Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

કોઠારીયામાં ૧૮ ઔદ્યોગિક બાંધકામો પર કલેકટરનું બુલડોઝર ફરી વળ્યુઃ ૩ મોટા ભૂ-માફીયાઓ સામે લેન્ડ ગ્રેબીંગની કાર્યવાહી

૧ર શેડ તૈયાર કરીને વેંચી નાખવાની તૈયારીમાં હતા ત્યાં જ તંત્ર ત્રાટકયુઃ મેગા ડીમોલીશનથી ખળભળાટઃ ૧પ,૬૦૦ ચો. મી. જમીન પચાવી પાડવાનું કારસ્તાન નિષ્ફળ બનાવતા અરૂણ મહેશબાબુ

કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં ગેરકાયદે ઔદ્યોગિક બાંધકામો પર કલેકટર તંત્રએ આજે બપોરે બુલડોઝર ફેરવી દિધુ હતું તે વખતની તસ્વીર. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૭ :.. રાજય સરકારશ્રીની વખતો વખતની સુચના છે કે સરકારી જમીન પર થતાં ગેરકાયદેસર દબાણો તાત્કાલીક ધોરણે શોધી દૂર કરવા.

જે અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશબાબુની સુચના મુજબ પ્રાથમિક સરવે હાથધરી ડિમોલીશન આયોજન કરવા સુચના મળતાં પ્રાંત અધિકારી રાજકોટ શહેર-ર ચરણસિંહ ગોહીલની સીધી દેખરેખ હેઠળ તાલુકા મામલતદારશ્રી કે. એમ. કથીરિયાની ટીમ દ્વારા પોલીસ તંત્ર, કોર્પોરેશન, ડી. ઇ. લે. રે. ના સહયોગથી દબાણો દૂર કરવા મેગા ડીમોલીશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જે મુજબ કોઠારીયાની પર૪પ ચો. મી. જમીન પર બનેલા અંદાજીત ૩૦ થી વધુ ઔદ્યોગીક શેડ તોડી પાડી અંદાજીત ૧૭ કરોડથી વધુ કિંમતની જમીન પરનું અંદાજિત પ કરોડ રૂપિયાનું બાંધકામ રાજકોટનાં કોઠારીયા ગામનાં સરકારી ખરાબાના સ.નં. ૩પર પૈ. ની જમીન તથા રાજકોટ તાલુકાના કોઠારીયા ગામની યુએલસી ફાજલ જમીન સ. નં. ર૬ર પૈકીની જમીન આશરે પર૪પ-૦૦ ચો. મી. પૈકી જમીનોમાં ર૯ જેટલા શેડોનું બાંધકામ કરવામાં આવેલ જેની બજાર કિંમત આશરે રૂ. પ૦ કરોડ જેટલી થવા જાય છે. જેનું આજરોજ મેગા ડીમોલેશન કરી બાંધકામ દુર કરવામાં આવેલ છે.

કલેકટરશ્રી રાજકોટની સુચનાથી શ્રી ચરણસિંહ ગોહીલ, પ્રાંત અધિકારી શ્રી રાજકોટ શહેર-ર ની સીધી દેખરેખ હેઠળ તાલુકા મામલતદાર શ્રી કથીરિયા તથા સર્કલ ઓફીસર દેકાવાડીયા, વસાણીભાઇ, મહેન્દ્રસિંહ, તથા રેવન્યુ તલાટીઓ હાંસલીયાભાઇ, પવનભાઇ, પુરોહીતભાઇ, જેસડીયાભાઇ, વસીલભાઇ, ડી. આર. ઝાલા, કવિતાબેન તથા પાયલની સમગ્ર ટીમ તેમજ આજી ડેમ પોલીસ સ્ટેશનની ટીમ, ડી. આઇ. એલ. આરશ્રીની ટીમ, રાજકોટ મહાનગરપાલિકા તથા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મેગા ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવેલ છે.

સરકારી જમીન પર ઔદ્યોગિક શેડ બનાવી ગેરકાયદે વીજ કનેકશન લઇ ધંધાર્થીઓને શેડ ભાડે આપી કે વેચાણ કરી મુખ્ય જગ્યાએથી હટી જવું જેનો ભોગ ધંધાર્થી બને છે.

જિલ્લા કલેકટરશ્રી રાજકોટ એ રાજકોટ વાસીઓને અપીલ કરતા જણાવ્યું છે કે કોઇપણ મિલકત ખરીદતા પહેલા તેની ચકાસણી કરવી અને સરકારી જમીન પર દબાણ હોય તો તે ન ખરીદવા અપીલ કરેલ છે. તાજેતરમાં રાજય સરકારે દાખલ કરેલ લેન્ડ ગ્રેબીંગ અધિનીયમ પ્રમાણે કાર્યવાહી થઇ શકે છે.

આથી, આવા ભૂમાફીયા તત્વોથી દૂર રહેલા અપીલ કરી છે. તથા ભૂમાફીયાઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી થશે તેવી ચેતવણી આપતાં આવા ભૂમાફીયાઓને સ્વૈચ્છીક દબાણો દુર કરવા જણાવ્યું છે.

અત્રે નોંધનીય છે કે કોઠારીયા વિસ્તારમાં આ પ્રકારે સરકારી જમીનો પર ગેરકાયદે  શેડ બનાવી વેંચી નાખવાનાં કારસ્તાન સામે તંત્રએ કડક કાર્યવાહી કરી. આ કૌભાંડને નિષ્ફળ બનાવ્યું છે. અને સાથો-સાથ આ માટે ત્રણ જેટલા મોટા ભૂ-માફીયાઓ સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરતાં ખળભળાટ મચી ગયો છે. 

(3:06 pm IST)