Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

૪૦ હજારની સોપારી લઈને હત્યા કરવાના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ, તા. ૭ :. ખૂનના ગુના સબબ ગાંધીગ્રામ ૨(યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં હત્યા કરવા સબબની ભારતીય દંડસંહીતાની કલમ મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ હતી અને જે સબબ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી અને ચાર્જશીટ કરવામાં આવેલ હતું, ત્યાર બાદ આ કેસના આરોપીએ જામીન મુકત થવા ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરતા હાઈકોર્ટએ જામીન અરજી મંજુર કરેલ હતી.

આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે, હાલના કામે આરોપી નંબર (૧) મહમદ બશીર અને મરણજનાર મોહમદ જસીમ કૌટુંબીક મામા ભત્રીજો થતા હોય અને બન્ને લોકો પંચર કરવાના વ્યવસાય સાથે સંકળાયેલ હોય જેના કારણે બન્ને લોકો વચ્ચે ધંધાકીય હરીફાઈ તેમજ કારીગરો બાબતે નાની મોટી માથાકુટો ચાલતી હતી. જે અનુસંધાને મરણજનારે આરોપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી અને આરોપીની મેટોડા ખાતેની દુકાને જઈ તેના કારીગરોને પણ ધાકધમકીઓ આપતો હોય અને અવારનવાર ધમકાવતો હોય જેથી હત્યાના આઠેક દિવસ અગાઉ આરોપી નંબર ૧ મહમદ બશીરે કંટાળીને પોતાના મિત્ર સલીમશા અબ્દુલશાને આ બાબતની જાણ કરી પોતાના કૌટુંબીક મામા મોહમદ જસીમને મારી નાખવા માટે રૂપીયા ચાલીસ હજારની સોપારી આપેલ હતી અને સલીમશાએ પોતાના મિત્ર વિશાલ અને અન્ય એક બાળકિશોર સાથે મળી હત્યા કરવાનું કાવત્રુ રચેલ હતુ. જેના ભાગરૂપે આરોપી વિશાલ અને બાળકીશોર રાત્રીના સમયે મોહમદ જસીમની દુકાને પહોંચેલ અને હવા ભરવાનું કહેલ તે સમયે આ વિશાલ ગીરધરભાઈ દ્વારા પોતાની પાસે રહેલ લોખંડના પાઈપથી મોહમદ જસીમને માથાના ભાગે ઈજાઓ કરેલ હતી અને ત્યાંથી ભાગી ગયેલ હતા. સવારના સમયે મોહમદ જસીમની દીકરી અને પત્નીએ લોહીલુહાણ હાલતમાં મરણજનારને જોતા સગાવહાલા અને પોલીસને જાણ કરતા હાલની આ ફરીયાદ નોંધાયેલ હતી. તેમજ હાલના કામમાં એક બાળકીશોર સહીત કુલ ચાર લોકોની અટક કરવામાં આ વેલ હતી અને આ આરોપીઓને રાજકોટના જ્યુ. મેજી. સમક્ષ રજૂ કરેલ હોય અને આરોપીઓને જ્યુડીશ્યલ કસ્ટડીમાં લઈ રાજકોટ જીલ્લા જેલ ખાતે મોકલવાનો હુકમ ફરમાવેલ હતો.

ત્યાર બાદ આ કામે ચાર્જશીટ થઈ જતા આરોપી વિશાલ ગીરધરભાઈ રાઠોડએ પોતાના એડવોકેટ શ્રી મારફત જામીન મુકત થવા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરેલ હતી. જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલ એડવોકેટશ્રીએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે જરૂરી ચુકાદાઓને ધ્યાનમાં રાખી ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપીને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામે આરોપીઓ વતી રાજકોટના એડવોકેટશ્રી રણજીત એમ. પટગીર, બલરામ એસ. પંડીત તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં શ્રી પી.એન. ખંઢેરી રોકાયેલ હતા.

(3:07 pm IST)