર અને ઇલેકટ્રીક ડેકોરેશનથી દર્શનીય શોભા કરાશે. સવારે ૮ થી ૧૨ અને સાંજે પ થી ૮ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શિવપૂજન અને રૂદ્રભિષેક થશે. મંદિરે દર્શનનો સમય સવારે ૬ થી બપોરે ૧૨.૩૦ અને સાંજે પ થી રાત્રીના ૯ સુધીનો રહેશે.

કોટેશ્વર મહાદેવ

કોઠારીયા કોલોનીમાં આવેલ શ્રી કોટેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે પૂનઃ પ્રાણપ્રતિષ્ઠાનો સાતમો પાટોત્સવ ઉજવાશે. સવારે મંગળા આરતી, ધ્વજારોહણ કરાશે. સાંજે પુષ્પશ્રુંગાર દર્શન અને ૧૦૮ દીપદાન ૐકાર મહાઆરતી કરવામાં આવશે. ભાવિક ભકતોએ કોરોના ગાઇડ લાઇનનું પાલન કરીને દર્શન પૂજાનો લાભ લેવા અનુરોધ કરાયો છે. 

(3:16 pm IST)